31 August, 2024 07:50 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
સેન્સેક્સ સતત નવમા દિવસે, નિફ્ટી સળંગ બારમા દિવસે વધીને બંધ : નિફ્ટી ૧૯૯૬માં લૉન્ચ થયો ત્યાર પછી પ્રથમ વાર સતત ૧૨ દિવસ પ્લસમાં બંધ થવાની અનોખી ઘટના : બજારનું માર્કેટકૅપ ૧.૮૪ લાખ કરોડ વધી ૪૬૪.૪૦ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ : સેન્સેક્સ-નિફ્ટીમાં નવાં શિખર : વીકલી ધોરણે સેન્સેક્સ નિફ્ટીમાં બેસ્ટ ક્લોઝિંગ : ગ્લોબસ સ્પિરિટ્સ ૧૯ ટકા કે ૧૭૩ રૂપિયા ઝૂમીને નવા શિખરે : પેટીએમ વૉલ્યુમ સાથે ૧૨ ટકાની તેજીમાં : MCX સતત નવા બેસ્ટ લેવલે, એનર્જી એક્સચેન્જ નવી ટોચે જઈને નરમ : બાઝાર સ્ટાઇલને પ્રથમ દિવસે ૭૨ ટકાનો રિસ્પૉન્સ : રૅપિડ મલ્ટિમૉડલનું લિસ્ટિંગ ધારણા કરતાં સારું ગયું : GDP ગ્રોથ ધારણાથી નીચો ૬.૭ ટકા આવ્યો, સોમવારે બજારને આ નહીં ગમે
લીલીપુટ-ટેલીમાં બજારે ઘણાં મોટાં શિખર સર કરી બતાવ્યાં છે. સેન્સેક્સ સતત નવમા દિવસની આગેકૂચમાં ૮૨,૬૩૭ની ઑલટાઇમ હાઈ બનાવી ૨૩૧ પૉઇન્ટ વધીને ૮૨,૩૬૬ના બેસ્ટ લેવલે શુક્રવારે બંધ થયો છે. નિફ્ટી સળંગ બારમા દિવસે વધી ૨૫,૨૬૮ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ૮૪ પૉઇન્ટની આગેકૂચમાં ૨૫,૨૩૬ના શિખરે બંધ રહ્યો છે. નિફ્ટી ૧૯૯૬માં લૉન્ચ થયો ત્યાર પછી ક્યારેય આવી, સળંગ ૧૨ દિવસની રૅલી નોંધાઈ નથી. બજારનું માર્કેટકૅપ ૧.૮૪ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૬૪.૪૦ લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. આ સાથે વીકલી ધોરણે પણ બન્ને બેન્ચમાર્ક બેસ્ટ લેવલે જોવાયાં છે. વીકલી ધોરણે સેન્સેક્સ ૧૨૭૯ પૉઇન્ટ કે ૧.૬ ટકા તથા નિફ્ટી ૪૧૩ પૉઇન્ટ કે ૧.૬૬ ટકા વધ્યા છે. બજાજ આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં હતો. સેન્સેક્સ ૮૨,૬૩૭ ખૂલી એને જ ટૉપ બતાવી નીચામાં ૮૨,૨૫૬ થયો હતો. મિડકૅપ, બ્રૉડર માર્કેટ, એનર્જી, હેલ્થકૅર, નિફ્ટી ફાર્મા, ટેલિકૉમ, આઇટી, ટેક્નૉલૉજિઝ, ઑઇલ-ગૅસ જેવાં સેક્ટોરલમાં નવી ટૉપ બની છે. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૬૬ શૅરની સામે ૯૮૫ જાતો નરમ હતી. તમામ અગ્રણી એશિયન બજાર ગઈ કાલે પ્લસ હતાં. સિંગાપોર હૉન્ગકૉન્ગ એક ટકાથી વધુ, જપાન અને ચીન પોણો ટકો, સાઉથ કોરિયા તથા ઇન્ડોનેશિયા અડધો ટકો અપ હતા. યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો ઉપર ચાલતું હતું. જૂન ક્વૉર્ટરનો દેશનો GDP ગ્રોથ ૬.૭ ટકા નોંધાયો છે. જે રિઝર્વ બૅન્કની ૭.૧ ટકાની અને આર્થિક પંડિતોની ૬.૯ ટકાની ધારણા કરતાં નીચો છે. પાંચ ક્વૉર્ટર પછી પ્રથમ વાર GDP ૭ની નીચે ગયો છે.
