શૅરબજારમાં પાંચ દિવસથી ચાલતી તેજી ઉપર લાગી આકસ્મિક બ્રેક લાગી

09 July, 2020 06:38 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

શૅરબજારમાં પાંચ દિવસથી ચાલતી તેજી ઉપર લાગી આકસ્મિક બ્રેક લાગી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના વધી રહેલા કેસની ચિંતા અંતે શૅરબજાર સુધી પહોંચી હોય એવું લાગી રહ્યું છે. જોખમ વધી રહ્યું હોવાનો સંકેત ગણાતા ડૉલર અને સોનાના ભાવ બન્નેમાં મંગળવારે વૃદ્ધિ જોવા મળી હતી. અમેરિકન શૅરબજાર ઘટીને બંધ આવ્યાં હતાં, એશિયામાં મિશ્ર હવામાન હતું અને યુરોપમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય શૅરબજારમાં સાંકડી વધઘટ જોવા મળી રહી હતી, પણ છેલ્લા એક કલાકમાં બૅન્કિંગ અને આઇટી શૅરોની આગેવાની અને દિગ્ગજ કંપનીઓના શૅરમાં ઘટાડાના કારણે પાંચ દિવસથી સતત વધી રહેલાં બજાર ઉપર તેજીની બ્રેક લાગી હતી.
એક મહિનામાં નવા ઇક્વિટી રોકાણ પ્રવાહમાં ૯૫ ટકા ઘટાડા પછી મ્યુચ્યુઅલ ફન્ડની રોકાણશક્તિ ઉપર અસર પડી હોય એવું શક્ય છે. આજે સતત બીજા દિવસે સ્થાનિક ફન્ડ્સની ૮૫૩ કરોડ રૂપિયાની વેચવાલી હતી. આ ઉપરાંત વિદેશી ફન્ડ્સની પણ આજે ૯૯૫ કરોડ રૂપિયાની વેચવાલી હતી જેની અસરથી ભારતમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે સેન્સેક્સ ૩૪૫.૫૧ પૉઇન્ટ કે ૦.૯૪ ટકા ઘટી ૩૬,૩૨૯.૦૧ અને નિફ્ટી ