તીવ્ર વધઘટ વચ્ચે સતત ત્રીજા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

31 October, 2020 03:55 PM IST  |  Mumbai | Mumbai correspondent

તીવ્ર વધઘટ વચ્ચે સતત ત્રીજા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

તીવ્ર વધઘટ વચ્ચે સતત ત્રીજા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

વૈશ્વિક રીતે યુરોપમાં કોરોનાના વધી રહેલા કેસ અને લૉકડાઉનની નવી જાહેરાતો વચ્ચે ગઈ કાલે એશિયા અને યુરોપના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં શૅરબજાર નરમ ખૂલે એવી શક્યતા વચ્ચે ભારતીય શૅરબજાર પણ સતત ત્રીજા દિવસે ઘટ્યાં હતાં. ત્રણ દિવસમાં બે ટકા જેટલો ઘટાડો હોવા છતાં ગઈ કાલે બજાર તેના દિવસના નીચા સ્તર કરતાં વધીને બંધ આવ્યાં હતાં. સેન્સેક્સ નીચેથી ૩૭૩ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦૭ પૉઇન્ટ વધીને બંધ આવ્યા હતા. સતત બીજા દિવસે વિદેશી ફન્ડસની ભારતમાં વેચવાલી ચાલુ રહી હતી અને સામે સ્થાનિક ફન્ડસ ખરીદી કરવા આવ્યા હતા.
બજારમાં ગઈ કાલે તીવ્ર વધઘટ જોવા મળી હતી. ગુરુવારે ૩૯૭૪૯ બંધ રહેલો ઇન્ડેક્સ ગઈ કાલે ૨૩૯ પૉઇન્ટ વધી ૩૯૯૮૮ની સપાટીએ પહોંચ્યો હતો અને પછી આવેલી જોરદાર વેચવાલીમાં ઉપરના મથાળેથી ૭૪૭ પૉઇન્ટ ઘટી ૩૯૨૪૧ થયો અને પછી ફરી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પણ એક તબક્કે આગલા બંધ સામે ૭૮ પૉઇન્ટ વધ્યો હતો અને પછી વધ્યા મથાળેથી ૨૧૩ પૉઇન્ટ તૂટ્યો હતો. સત્રના અંતે સેન્સેક્સ ૧૩૫.૭૮ પૉઇન્ટ કે ૦.૩૪ ટકા ઘટી ૩૯૬૧૪ અને નિફ્ટી ૨૮.૪૦ પૉઇન્ટ કે ૦.૨૪ ટકા ઘટી ૧૧૬૪૨ની સપાટીએ બંધ રહ્યા હતા. ઇન્ડેક્સ હેવીવેઇટમાં ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, હિન્દુસ્તાન યુનીલીવર, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્ર બૅન્ક ઘટ્યા હતા સામે રિલાયન્સ, ટીસીએસ, આઇટીસી અને સન ફાર્મા વધ્યા હતા.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના બધા ૧૧ ક્ષેત્રોમાંથી  રીઅલ એસ્ટેટ, મેટલ્સ, મીડિયા અને ફાર્મા સહિત પાંચમાં વૃદ્ધિ જોવા મળી હતી. સામે બૅન્કિંગ, ફાઇનૅન્સ અને ઑટો સહિત છમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ  ઉપર ૪૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ૧૩ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા અહીં ૧૦૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૮૭ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૧૦૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે બાવનના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૧૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૮૪માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૦૩ ટકા ઘટ્યો હતો અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૬૨ ટકા વધ્યો હતો. શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૭૮૦૩ કરોડ વધી ૧૫૭.૯૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
સપ્તાહ દરમ્યાન બજારમાં ઘટાડો જોવા મળ્યો
ગત સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી અને અન્ય કેટલાંક ક્ષેત્રોમાં તેજી જોવા મળી હતી, પણ આ વખતે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ, યુરોપમાં કોરોના વાઇરસના વધી રહેલા પ્રકોપ અને અમેરિકામાં આવતા સપ્તાહે રાષ્ટ્રપતિની ચૂંટણીના કારણે સાવચેતીના માહોલ વચ્ચે મુખ્ય બન્ને ઇન્ડેક્સ અને ક્ષેત્રવાર દરેકમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સપ્તાહે સેન્સેક્સ ૨.૬ ટકા અને નિફ્ટી ૨.૪ ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૯ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૪ ટકા ઘટ્યા હતા.
સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો સરકારી બૅન્કોમાં જોવા મળ્યો હતો અને સૌથી ઓછો ઘટાડો એફએમસીજીમાં જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૪.૫ ટકા, ઑટો ઇન્ડેક્સ ૪.૧ ટકા, મેટલ્સ ૪ ટકા, મીડિયા ૩.૨ ટકા, નિફ્ટી રીઅલ એસ્ટેટ ૨.૯ ટકા, નિફ્ટી આઇટી ૨.૮ ટકા, નિફ્ટી બૅન્ક ૨.૪ ટકા, નિફ્ટી ફાર્મા ૨.૨ ટકા અને નિફ્ટી એફએમસીજી ૧.૨ ટકા ઘટીને બંધ આવ્યા હતા.
રીઅલ એસ્ટેટમાં નીચા મથાળે ફરી ખરીદી
રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ગત સપ્તાહમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ પછી એમાં સતત વેચવાલી જોવા મળી રહી હતી. આ પછી ચાર સત્રમાં ૫.૬ ટકા જેટલા ઘટાડા પછી ગઈ કાલે નિફ્ટી રીઅલ એસ્ટેટ ઇન્ડેક્સ ફરી ૨.૧૫ ટકા વધ્યો હતો. બજારમાં ફરી એવી ચર્ચા શરૂ થઈ હતી કે રીઅલ એસ્ટેટમાં ગ્રાહકો બજારમાં પરત ફરી રહ્યા છે અને તહેવારો દરમ્યાન માગ વધી રહી છે. ગઈ કાલે શોભા લિમિટેડ ૫.૪ ટકા, ગોદરેજ પ્રોપર્ટી ૪.૧૧ ટકા, ડીએલએફ ૩.૭૯ ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ ૨.૪૩ ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઈસ ૨.૧૧ ટકા, સનટેક રીઅલ્ટી ૧.૪૩ ટકા વધ્યા હતા. સામે ઇન્ડિયાબુલ્સ રીઅલ એસ્ટેટ ૦.૨૧ ટકા, ઓમેક્સ ૦.૨૩ ટકા, ઓબેરોય રીઅલ્ટી ૧.૬ ટકા ફીનિક્સ મિલ્સ ૨.૪૩ ટકા ઘટ્યા હતા.
બૅન્કિંગમાં વણથંભી વેચવાલી
સપ્ટેમ્બર મહિનામાં બજારમાં ભારે વેચવાલી બાદ આવેલા ઉછાળામાં સૌથી મોટો ફાળો બૅન્કિંગ ક્ષેત્રની ખરીદીનો હતો, પણ આ સપ્તાહમાં ફરી બૅન્કિંગમાં વેચવાલી જોવા મળી છે. નિફ્ટી બૅન્ક ગઈ કાલે ૦.૭૯ ટકા અને સપ્તાહમાં ૨.૮ ટકા ઘટીને બંધ આવ્યો છે.
સરકારી બૅન્કોનો નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૩૦ ટકા અને સપ્તાહમાં ૪.૫ ટકા ઘટ્યો છે. બૅન્ક ઑફ બરોડા ૩.૦૩ ટકા, જમ્મુ એન્ડ કાશ્મીર બૅન્ક ૨.૦૬ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૨૮ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ ૧.૦૮ ટકા, ઇન્ડિયન બૅન્ક ૦.૭૭ ટકા, યુકો બૅન્ક ૦.૪૩ ટકા ઘટ્યા હતા. સામે યુનિયન બૅન્ક ૨.૭૫ ટકા, કૅનરા બૅન્ક ૧.૦૫ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૦.૭૫ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડીયા ૦.૬૪ ટકા અને બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૦.૪૫ ટકા વધ્યા હતા.
નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૯ ટકા ઘટ્યો હતો. કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૬૫ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૬ ટકા, બંધન બૅન્ક ૧.૧૮ ટકા, ફેડરલ બૅન્ક ૦.૮૮ ટકા, સિટી યુનિયન બૅન્ક ૦.૬ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૫૯ ટકા, એક્સીસ બૅન્ક ૦.૫૮ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૪ ટકા અને આરબીએલ બૅન્ક ૦.૨ ટકા ઘટ્યા હતા સામે આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૧.૧૫ ટકા વધ્યો હતો.
બે દિવસના ઘટાડા પછી મેટલ્સ પણ વધ્યા
બે દિવસમાં મેટલ્સ શૅરોમાં વેચવાલી જોવા મળી હતી અને નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૨.૨૦ ટકા ઘટ્યો હતો આ પછી ગઈ કાલે તેમાં ખરીદી આવતા તેમાં ૧.૫૬ ટકાનો ઉછાળો આવ્યો હતો. તાતા સ્ટીલ. સ્ટીલ ઑથોરિટી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, નૅશનલ મિનરલ, નાલ્કો, જિન્દાલ સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને વેદાન્તા ૦.૩૭ ટકાથી ૨.૨૭ ટકા જેટલા વધ્યા હતા.

business news