થાણેની ગાલા પ્રિસિઝન શૅરદીઠ ૫૨૯ના ભાવે સોમવારે મૂડીબજારમાં
ચેન્નઈની રૅપિડ મલ્ટિમૉડલ લૉજિસ્ટિક્સ શૅરદીઠ ૮૪ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટના ૧૦ના પ્રીમિયમ સામે ૧૦૩ ખૂલી ગઈ કાલે ૧૦૮ બંધ થતાં ૨૯ ટકાનો સારો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મેઇન બોર્ડમાં પાંચના શૅરદીઠ ૩૮૯ની અપર બેન્ડવાળો બાઝાર સ્ટાઇલનો આશરે ૮૩૫ કરોડનો IPO પ્રથમ દિવસે ૭૨ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટી ૧૨૬ થયું છે. ઇકોસ મોબિલિટીનો બેના શૅરદીઠ ૩૩૪ની અપર બેન્ડ સાથે ૬૦૧ કરોડનો ઇશ્યુ આખરી દિવસે કુલ ૬૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૧૨૫ બોલાય છે. મહારાષ્ટ્રના થાણે-વેસ્ટની ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૫૨૯ની અપર બેન્ડમાં ૩૨૫૯ લાખની OFS સહિત કુલ ૧૬૮ કરોડનો ઇશ્યુ સોમવારે કરવાની છે. ૧૫ વર્ષ જૂની આ કંપનીએ ગયા વર્ષે ૧૮૯ કરોડની આવક પર બાવીસ કરોડ રૂપિયા નફો કર્યો છે. દેવું પંચાવન કરોડ રૂપિયા છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થવું બાકી છે. SME કંપની જેયમ ગ્લોબલ ફૂડ્સ પણ સોમવારે પાંચના શૅરદીઠ ૬૧ની અપરબેન્ડમાં ૮૧૯૪ લાખનો NSE SME IPO કરવાની છે. કંપની ચણા-વટાણા અને બેસનનો ધંધો કરે છે. ગયા વર્ષે ૬૩૦ કરોડની આવક પર ૧૫ કરોડ રૂપિયાનો નફો બતાવી દીધો છે. માથે ૯૬ કરોડ રૂપિયાનું દેવું છે. ત્રણ વર્ષની ઍવરેજ EPS ૩.૧૧ રૂપિયા છે. પ્રીમિયમ બોલાતું નથી. અમદાવાદી બૉસ પૅકેજિંગ સોલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૬૬ના ભાવે ૮૪૧ લાખના ઇશ્યુ સાથે ગઈ કાલે મૂડીબજારમાં આવ્યો છે. ભરણું પ્રથમ દિવસે ૨.૨ ગણું ભરાયું છે. પ્રીમિયમનાં કામકાજ નથી. પૅરામેટ્રિક્સ ટેક્નૉલૉજીનો શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૩૩૮૪ લાખનો ઇશ્યુ ૯.૨ ગણા અને ઍરોન કૉમ્પોઝિટનો ૧૨૫ના ભાવનો ૫૬૧૦ લાખનો ઇશ્યુ ૪૧ ગણા રિસ્પૉન્સમાં ગઈ કાલે પૂરો થયો છે.ઍરોનમાં પચીસનું પ્રીમિયમ છે. ટ્રાવેલ્સ ઍન્ડ રેન્ટલ્સ બીજા દિવસના અંતે ૧૧.૮ ગણો ભરાયો છે. હાલ ૧૫ રૂપિયા પ્રીમિયમ સંભળાય છે.
સ્પાઇસ જેટની ક્રાઇસિસ વકરી, શૅર સાડાપાંચ ટકા ગગડ્યો
સ્પાઇસ જેટને DGCA તરફથી એન્હાન્સ્ડ સર્વિલિયન્સ હેઠળ મૂકવામાં આવી છે. કંપનીએ ૧૫૦ કર્મચારીને ત્રણ મહિના રજા ઉપર ઉતારી દીધા છે. કંપનીની ક્રાઇસિસ ઘેરી બની રહી છે. શૅર સાડાપાંચ ટકા ગગડી ૬૨ ઉપર બંધ થયો છે. ગંગવાલની વેચવાલીમાં આગલા દિવસનો આંચકો પચાવી ઇન્ડિગો ગઈ કાલે ઉપરમાં ૪૮૬૬ વટાવી સવા ટકો સુધરી ૪૮૧૫ રહ્યો છે. MCX બુલરન જાળવી રાખતાં ૫૨૩૩ નજીક નવી વિક્રમી સપાટી હાંસલ કરી ૩.૩ ટકા કે ૧૬૬ રૂપિયા વધી ૫૧૭૦ થયો છે. શૅર મહિનામાં ૨૩ ટકા અને ત્રણ માસમાં ૪૩.૭ ટકા વધી ગયો છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૨૦૯ની સવા બે વર્ષની ટૉપ બનાવી એક ટકો ઘટીને ૨૦૩ હતી.
