રિઝર્વ બૅન્કે વ્યાજદરો યથાવત રાખતાં રૂપિયામાં સુધારો

12 October, 2020 06:30 PM IST  |  Mumbai | Biren Vakil

રિઝર્વ બૅન્કે વ્યાજદરો યથાવત રાખતાં રૂપિયામાં સુધારો

કરન્સી

ટ્રમ્પને કોરોના થયા પછી તેઓ ઝડપથી બહાર આવી ગયા છે. હવે ચૂંટણી આડે માંડ ત્રણ સપ્તાહ બાકી છે. ટ્રમ્પ માટે રાત ઓછી અને વેશ ઝાઝા જેવું છે. ૧૫ ઑક્ટોબરે મિયામીમાં થનારી બીજી ડિબેટ રદ થઈ છે. હવે છેલ્લી ડિબેટ ૨૨ ઑક્ટોબરે થશે. ટ્રમ્પની અભી બોલા અભી ભી ફોક જેવી કાર્યશૈલીને કારણે બજારોમાં શાશ્વત વૉલેટિલિટીનો આવિર્ભાવ થયો છે. હૉસ્પિટલમાંથી નાટયાત્મક રીતે બહાર આવ્યાનું આશ્ચર્ય શમે એ પહેલાં તો ટ્રમ્પે સ્ટિમ્યુલસની દરખાસ્ત ફગાવતો ધડાકો કરી નાન્સી પેલોસીને ક્લીન બોલ્ડ કરી દીધા. પેલોસી અકળામણમાં ત્યાં સુધી બોલી ગયા કે સ્ટિરોઇડને કારણે ટ્રમ્પના દિમાગ પર અસર થઈ છે. ટ્રમ્પે પાછળથી ફેરવી તોળ્યું કે એ તો મોટું સ્ટિમ્યુલસ આપશે. આવી વિરોધાભાસી વાતોને કારણે શૅરબજારો, સોના-ચાંદી અને કરન્સી બજારોમાં લગાતાર વધઘટ રહી હતી. એકંદરે બજારો તેજીમય બંધ થયાં હતાં.

સ્થાનિક બજારોની વાત કરીએ તો શૅરબજારોમાં ફુલગુલાબી તેજી, વિદેશી મૂડીરોકાણનો એકધારો પ્રવાહ અને કોરોના વૅક્સિનનો આશાવાદ, દેશમાં કોરોના કેસ ઘટવા સાથે રિકવરીની આશાએ રૂપિયો સુધર્યો હતો. રૂપિયો સત્તાવાર રીતે ૭૩.૧૩ બંધ હતો, પણ ઓફશોર બજારમાં ૭૨.૯૫ બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૪૦,૦૦૦ વટાવી ગયો છે. રિઝર્વ બૅન્કની નાણાકીય સમિતિની બેઠકમાં વ્યાજદરો ૪ ટકાના સ્તરે યથાવત્ રખાયા હતા અને લાંબા ગાળા સુધી વ્યાજદરો નીચા રહેવાના સંકેત આપ્યા હતા. ફુગાવો રિઝર્વ બૅન્કના લક્ષ્યાંક કરતાં ઘણો ઊંચો રહ્યો છે, પણ એ જોખમો નજરઅંદાજ કરાયાં છે. રિઝર્વ બૅન્કે આગામી ક્વૉર્ટર માટે જીડીપીનો ઘટાડો ૯.૫ ટકા અંદાજ્યો છે. રિઝર્વ બૅન્કે લિક્વિડિટી સુધારવા ઑક્શનની સાઇઝ વધારીને ૨૦,૦૦૦ કરોડ પ્રતિ ઑક્શન કરી છે. હવેથી ઓપન માર્કેટ ઑપરેશનમાં રાજ્યો ડેવલપમેન્ટલ બૉન્ડનો પણ સમાવેશ કરાશે. એકંદરે આ બેઠક ઘણી એકોમોડેટિવ - શિથિલ નાણાનીતિનો ઝોક ધરાવતી રહી છે.

