વિદેશી ફંડ્સની વેચવાલીએ છઠ્ઠા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

25 September, 2020 10:56 AM IST  |  Mumbai | Mumbai correspondent

વિદેશી ફંડ્સની વેચવાલીએ છઠ્ઠા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

વિદેશી ફંડ્સની વેચવાલીએ છઠ્ઠા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

વૈશ્વિક શૅરબજારમાં વેચવાલીનું દબાણ, ભારતમાં ગઈ કાલે સપ્ટેમ્બર ડેરિવેટિવ્ઝ સિરીઝની પતાવટ, ઇન્ડેક્સ હેવીવેઇટમાં ભારે વેચવાલી અને કોરોના વાઇરસના કારણે યુરોપમાં ફરીથી લૉકડાઉન આવે એવા ભયની સાથે ચાર મહિનામાં સૌથી મોટો ઘટાડો ગઈ કાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો હતો. ગઈ કાલે સતત છઠ્ઠા દિવસે બંને ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યા હતા.
વિદેશી સંસ્થાઓની સતત ચોથા દિવસે વેચાણના કારણે બજારમાં દરેક ઉછાળે પ્રૉફિટ બુકિંગ જોવા મળતું હતું. ગઈ કાલે વિદેશી સંસ્થાઓએ ૧૮૮૬ કરોડ રૂપિયાના શૅર વેચ્યા છે અને છેલ્લા છ સત્રમાં કુલ ૮૪૫૬ કરોડ રૂપિયાના શૅર વેચ્યા છે. હવે સપ્ટેમ્બર મહિનામાં વિદેશી સંસ્થાઓ ભારતમાં નેટ વેચવાલ બની ગઈ છે. સામે સ્થાનિક સંસ્થાઓએ ૧૮૯ કરોડ રૂપિયાના શૅરની ગઈ કાલેના સત્રમાં ખરીદી કરી હતી.
સેન્સેક્સ ગઈ કાલે ૨.૯ ટકા કે ૧૧૧૪ પૉઇન્ટ ઘટી ૩૬,૫૫૩ અને નિફ્ટી ૨.૯૩ ટકા કે ૩૨૬.૩૦ પૉઇન્ટ ઘટી ૧૦,૮૦૫.૫૫ની સપાટીએ બંધ આવ્યા હતા. બન્ને ઇન્ડેક્સ આ છ દિવસમાં ૬.૮૯ ટકા જેટલા ઘટી ગયા છે. આની સાથે ત્રણ મહિનાથી વાયદાની સિરીઝમાં સતત વૃદ્ધિની પરંપરા પણ અટકી ગઈ છે. ગઈ કાલે ઇન્ડેક્સ હેવીવેઇટમાં ઈન્ફોસીસ, રિલાયન્સ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બૅન્ક અને બજાજ ફાઇનૅન્સ સહિત ૨૯ કંપનીઓના શૅર ઘટ્યા હતા. માત્ર હિન્દુસ્તાન યુનિલીવર ૦.૩૬ ટકા વધ્યો હતો.
ટેક્નિકલ ચાર્ટ પર નિફ્ટીએ એકસાથે અનેક મહત્ત્વના સપોર્ટ લેવલ તોડી નાખ્યા છે. નિફ્ટીએ આજે ૨૦૦ દિવસની મુવિંગ એવરેજની નીચે બંધ આવ્યો છે. નિફ્ટી ૧૧૨૪૦ની નીચે નહીં આવે અને વધીને ૧૧૯૦૦ થશે એવી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ફીબીનોચીની દૃ‌ષ્ટિએ પણ ૨૩.૬૦ ટકાની નીચે આવી ગયા છીએ. સતત છ સત્રથી બજાર ઘટી રહ્યું છે એટલે ઓવરસોલ્ડ કહી શકાય, પણ બજારમાં જે તીવ્ર ગતિએ ઘટાડો આવ્યો છે તેમાં સાવચેતી પણ આવશ્યક છે.
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રોમાંથી ગઈ કાલે બધા ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યા છે. સૌથી વધુ ઘટાડો મેટલ્સ, આઇટી, બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ અને ફાર્મામાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ  ઉપર ૨૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ૧૨ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૫૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૮૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી
બીએસઈ પર ૮૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૭૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૫૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૩૬૧માં મંદીની સર્કિટ જોવા મળી હતી. ગુરુવારે  બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૩,૯૫,૪૧૮ કરોડ ઘટી  ૧૪૮.૭૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
બીએસઈ પર માત્ર ૬૨૫ કંપનીઓના શૅર વધ્યા હતા સામે ૨૦૨૫માં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૨૮ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૧૪ ટકા ઘટ્યા હતા. છેલ્લા છ સત્રમાં ચોતરફ જોવા મળી રહેલી વેચવાલીમાં મિડ કૅપ ઇન્ડેક્સ ૭.૪૧ ટકા અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૮.૧૮ ટકા ઘટી ગયા છે.
વાયદાની ત્રણ સિરીઝ
પછી નિફ્ટીમાં કડાકો