પટેલ એન્જિનિયરિંગે હાઇડ્રો તથા ઇન્ફ્રા પ્રોજેક્ટસ માટે રેલવિકાસ નિગમ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની સમજૂતી કરતાં ભાવ ૬.૭ ટકા ઊંચકાઈ ૫૭ થયો છે. રેલવિકાસ નિગમ પણ પાંચ ટકા ઊછળી ૬૦૭ રહ્યો છે. ITIને પશ્ચિમ બંગાળ સ્ટેટ ઇલેક્શન કમિશન તરફથી EVM માટેનો ઑર્ડર મળતાં શૅર પ્રારંભિક તેજીમાં ૩૧૪ વટાવી દ્વારા નૅશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઑથોરિટી સાથે MOU થતાં ઉપરમાં ૧૮૭૬ બતાવી ૩.૪ ટકા વધી ૧૮૧૪ બંધ રહ્યો છે. સામે કોચિન શિપયાર્ડ ૩.૩ ટકા નરમ તો માઝગાવ ડૉક સાધારણ પ્લસ હતો. પેટીએમની સબસિડિયરી પેટીએમ પેમેન્ટ સર્વિસિસ લિમિટેડમાં ડાઉન સ્ટ્રીમ ઇન્વેસ્ટમેન્ટની પેટીએમને સરકારે મંજૂરી આપી છે. એના પગલે પેટીએમ પેમેન્ટ સર્વિસિસ હવે પેમેન્ટ ઍગ્રિગેટર લાઇસન્સ મેળવવા માટે અરજી કરી શકે છે. આની અસરમાં પેટીએમ ગઈ કાલે ઉપરમાં ૬૩૦ થઈને ૧૨ ટકાની તેજીમાં ૬૨૨ થયો છે. પ્રેસ્ટિજ એસ્ટેટ દ્વારા શૅરદીઠ ૧૭૫૫ની ફ્લોર પ્રાઇસથી ૫૦૦૦ કરોડનો QIP ઇશ્યુ લૉન્ચ થતાં ભાવ ૧૮૭૨ નજીક જઈ ૫.૩ ટકા વધી ૧૮૧૬ બંધ આવ્યો છે.
ભારતી ઍરટેલ સતત આઠમા દિવસે રણકીને બેસ્ટ લેવલે
AGMના દિવસે બોનસની જાહેરાતના કરન્ટમાં વધેલો રિલાયન્સ વળતા દિવસે ૦.૭ ટકાની પીછેહઠમાં ૩૦૨૦ થયો છે. મુકેશ અંબાણીએ AGMમાં શૅરદીઠ એક બોનસને બાદ કરતાં ખાસ કોઈ મહત્ત્વની જાહેરાત કરી નથી. ખાસ કરીને ટેલિકૉમ કે રીટેલનો ઇશ્યુ ક્યારે આવશે એનો કોઈ નિર્દેશ આપ્યો નથી. જોકે જે રીતે અણધાર્યું બોનસ જાહેર થયું છે એ જોતાં અમને લાગે છે કે રિલાયન્સનું મૂડી બજારમાં આગમન ખાસ દૂર નથી. દરમ્યાન નુવામાએ શૅરમાં ૩૭૮૬ રૂપિયા તો નોમુરાએ ૩૬૦૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. એમ્કે ગ્લોબલવાળા ૩૩૩૫નું ટાર્ગેટ લાવ્યા છે. રિલાયન્સની લોટસ ચૉકલેટ એક વધુ નીચલી સર્કિટે ૫ ટકા તૂટી ૧૯૨૨ થઈ છે. ટીવી ૧૮ એક ટકા તો નેટવર્ક ૧૮ સાડા પાચ ટકા બગડી છે.
ભારતી ઍરટેલમાં બર્નસ્ટેઇન તરફથી ૧૭૪૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવ્યો છે. શૅર આઠમા દિવસની આગેકૂચમાં ૧૬૦૯ની સર્વોચ્ચ સપાટી બનાવી સવા ટકો વધી ૧૫૮૭ બંધ રહ્યો છે. એનો પાર્ટપેઇડ અઢી ટકા વધી ૧૧૮૯ની ટોચે બંધ હતો. બજાજ હાઉસિંગનો ૭૦૦૦ કરોડનો ઇશ્યુ નજીકમાં હોવાથી એની પેરન્ટ બજાજ ફાઇનૅન્સ બે ટકા વધી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બન્યો છે. બજાજ ફાઇનૅન્સની પેરન્ટ બજાજ ફીન સર્વ ૧૭૯૩ની ટૉપ હાંસલ કરી દોઢ ટકો વધી ૧૭૮૨ હતો. બજાજ ઑટો અડધો ટકો વધી ૧૦,૮૭૪ના નવા શિખરે બંધ રહ્યો છે.
