વિદેશી સંસ્થાઓની આક્રમક વેચવાલીથી પાંચમા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

24 September, 2020 10:43 AM IST  |  Mumbai | Mumbai correspondent

વિદેશી સંસ્થાઓની આક્રમક વેચવાલીથી પાંચમા દિવસે પણ શૅરબજારમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા, એશિયા અને યુરોપમાં શૅરબજારમાં મક્કમ હવામાન વચ્ચે ભારતીય બજારમાં પાંચમા દિવસે પણ વેચવાલી જોવા મળી હતી. ગુરુવારે સપ્ટેમ્બર વાયદાની પતાવટ પહેલાં ગઈ કાલે ભારે વધઘટ જોવા મળી હતી, પણ દરેક ઉછાળે વેચવાલી જોવા મળી રહી છે. માત્ર ઇન્ડેક્સ કંપનીઓ નહીં પણ સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં પણ ઘટાડો ચાલી રહ્યો છે. વાયદાની આ સીરિઝમાં નિફ્ટી અને સેન્સેક્સ બન્ને ૩.૫ ટકા ઘટેલા છે. ઉપલા મથાળે વિદેશી સંસ્થાઓએ આક્રમક વેચવાલી શરૂ કરી હોય એવું લાગી રહ્યું છે. ગઈ કાલે વિદેશી સંસ્થાઓએ ૩૯૧૨ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા અને સ્થાનિક ફન્ડ્સ દ્વારા ૧૬૨૯ કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે.
દિવસના અંતે સેન્સેક્સ ૬૫.૬૬ પૉઇન્ટ કે ૦.૧૭ ટકા ઘટી ૩૭૬૬૮.૪૨ અને નિફ્ટી ૨૧.૮૦ પૉઇન્ટ કે ૦.૨૦ ટકા ઘટી ૧૧૧૩૧.૮૫ બંધ રહ્યા હતા. સેન્સેક્સ ગઈ કાલે ઉછળીને ખૂલ્યો હતો અને આગલા બંધથી ૪૦૬ પૉઇન્ટ વધી ૩૮૧૪૦ની ઉપરની સપાટીએ પહોંચ્યો હતો અને પછી આવેલી વેચવાલીમાં ઘટીને ૩૭૫૫૬ થયા બાદ ફરી વધ્યો હતો. વેચવાલી આવતાં તે ઘટીને ૩૭૧૩૧ થયો હતો અને એ પછી રિકવરી આવી હતી. આમ દિવસમાં ઉપરની સપાટીથી એક તબક્કે ૮૨૭ પૉઇન્ટ નીચે પટકાયો હતો. નિફ્ટી એક તબક્કે આગલા બંધથી ૧૦૬ પૉઇન્ટ ઉપર હતો અને દિવસની ઉપરની સપાટીથી ૨૩૫ પૉઇન્ટ નીચે પણ હતો. ઇન્ડેક્સમાં આજની રિકવરી માટે એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનીલીવર અને ઇન્ફોસિસ જવાબદાર હતા, સામે ભારતી એરટેલના શૅરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી ખાનગી બૅન્કો, રીઅલ એસ્ટેટ અને એફએમસીજીમાં વૃદ્ધિ જોવા મળી હતી. સામે સરકારી બૅન્કો, ફાર્મા, મીડિયા અને મેટલ્સ સહિત સાત ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ  ઉપર ૩૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ૧૧ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૧૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૮૬ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૯૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૬૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૯૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૩૧૫માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૦૭ ટકા  અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૩૩ ટકા ઘટ્યા હતા. બુધવારે  બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૪૯,૪૯૭ કરોડ ઘટી ૧૫૨.૭૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
સપ્ટેમ્બર મહિનામાં સરકારી બૅન્કોનો કચ્ચરઘાણ
સરકારી બૅન્કોના શૅરમાં સપ્ટેમ્બર મહિનામાં સતત વેચવાલી જોવા મળી રહી છે. આ મહિનાના ૧૮ ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ માત્ર ત્રણ દિવસ જ વધ્યો છે. આ ઇન્ડેક્સ આ મહિનામાં આજ સુધીમાં ૧૫.૪ ટકા ઘટી ગયો છે. છેલ્લા આઠ દિવસમાં સતત ઘટી ૮.૭૪ ઘટી ગયો છે. ગઈ કાલે નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ ૧.૫ ટકા ઘટી ગયો છે. ગઈ કાલે સેન્ટ્રલ બૅન્ક ૪.૦૬ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૮૯ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧.૭૬ ટકા, જમ્મુ અૅન્ડ કાશ્મીર બૅન્ક ૧.૬ ટકા, યુનિયન બૅન્ક ૧.૫૭ ટકા, કૅનરા બૅન્ક ૧.૨૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૨૨ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૧ ટકા, યુકો બૅન્ક ૦.૮૧ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૦.૫૪ ટકા અને ઇન્ડિયન બૅન્ક ૧.૪૨ ટકા વધ્યા હતા.
ફાર્મા ઉપર વધી રહેલું
પ્રોફિટ બુકિંગનું દબાણ
ગત શુક્રવાર સુધીમાં ફાર્મા કંપનીઓના શૅરમાં સતત ખરીદી જોવા મળી રહી હતી. બીએસઈ  હેલ્થકેર ઇન્ડેક્સ એક વર્ષની ઉપરની સપાટીએ હતો અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ૧૧.૨ ટકા જેટલો વધી ગયો હતો. આ પછી બજારમાં જોવા મળી રહેલી વેચવાલીમાં ફાર્મા કંપનીઓમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહના ત્રણ સત્રમાં નિફ્ટી ફાર્મા બે વખત ઘટ્યો છે. ગઈ કાલે ફાર્મા ઇન્ડેક્સ ૧.૬૧ ટકા ઘટ્યો હતો. ટોરેન્ટ ફાર્મા ૨.૭ ટકા, લુપીન ૨.૫૩ ટકા, ઓરોબિંદો ફાર્મા ૨.૪૨ ટકા, કેડિલા હેલ્થ ૨.૩૫ ટકા, ડીવીઝ લેબ ૨.૨૧ ટકા, અલ્કેમ લેબ ૨.૦૪ ટકા, ડૉ. રેડ્ડીઝ ૧.૭ ટકા, સિપ્લા ૧.૫૧ ટકા, સન ફાર્મા ૧.૩૧ ટકા ઘટ્યા હતા. માત્ર બાયોકોનના શૅર ૦.૬૩ ટકા વધ્યા હતા.
તાતા – મિસ્ત્રીની ભાગીદારીનો અંત
સાત દાયકાઓથી તાતા જૂથ અને શાપુરજી પાલનજી વચ્ચેની ભાગીદારીનો અંત આવી રહ્યો છે. પાલનજી જૂથે જાહેરાત કરી હતી કે પોતે તાતા સન્સમાં ૧૮.૩૭ ટકા હિસ્સો વેચવા તૈયાર છે. ૧,૪૮,૦૦૦ કરોડ રૂપિયા જેટલો મૂલ્ય ધરાવતો આ હિસ્સો વેચવાથી શાપુરજી જૂથની વર્તમાન નાણાકીય તંગસ્થિતિ સંપૂર્ણ રીતે હળવી થઈ જશે. આવી આશાએ જૂથની દેવાં હેઠળની કંપની સ્ટર્લિંગ અૅન્ડ વિલ્સન સોલારના શૅર પાંચ ટકા વધ્યા હતા.
સામે તાતા સન્સે આ હિસ્સો ખરીદવા તૈયારી દાખવી છે. તાતા જૂથ ઉપર પણ જંગી દેવું છે અને તેની સૌથી વધુ કમાણી કરતી ટીએસીએસ ઉપર હિસ્સો ખરીદવામાં આવે તો દબાણ આવી શકે છે એટલે શૅરનો ભાવ ૨.૨૩ ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત તાતા સ્ટીલ અને તાતા મોટર્સના શૅર પણ ઘટ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
ઑક્ટોબર પહેલાં પ્રોવેટ નામની કંપનીમાં ૪૦ ટકા હિસ્સો ખરીદવા માટેનો કરાર કરતા સિકવેન્ટ સાયન્ટિફિકના શૅર ગઈ કાલે ૪.૯૦ ટકા વધ્યા હતા. ડીલિસ્ટિંગ માટે ૪૭૫ના શૅરનો ભાવ નક્કી થઈ જતાં હેક્ઝાવેરના શૅર ગઈ કાલે ૧.૬૧ ટકા વધી ૪૬૮.૦૫ રૂપિયા બંધ આવ્યા હતા. ઇન્ડિયન ઑઈલના શૅર નવા પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સમાં રોકાણ નક્કી થતાં ૦.૨૦ ટકા ઘટ્યા હતા. મૉસ્કોમાં ગઈ કાલે બલ્ક ડીલ થતાં પાંચ ટકાની તેજીની સર્કિટ લાગી હતી.

