નવા પૅકેજની આશાએ શૅરબજારમાં તેજી

10 April, 2020 10:08 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Correspondent

નવા પૅકેજની આશાએ શૅરબજારમાં તેજી

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારોમાં તેજી અને સ્થાનિક રીતે કોરોના વાઇરસના કારણે દેશના અર્થતંત્રને ધમધમતું કરવા માટે કેન્દ્ર સરકાર એક વધારે પૅકેજ જાહેર કરશે એવી ચર્ચા વચ્ચે ગઈ કાલે શૅરબજારમાં તેજી જોવા મળી હતી. ગઈ કાલની તેજી સાથે પૂરા થયેલા સપ્તાહમાં (શુક્રવારે બજાર જાહેર રજાના કારણે બંધ છે) છેલ્લાં આઠ સપ્તાહમાં પ્રથમ વખત સાપ્તાહિક તેજી સાથે બંધ આવ્યા હતા. ગઈ કાલની વૃદ્ધિ સાથે સેન્સેક્સ ૧૩ ટકા અને નિફ્ટી ૧૨.૯ ટકા વધ્યા છે. આ ઉપરાંત, આ સપ્તાહમાં નિફ્ટી બૅન્ક ૧૫.૫ ટકા, નિફ્ટી ઑટો ૨૩.૪ ટકા, નિફ્ટી ફાર્મા ૧૯.૪ ટકા અને નિફ્ટી મેટલ્સ ૧૨.૧ ટકા વધીને બંધ આવ્યા છે.
સત્રમાં એક તબક્કે ૩૧,૨૨૫.૨૦ની ઊંચાઈ હાંસલ કરી સેન્સેક્સ ૧૨૬૫.૬૬ પૉઇન્ટ કે ૪.૨૩ ટકા વધી ૩૧,૧૫૯.૬૨ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી ૩૬૩.૧૫ પૉઇન્ટ કે ૪.૧૫ ટકા વધી ૯૧૧૧.૯૦ની સપાટીએ બંધ આવ્યો હતો. ઇન્ડેક્સ કંપનીઓમાં મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૧૬ ટકા વધ્યો હતો જે સૌથી મોટો ઉછાળો હતો. આ ઉપરાંત, મારુતિ સુઝુકી, ટાઇટન, બજાજ ફાઇનૅન્સ, બજાજ ઑટો અને હીરો મોટો કૉર્પ વધ્યા હતા. ઘટેલા શૅરોમાં હિન્દુસ્તાન યુનીલિવર, ટેક મહિન્દ્ર, ઇન્ડસઇન્ડ બૅન્ક અને નેસ્લેનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સના ઉછાળામાં સૌથી વધુ હિસ્સો એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક અને રિલાયન્સનો હતો.
આજે ફરી એક વાર બજારને વિદેશી સંસ્થાઓની ખરીદીનો ટેકો મળ્યો હતો. વિદેશી સંસ્થાઓએ ૧૭૩૮ કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા હતા તો સામે સ્થાનિક ફંડસે ૪૬૬ કરોડ રૂપિયાનું વેચાણ કરી નફો બાંધ્યો હતો.  
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર ગઈ કાલે ઑટો, ખાનગી બૅન્કો, ફાઇનૅન્શિયલ સર્વિસ, ફાર્મા સહિત બધાં જ ક્ષેત્રોમાં વધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૧૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૩૮ કંપનીઓના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૪૩૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૬૧ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૩૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૫૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૪૮૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૮૩માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩.૧૫ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૩.૬૩ ટકા વધ્યા હતા. બુધવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૩,૯૮,૯૩૪ કરોડ વધી ૧૨૦.૮૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ઑટો કંપનીઓમાં ત્રીજા દિવસે ભારે ખરીદી