વૈશ્વિક બજારોની વાત કરીએ તો અમેરિકી શૅરબજારમાં આંચકા પચાવી ભાવ વધી આવ્યા હતા. ઑપિનિયન પૉલ્સ ડેમોક્રૅટિક ઉમેદવાર બાઇડેનની જીતના ચાન્સ ૮૨ ટકા કહે છે. જોકે ઑપિનિયન પૉલ ૨૦૧૬ની ચૂંટણી અને બ્રેક્ઝિટમાં સાવ ખોટા પડ્યા હતા. બજારની નજર આગામી સ્ટિમ્યુલસ પર અને વૅક્સિન પર છે. ટ્રમ્પ જે સારવારથી સાજા થયા એ મોનોકલોનલ ઍન્ટિબૉડી ટ્રીટમેન્ટે એક નવી આશા જન્માવી છે. મોટા ભાગની વૅક્સિન હવે અંતિમ તબક્કામાં છે, વૈશ્વિક કોરોના કેસમાં પણ થોડો ઘટાડો થઈ રહ્યો છે. બજારમાં લિક્વિડિટી બેસુમાર છે. નવા પ્રમુખ અંગેની અચોક્કસતા દૂર થઈ જતાં આ લિક્વિડિટી ચૅનલાઇઝ થશે. વૅક્સિન આવી જતાં અને કોરોના ટળી જાય પછી રિવેન્જ બાઇંગ પણ આવી શકે. ઇકૉનૉમીમાં પેન્ટ-અપ ડિમાન્ડ ઘણી છે. કૉન્ટૅક્ટ ઇન્ટેન્સિવ વેપાર-ધંધા જેવા કે ઍરલાઇન્સ, પ્રવાસન, હોટેલ, ઇવેન્ટ મૅનેજમેન્ટ, મૂવી હૉલ વગેરેમાં ડિમાન્ડ રિકવરી આવતાં વાર લાગશે, પણ લક્ઝરી ગુડ્ઝ, વાઇટ ગુડ્ઝમાં ઉછાળો આવી શકે.

યુરોપની વાત કરીએ તો ડૉલર ફરી નબળો થતાં યુરો સુધર્યો હતો. યુરો ૧.૧૬૬૬થી ઊછળી ૧.૧૮૩૦ થયો હતો. પાઉન્ડમાં પણ ૧.૨૮૦૦થી વધીને ૧.૩૦૦૦ હતો. ઇમર્જિંગ કરન્સીમાં ટર્કી લીરા ૭.૯૪ની વિક્રમી નીચી સપાટીએ હતો. લીરા ત્રણ વરસમાં ૨.૮થી ઘટીને ૭,૯૪ થયો છે. ટર્કીની ઇકૉનૉમી ખરાબ છે. ટર્કી આસપાસના પાડોશીઓ સાથે લશ્કરી છમકલાં કરી મુસીબતો વધારી રહ્યું છે. યુરોપમાં લશ્કરી તનાવ વધ્યો છે. આર્મેનિયા અને અજરબૈઝાન વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું છે.

એશિયામાં ચીનની ઇકૉનૉમી ઘણી મજબૂત દેખાય છે. જોકે ઘણી કંપનીઓ ડૉલર બૉન્ડમાં ડિફૉલ્ટ પણ થઈ રહી છે એટલે ચળકાટ છેતરામણો પણ હોઈ શકે. ચીન કોરોનામાંથી ઝડપી બહાર આવી ગયું, સરકારોએ લિક્વિડિટીનો ફુલ સપોર્ટ કર્યો, ચીનને વૈશ્વિક લૉકડાઉન દરમિયાન બહારનાં બજારોમાં માલ વેચવાનો મોકો મળ્યો એનો ફાયદો પણ મળી ગયો. એશિયામાં નાનાં અર્થતંત્રો હજી મંદીની અસરમાં છે. પ્રાદેશિક લશ્કરી તનાવને કારણે પરિસ્થિતિ પ્રવાહી છે. અમેરિકામાં નેતાગીરી બદલાય તો એશિયામાં ભૂરાજકીય સમીકરણો બદલાઈ શકે. ચૂંટણી સુધી બજારોની ચાલની આગાહી કરવી મુશ્કેલ છે.

business news reserve bank of india