સતત ત્રણ મહિના સુધી વાયદા બજારની દરેક સિરીઝમાં વધ્યા બાદ ગઈ કાલે સપ્ટેમ્બર સિરીઝમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી આ સિરીઝમાં ૬.૫ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સની પાંચ અને નિફ્ટીની માત્ર આઠ જ કંપનીઓના શૅરના ભાવ આ સિરીઝમાં વધ્યા હતા. આ સિરીઝમાં ઘટેલા ક્ષેત્ર વાર ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બૅન્ક ૧૮.૮ ટકા, નિફ્ટી મેટલ્સ ૧૬.૫ ટકા, નિફ્ટી બૅન્ક ૧૩.૩ ટકા, નિફ્ટી મીડિયા ૧૨.૫ ટકા, નિફ્ટી રીઅલ એસ્ટેટ ૧૧.૯ ટકા, નિફ્ટી ઑટો ૯.૩ ટકા, નિફ્ટી એફએમસીઈ ૭.૨ ટકા, નિફ્ટી ફાર્મા ૨.૨ ટકાનો સમાવેશ થાય છે. માત્ર નિફ્ટી આઇટી ૪.૮ ટકા વધ્યો છે. આ ઉપરાંત, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૬.૨ ટકા અને નિફ્ટી મિડ કૅપ ઇન્ડેક્સ ૭.૧ ટકા ઘટ્યો છે.
આઇટી શૅરોમાં
વેચવાલીથી કડાકો
સપ્ટેમ્બર મહિનાની વાયદાની સિરીઝમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ જ એકમાત્ર ઇન્ડેક્સ એવો રહ્યો છે કે જેણે રોકાણકારોને વળતર આપ્યું છે. આમ છતાં, ગઈ કાલે આઇટી શૅરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. ગઈ કાલે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૪.૨ ટકા ઘટ્યો હતો. આઇટી કંપનીઓમાં એમ્ફેસીસ ૬.૯૪ ટકા, ટીસીએસ ૫.૪૫ ટકા, ટેક મહિન્દ્ર ૫.૦૫ ટકા, કોરફોર્જ ૫.૦૧ ટકા, એલઍન્ડટી ઇન્ફોટેક ૪.૨૩ ટકા, ઇન્ફોસીસ ૪.૧૨ ટકા, વિપ્રો ૩.૪૫ ટકા, માઇન્ડટ્રી ૩.૧૭ ટકા અને નોકરી ડોટકૉમ ૦.૫૫ ટકા ઘટ્યા હતા.
સરકારી બૅન્કોમાં આગળ વધતી મંદી, નવમા દિવસે પણ ઘટાડો
સરકારી બૅન્કોના શૅરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે નવમા દિવસે પણ સરકારી બૅન્કોના શૅરમાં દબાણ જોવા મળ્યું હતું. સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ સૌથી વધુ ૧૮.૮ ટકા ઘટ્યો છે. ગઈ કાલે આ ઇન્ડેક્સ ૩.૮૯ ટકા ઘટ્યો હતો. બૅન્કોના શૅરોમાં કૅનેરા બૅન્ક ૬.૧૩ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૪.૪૩ ટકા, ઇન્ડિયન બૅન્ક ૪.૩૭ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૩૩ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૪ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૩.૭૮ ટકા, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક ૩.૨૬ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૩.૧૪ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૮૪ ટકા, યુકો બૅન્ક ૨.૦૪ ટકા, યુનિયન બૅન્ક ૦.૮ ટકા ઘટ્યા હતા પણ સેન્ટ્રલ બૅન્ક ૦.૬ ટકા વધ્યો હતો.
મેટલ્સમાં પણ તેજીનાં
વળતાં પાણી
સપ્ટેમ્બરના વાયદા દરમિયાન નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૧૬.૫ ટકા અને આજે ૪.૨૪ ટકા ઘટ્યો હતો. ગઈ કાલે મેટલ્સ શૅરોમાં જિન્દાલ સ્ટીલ ૬.૩૪ ટકા, નૅશનલ મિનરલ્સ ૫.૬૧ ટકા, સ્ટીલ ઑથોરિટી ૫.૪૬ ટકા, નાલ્કો ૫.૧૯ ટકા, તાતા સ્ટીલ ૪.૭૯ ટકા, કોલ ઇન્ડિયા ૩.૯૨ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૩.૬૯ ટકા, હિદાલ્કો ૩.૬ ટકા, વેલસ્પન કોર્પ ૩.૪૭ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૩૨ ટકા, મિશ્ર ધાતુ નિગમ ૩.૦૫ ટકા, હિન્દુસ્તાન કોપર ૨.૮૧ ટકા, મોઇલ ૧.૩૬ ટકા અને રત્નમણી મેટલ્સ ૦.૭ ટકા ઘટ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
પેનેસિયા બાયોટેકના શૅર ગઈ કાલે પાંચ ટકાની તેજીની સર્કિટમાં હતા. કંપનીએ ડેન્ગ્યુ માટે વૅક્સિન બનાવી છે અને એમાં પ્રથમ બે પરીક્ષણમાં સફળતા મળી છે. ૧૭૭૫ રૂપિયાના ભાવે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરને શૅર ફાળવવાનો નિર્ણય લેતાં ગઈ કાલે ઝાયડ્સ વેલનેસના શૅર ૪.૫૭ ટકા વધ્યા હતા. પ્રમોટર પોતાનો હિસ્સો ઘટાડવા માટે આગામી દિવસોમાં મળશે એવી જાહેરાત સાથે શેલ્બી હૉસ્પિટલના શૅર ૧.૨૨ ટકા વધ્યા હતા. સુરત નજીક હઝીરામાં ગૅસની પાઇપમાં આગ લાગવાના કારણે ઓએનજીસીના શૅર ૧.૮૫ ટકા ઘટ્યા હતા. તાતા સન્સ દ્વારા કંપનીમાં હિસ્સો વધારવા છતાં તાતા કેમિકલ્સના શૅર ૪.૭૪ ટકા ઘટ્યા હતા.

business news