નિફ્ટી ખાતે સિપ્લા સવા બે ટકા વધી ૧૬૫૫ના બંધમાં ટૉપ ગેઇનર હતો. મહિન્દ્ર, ડિવીઝ લૅબ, NTPC, હીરો મોટોકૉર્પ, ડૉ. રેડ્ડીઝ લૅબ, સનફાર્મા, પાવર ગ્રીડ સવાથી પોણા બે ટકા પ્લસ હતા. ઇન્ફી ૧૯૫૦ની સવા બે વર્ષની નવી ઊંચી સપાટી બાદ પોણો ટકો વધી ૧૯૪૯ હતો. HCL ટેક્નૉલૉજિઝ ૧૭૬૬ના બેસ્ટ લેવલ બાદ નજીવો ઘટી ૧૭૪૯ થયો છે. નુવામાવાળા અહીં ૨૦૨૦ના ટાર્ગેટ સાથે બુલિશ છે. કોટકવાળાએ ૫૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસને વળગી રહેતાં તાતા એલેક્સીમાં બેરિશ વ્યુ રજૂ કર્યો છે. શૅર પોણો ટકો વધી ૭૯૯૨ બંધ હતો. ગ્લોબસ સ્પિરિટ્સ ૩૧ ગણા જંગી વૉલ્યુમે ૧૦૮૦ની ટોચે જઈ ૧૯ ટકા કે ૧૭૨ રૂપિયા ઝૂમી ૧૦૭૨ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતો. જયકૉર્પ પોણા છ ટકા ગગડી ૩૭૦ના બંધમાં ટૉપ લૂઝર થયો છે.
ઇથેનૉલ પૉલિસી ઉદાર બનતાં ૩૭માંથી ૩૫ શુગર શૅર મજબૂત
સરકારે ઇથેનૉલના ઉત્પાદન માટે શૅરડીના સપ્લાય વિશેના અંકુશ રદ કરતાં ગઈ કાલે શુગર શૅરોમાં નોંધપાત્ર મીઠાશ જોવા મળી છે. ઉદ્યોગના ૩૭માંથી ૩૫ શૅર વધ્યા છે. બલરામપુર ચીની, દાલમિયા ભારત શુગર, કેસીપી શુગર, મગધ શુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ જેવી જાતોમાં નવી ઐતિહાસિક ટૉપ બની છે. તો મવાણા શુગર, કેએમ શુગર, પિકાડેલી, સિમ્ભોલી શુગર, SBEC શુગર, સર શાદીલાલ, રાજશ્રી શુગર, ધામપુર શુગર, ઇન્ડિયન સુક્રોઝ, બન્નારી અમાન, બજાજ હિન્દુસ્તાન, રેણુકા શુગર, રાણા શુગર, અવધ શુગર, ધામપુર સ્પેશ્યલિટી, દાવણગીરી શુગર, ઝુઆરી ઇન્ડસ્ટ્રીઝ, દાલમિયા ભારત, ત્રિવેણી જેવી જાતો પાંચથી સાડાઆઠ ટકા ઊછળી છે. રાવલગાંવ ઉપરમાં ૨૪૦૫ થઈ પાંચ ટકાની નીચલી સર્કિટે ૨૧૭૬ બતાવી ત્યાં બંધ હતો.
ભારત પેટ્રોલિયમ એની બીના રિફાઇનરીના વિસ્તરણ પ્રોજેક્ટ માટે ૩૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન લેવા માટે અગ્રણી સ્થાનિક બૅન્કો સાથે વાટાઘાટ કરી રહી હોવાના અહેવાલ છે. શૅર સવાયા વૉલ્યુમે ૩૬૫ની ટોચે જઈ નજીવા સુધારે ૩૫૭ રહ્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ ૪૨૫ની નવી ટૉપ બનાવી પોણો ટકો વધી ૪૧૯ થયો છે. ઇન્ડિયન ઑઇલ નહીંવત્ સુધરી હતી. ઑઇલ ઇન્ડિયા સુધારો આગળ ધપાવતાં ૭૬૭ના શિખરે જઈ ૦.૭ ટકા ઊંચકાઈ ૭૪૦ હતો. જીએસપીએલ ૪૪૭ના બેસ્ટ લેવલ બાદ ૫.૬ ટકાની આગેકૂચમાં ૪૪૨ થયો છે. હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ત્રણ ટકાની મજબૂતીમાં ૨૬૨ બંધ રહ્યો છે. ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક અડધો ટકો તો એનર્જી બેન્ચમાર્ક નહીંવત પ્લસ હતો. પાવર ઇન્ડેક્સ અડધો ટકો અને યુટિલિટીઝ ઇન્ડેક્સ પોણો ટકા વધ્યા હતા.