ઑટો કંપનીઓમાં આજે કેન્દ્ર સરકાર એક વધારાનું પૅકેજ બનાવી રહી છે એવી ધારણાએ સતત ત્રીજા દિવસે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ આજે ૧૦.૫૨ ટકા વધ્યો હતો અને ત્રણ દિવસમાં ૨૦ ટકા જેટલો વધી ગયો છે. આજે મધરસન સુમીના શૅર ૧૯.૪ ટકા વધી ૬૭.૧૦ રૂપિયા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૧૭.૪૯ ટકા વધી ૩૮૩.૫૦ રૂપિયા, મારુતિ સુઝુકી ૧૩.૮૮ ટકા વધી ૫૩૫૦ રૂપિયા, તાતા મોટર્સ ૧૦.૨૧ ટકા વધી ૭૪.૫૦ રૂપિયા, બજાજ ઑટો ૮.૬૭ ટકા વધી ૨૪૩૬.૧૦ રૂપિયા, હીરો મોટો કોર્પ ૮.૧૪ ટકા વધી ૧૯૬૯.૮૫ રૂપિયા, ટીવીએસ મોટર્સ ૭.૩૮ ટકા વધી ૩૦૭ રૂપિયા, અપોલો ટાયર ૭.૩૧ ટકા વધી ૮૯.૫૦ રૂપિયા, ભારત ફોર્જ ૫.૮૫ ટકા વધી ૨૪૫.૧૦ રૂપિયા, એમઆરએફ ૫.૭ ટકા વધી ૬૦,૪૩૦ રૂપિયા,
બૉશ લિમિટેડ ૫.૪૨ ટકા વધી ૧૦,૧૩૦ રૂપિયા, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ૫.૩૬ ટકા વધી ૧૪૭.૩૫ રૂપિયા, અશોક લેલૅન્ડ ૪.૨૨ ટકા વધી ૪૫.૭૦ રૂપિયા, આઇશર મોટર્સ ૪.૧૨ ટકા વધી ૧૩,૭૦૦ રૂપિયા અને અમરરાજા બેટરીઝ ૩.૫૮ ટકા વધી ૫૨૦ રૂપિયા બંધ આવ્યા હતા.
ફાર્મા શૅરોમાં ચોથા દિવસે પણ તેજી
બુધવારે ૩.૫૪ ટકા વધ્યા પછી ગઈ કાલે પણ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૪.૪૭ ટકા વધ્યો છે. આ સાથે ચાર દિવસમાં ઇન્ડેક્સ ૨૪ ટકા જેટલો વધી ગયો છે. ચાર દિવસમાં ૩૮ ટકા જેટલો વધી ગયો હોવાથી સન ફાર્મામાં રોકાણકારોની સંપત્તિ ૧.૦૯ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આજે સિપ્લાના શૅર ૧૩.૧૨ ટકા વધી ૫૮૦ રૂપિયા, લુપીન ૧૧.૯૬ ટકા વધી ૭૯૦ રૂપિયા, ડીવીઝ લૅબ ૬.૭૮ ટકા વધી ૨૩૧૫.૯૫ રૂપિયા, ગ્લેનમાર્ક ૬.૭૫ ટકા વધી ૨૪૯.૩૫ રૂપિયા, ઓરોબિંદો ફાર્મા ૫.૪૨ ટકા વધી ૪૬૧.૯૦ રૂપિયા, સન ફાર્મા ૩.૬૧ ટકા વધી ૪૫૨.૪૫ રૂપિયા, બાયોકોન ૧.૭૧ ટકા વધી ૩૩૩ રૂપિયા બંધ આવ્યા હતા. જોકે ડૉ. રેડ્ડીઝના શૅર આજે ૨.૧૬ ટકા ઘટી ૩૬૦૩.૫૦ રૂપિયા બંધ આવ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
લાર્સન ઍન્ડ ટુબ્રોના શૅર ગઈ કાલે વધુ એક મોટો ઑર્ડર મળતાં ૦.૫૮ ટકા વધ્યા હતા. ટાઇટનના શૅર આજે ૧૧.૧૨ ટકા વધ્યા હતા. કંપનીએ જાહેરાત કરી હતી કે માર્ચ ક્વૉર્ટરમાં લૉકડાઉનના કારણે કંપનીની કામગીરીને ભારે અસર પડી છે અને કટોકટીના કારણે કંપનીએ પોતાની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. વીમા કંપનીમાં પોતાનો ૨૩થી ૨૭ ટકા જેટલો હિસ્સો વેચવા માટે આઇડીબીઆઇ બૅન્કે નિર્ણય લીધો હોવાની જાહેરાત સાથે બૅન્કના શૅર ૭.૦૫ ટકા વધ્યા હતા. અસ્થમાની દવાના જેનેરિક વર્ઝનને મંજૂરી મળી હોવાથી સિપ્લાના શૅર ૧૨.૯૬ ટકા વધ્યા હતા. કેડિલાના શૅર આજે ૦.૨૧ ટકા વધ્યા હતા. કંપનીની બ્લડ કૅન્સરની એક દવાને અમેરિકામાં વેચાણ માટે ગઈ કાલે મંજૂરી મળી હતી.
માર્ચમાં ડિલિવરી વૉલ્યુમ ૧૧ મહિનાની ઊંચાઈએ
શૅરબજારમાં માર્ચ મહિનાની વેચવાલી સાથે ડિલિવરી લેવાતી હોય એવા વૉલ્યુમમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. બજારના નિષ્ણાતો એવું માને છે કે નીચા ભાવે ખરીદી થઈ રહી છે, પણ શક્યતા એવી પણ હોઈ શકે કે લોકો શૅર વેચીને
નફો કે ખોટ બાંધી રહ્યા છે. માર્ચ મહિનામાં શૅરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી વધુ ઘટ્યા હતા. કોરોના વાઇરસની અસર અને દહેશતના કારણે એમાં ઘટાડો જોવા મળ્યો હતો.

મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટીમાં પ્રવાહ વધ્યો, ડેટ સ્કીમમાં ભારે ઉપાડ
માર્ચ મહિનામાં શૅરબજારમાં ભારે વેચવાલી ચાલી રહી હતી ત્યારે એવી ધારણા હતી કે રોકાણકારો શૅરબજારમાંથી જે રીતે નાણાં ઉપાડી રહ્યાં છે એમ મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ પણ ઉપાડશે. મોટા ભાગનાં ફંડ્સ અને એની સ્કીમની નેટ અસેટ વૅલ્યુ માત્ર માર્ચ મહિના માટે નહીં, પણ ત્રણ વર્ષ માટે નેગેટિવ વળતર આપી રહી હોય ત્યારે આ ધારણા રાખવી ખોટી પણ નથી. જોકે, આશ્ચર્યની વચ્ચે માર્ચ માસમાં ઇક્વિટી સ્કીમમાં ૧૧,૭૨૨ કરોડ રૂપિયાનો નવો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૦ના ૧૦,૭૩૦ કરોડ રૂપિયા કરતાં એ ૭ ટકા વધુ છે અને છેલ્લા ૧૧ મહિનામાં સૌથી વધુ રકમ ઇક્વિટી સ્કીમમાં રોકવામાં આવી છે એવું અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઇન્ડિયા (આમ્ફી)ના ડેટા પરથી સૂચિત થાય છે.
દરમિયાન, ઇક્વિટી સ્કીમની કુલ અસેટ અન્ડર મૅનેજમેન્ટ ફેબ્રુઆરીના અંતે ૭,૯૫,૪૯૫ કરોડ રૂપિયા ઘટી હતી એ માર્ચમાં ઘટી ૬,૫૦,૧૪૬ કરોડ રૂપિયા રહી છે.
જોકે ડેટ સ્કીમમાં ભારે નાણાઉપાડ જોવા મળ્યા છે, એના કારણે દેશની બધી જ સ્કીમ અને બધાં જ ફંડ્સમાંથી એકંદરે નાણાંનો ઉપાડ જોવા મળ્યો છે. ડેટ સ્કીમમાંથી માર્ચ મહિનામાં ૧,૯૪,૯૧૪ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ રકમ લિક્વિડ ફંડ્સમાંથી ઉપાડી લેવામાં આવી છે. લૉકડાઉનના કારણે ઉદ્યોગો અને વ્યાપાર બંધ હોવાથી કંપનીઓ અને બિઝનેસના માલિકોએ પોતાનો કૅશ ફલો જાળવી રાખવા માટે ઉપાડ કર્યો હતો એવી શક્યતા છે. લિક્વિડ ફંડ્સમાંથી ૧,૧૦,૦૩૭ કરોડ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી છે. આ ઉપરાંત આર્બિટ્રાજ ફંડ્સના ૩૩,૭૬૭ કરોડ રૂપિયા સહિત બધી જ હાઇબ્રીડ સ્કીમમાંથી ૩૬,૪૫૯ કરોડ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી છે. માર્ચ ૨૦૨૦ના અંતે દેશનાં બધાં જ ફંડની કુલ અસ્કયામત (અસેટ અન્ડર મૅનેજમેન્ટ) ૨,૧૨,૭૩૭ કરોડ રૂપિયા ઘટી ૨૪,૭૦,૮૮૨ કરોડ રૂપિયા રહી છે જે માર્ચ ૨૦૧૯માં ૨૩,૭૯,૫૮૪ કરોડ રૂપિયા હતી.

business news