News In Shorts: સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક ઘટીને ૨૦૨ લાખ ટને પહોંચ્યો

26 November, 2022 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતના સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સરકારી ગોડાઉનમાં ૧૫ નવેમ્બરની સ્થિતિએ ઘઉંનો ૨૦૧ લાખ ટનનો સ્ટૉક છે

પ્રતીકાત્મક તસવીર

ભારત સાવ નજીવા ઝડપી દરે વૃદ્ધિ કરશે, ફુગાવો ઘટશેઃ નાણામંત્રાલય

નાણામંત્રાલયના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, વૈશ્વિક નાણાકીય કઠોરતા હોવા છતાં, મૅક્રો ઇકૉનૉમિક સ્થિરતાના પગલે ભારત આગામી વર્ષોમાં ‘સાધારણ ઝડપી દરે’ વૃદ્ધિ પામવા માટે સારી સ્થિતિમાં છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે ખરીફ પાકની આવકો શરૂ થવાની સાથે આગામી મહિનાઓમાં ફુગાવાનું દબાણ હળવું થશે અને એ જ સમયે વ્યવસાયની સંભાવનાઓમાં સુધારા સાથે નોકરીની તકો વધશે.
‘ઑક્ટોબર ૨૦૨૨ માટે માસિક આર્થિક સમીક્ષા’એ પણ ચેતવણી આપી હતી કે અમેરિકન નાણાકીય કડકીકરણ એ ‘ભવિષ્યનું જોખમ’ છે જે શૅરના ભાવમાં ઘટાડો, નબળા ચલણ અને ઉચ્ચ બૉન્ડ ઊપજ તરફ દોરી શકે છે, જેના પરિણામે વિશ્વભરની ઘણી સરકારો માટે ઉધાર ખર્ચ વધારે છે.
એમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક વૃદ્ધિની સંભાવનામાં ઝડપી બગાડ, ઊંચો ફુગાવો અને બગડતી નાણાકીય સ્થિતિએ તોળાઈ રહેલી વૈશ્વિક મંદીની આશંકા વધારી છે.

સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક ઘટીને ૨૦૨ લાખ ટને પહોંચ્યો

દેશમાં સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક ઘટી રહ્યો છે, પરંતુ સરકારી અધિકારીઓ કહે છે કે દેશમાં ઘઉં અને ચોખા સહિત અનાજનો સ્ટૉક દેશની જરૂરિયાત મુજબનો પૂરતો છે અને એપ્રિલના બફર સ્ટૉકના નિયમ કરતાં સ્ટૉક વધારે જ રહે એવી ધારણા છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતના સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સરકારી ગોડાઉનમાં ૧૫ નવેમ્બરની સ્થિતિએ ઘઉંનો ૨૦૧ લાખ ટનનો સ્ટૉક છે અને ચોખાનો ૧૪૦ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે. પહેલી એપ્રિલ ૨૦૨૩ના રોજ ઘઉંનો સ્ટૉક સરકારના ૭૫ લાખ ટનના બફર સ્ટૉકના નિયમની તુલનાએ ૧૧૩ લાખ ટન રહેવાનો અંદાજ છે, જ્યારે ચોખાનો સ્ટૉક ૧૩૬ લાખ ટનના નિયમની તુલનાએ ૨૩૭ લાખ ટનનો રહેવાનો અંદાજ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, નૅશનલ ફૂડ સિક્યૉરિટી અને અન્ય સરકારી યોજનાની ફાળવણી માટે અનાજનો ક્વોટા બાદ કર્યા બાદ પણ સરેરાશ દેશની જરૂરિયાત મુજબ પૂરતો સ્ટૉક સેન્ટ્રલ પુલમાં રહે એવો અંદાજ છે.
ચોપરાએ વધુમાં કહ્યું કે દેશમાંથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ૨૧ નવેમ્બર સુધીમાં ૨૭૭.૩૭ લાખ ટનની ડાંગની ખરીદી કરવામાં આવી છે, જે ગયા વર્ષની તુલનાએ ૧૪ લાખ ટન વધારે છે. ચાલુ સીઝનમાં ડાંગરની કુલ ખરીદીનો લક્ષ્યાંક ૭૭૫.૭૩ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. ઘઉં-ચોખાના ભાવ વિશે ચોપરાએ જણાવ્યું હતું કે દેશમાં ઘઉંના ભાવ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો જેની તુલનાએ સાત ટકા વધારે છે અને સરકારે નક્કી કરેલા મિનિમમ સપોર્ટ પ્રાઇસની તુલનાએ ભાવ ચારથી પાંચ ટકા વધારે છે.
ચોપરાએ કહ્યું કે હાલમાં કોઈ જ પગલાં લેવાની જરૂરિયાત રહેતી નથી. અમે પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ અને જો કોઈ પણ પ્રકારના ધારણાથી વધુ કે અસામાન્ય ભાવવધારો આવશે તો સરકાર જરૂરી પગલાં લેવા માટે તૈયાર છે. 

નાશિકમાં ૨૫ કરોડના ખર્ચે દેશની સૌથી પહેલી ખાનગી મંડી શરૂ થશે

મહારાષ્ટ્રના નાશિકમાં દેશની સૌથી મોટી પ્રાઇવેટ મંડી બનવા જઈ રહી છે. આ મંડી ૧૦૦ એકર સંપાદિત જગ્યામાં વિશ્વ કક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બૅન્કિંગથી લઈને સ્ટોરેજ, પ્રોસેસિંગ અને પૅકેજિંગ સુધીની સેવાઓ એક છત નીચે, ઑફલાઇન અને ઑનલાઇન ટ્રેડિંગ માટેના વિકલ્પો, ક્ષેત્રીય વેપારનું કાયદેસરકરણ અને ખેડૂતોની માલિકી સાથે સંકલિત છે. આ સહ્યાદ્રિ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા શરૂ કરાયેલ ખાનગી મંડી બનશે.
ખેડૂત ઉત્પાદક કંપની નાશિક જિલ્લામાં ડિંડોરી ખાતે ખાનગી કૃષિ મંડી (બજાર) સ્થાપવા માટે દેશમાં પ્રથમ લાઇસન્સ મેળવ્યું છે. આગામી ત્રણ મહિનામાં ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બજાર તૈયાર થઈ જશે.
સહ્યાદ્રિ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર વિલાસ શિન્દેએ જણાવ્યું હતું કે અમે ખાતરી આપીએ છીએ કે નાશિકમાં વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓ સાથે આ મંડી તૈયાર કરવામાં આવશે. આ મંડીમાં ખેડૂતો ટ્રેડિંગ, ઑક્શન અને સ્ટોરેજ પણ કરી શકશે. આ મંડીમાં ૪૦૦૦ ટન દ્રાક્ષ અને અન્ય ફળો માટે તૈયાર છે, જ્યારે ૨૦,૦૦૦ ટનની ક્ષમતા તૈયાર થઈ રહી છે. અમારું બાગાયત પાકો પર વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાગાયત પાકોમાં ખેડૂતોની ફરિયાદ વધારે હોય છે, એની ખરીદી પૂરતા ભાવથી થતી નથી અને વેપારીઓ પણ પૈસા આપ્યા વગર ઘણી વાર જતા રહેતા હોય છે. આ મંડીમાં તમામ પ્રક્રિયા દસ્તાવેજી આધારિત શરૂ થશે.

business news