રિલાયન્સનો રીટેલમાં વધુ એક સોદો, ટેલિકોમના પ્લાનથી એરટેલ, વોડાફોનમાં કડાકા
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સે ગઈ કાલે પોતાની રીટેલ ક્ષેત્રે કાર્યરત કંપનીમાં વધુ હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. કંપનીએ રિલાયન્સ રીટેલ વેન્ચર્સમાં પ્રાઇવેટ ઇક્વિટી દિગ્ગજ કેકેઆર ૫૫૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે એવી જાહેરાત કરી હતી. આ રોકાણ સામે રિલાયન્સ રીટેલનો ૧.૨૮ ટકા હિસો કેકેઆરને મળશે. રિલાયન્સ રીટેલનું મૂલ્ય આ સોદામાં  ૪.૨૧ લાખ કરોડ આંકવામાં આવ્યું છે. અગાઉ કેકેઆર દ્વારા ૧૧,૩૬૭ કરોડ રૂપિ ય જિયો પ્લૅટફૉર્મમાં રોકવામાં આવ્યા છે. અગાઉ અન્ય પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેકે, રિલાયન્સના રીટેલ બિઝનેસમાં ૭૫૦૦ કરોડ રોકવાની જાહેરાત પણ થઈ છે.
આજની જાહેરાત બાદ ગઈ કાલે રિલાયન્સના શૅર ૦.૮૩ ટકા વધ્યા હતા. દરમ્યાન રિલાયન્સ જિયોએ પોસ્ટપેઈડમાં એક નવો પ્લાન રજૂ કરતાં અને ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમે માર્ચ સુધીમાં એજીઆરની ૧૦ ટકા રકમ જમા કરાવવાની જાહેરાત કરતાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાના શૅર ગબડ્યા હતા. ભારતી એરટેલ ૭.૮૯ ટકા અને વોડાફોન ૧૦.૦૫ ટકા ઘટ્યા હતા.

business news