સેન્સેક્સ માટે વો ઘડી આ ગઈ...50000 આજે પૉસિબલ

21 January, 2021 08:01 AM IST  |  Mumbai | Atul Moresa

સેન્સેક્સ માટે વો ઘડી આ ગઈ...50000 આજે પૉસિબલ

સેન્સેક્સ માટે વો ઘડી આ ગઈ...50000 આજે પૉસિબલ

એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ હવે ૫૦,૦૦૦ના સીમાચિહ્નરૂપી આંકથી માત્ર ૨૦૮ પૉઇન્ટ દૂર છે ત્યારે બજારની ગતિ જોઈને સ્વાભાવિક રીતે ઉત્કંઠા જાગે છે કે ગુરુવારે એટલે કે ૨૧ જાન્યુઆરીએ એ ઘડી આવશે કે કેમ. હાલમાં ચાલી રહેલી કૉર્પોરેટ પરિણામોની મોસમમાં સારાં પરિણામો આવી રહ્યાં છે, વિદેશી રોકાણકારોનો પ્રવાહ યથાવત્ છે, કોઈ નકારાત્મક પરિબળ દેખાતું નથી, વિદેશી બજારોમાં વૃદ્ધિ થઈ રહી છે તથા રોકાણકારોનું માનસ બજેટને અનુલક્ષીને પણ આશાવાદી છે એ સ્થિતિમાં વર્ષ (૨૦)૨૧ના પહેલા જ મહિનાની ૨૧મી તારીખે આ ઉત્સુકતા વાસ્તવિકતામાં પરિણમી શકે છે.
સેન્સેક્સ ૨૦૨૧માં ૫૦,૦૦૦નો આંક વટાવી જશે એવી ધારણા એક સમયે એક આંતરરાષ્ટ્રીય બૅન્ક દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાઇરસે જ્યારે જગ આખાને ઘમરોળી નાખ્યું અને ગઈ ૨૪મી માર્ચે આ ઇન્ડેક્સ ૨૫,૬૩૯ની બાવન સપ્તાહની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો હતો ત્યારે લોકોએ ૫૦,૦૦૦ની કલ્પના પણ છોડી દીધી હતી. જોકે વર્તમાન વલણને જોતાં કોઈ પણ ઘડીએ અને સંભવતઃ ૨૧ જાન્યુઆરીએ જ એ સપાટી આવી જશે.
સતત ઊંચા જઈ રહેલા વૅલ્યુએશનને પગલે કન્સોલિડેશનની સંભાવના વધી ગઈ ત્યારે ગયા શુક્રવારે એટલે કે ૧૫મીએ અને પછી સોમવારે ૧૮મીએ બજાર ઘટ્યું હતું અને સોમવારે દિવસના અંતે સેન્સેક્સ ૪૮,૫૬૪ સુધી ગયો હતો. પછીથી બે સત્રોમાં બધો ઘટાડો ધોવાઈ ગયો છે.
તેમણે જણાવ્યા મુજબ હાલ રિલાયન્સ, એચડીએફસી બૅન્ક, ટીસીએસ વગેરે જેવા ખમતીધર સ્ટૉક્સમાં નવા પૈસા આવી રહ્યા છે અને આગામી દિવસોમાં સ્ટૉક સ્પેસિફિક મૂવમેન્ટ ચાલુ રહેવાની સંભાવના છે.
બુધવારે પણ કોઈ પરિબળ નહીં, પણ પરિણામોને લીધે જ બજારમાં વૃદ્ધિ થઈ હોવાનું તેમણે ઉમેર્યું છે.
જોકે ગુરુવારે જ એ ઘડી આવશે એવું અનુમાન કરી શકાય નહીં એવું તેમનું કહેવું છે.
આ લખાઈ રહ્યું છે એવા સમયે અમેરિકન અને યુરોપિયન બજારો ઉપર હોઈ એની અસર ભારતીય બજાર પર ગુરુવારે પડે અને ૫૦,૦૦૦નો આંક ‘હાથવેંતમાં’થી ‘હાથમાં’ આવી જાય એવું જણાય છે.

બજારમાં કોઈ મોટું પરિબળ ભલે ન હોય, વિવિધ કંપનીઓનાં સારાં પરિણામોને લીધે એમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી નીકળી હોવાથી આ સીમાચિહ્ન ગુરુવારે આવે એવી શક્યતા ચોક્કસ છે
- દેવેન ચોકસી, કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર

કોઈ પણ ઘડીએ આ સીમાચિહ્ન સર થવાની શક્યતા છે. કંપનીઓનાં સારાં પરિણામોને લીધે બજારનું વલણ વૃદ્ધિતરફી છે
- આશિષ સોમૈયા, વાઇટ ઓક કૅપિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર

business news sensex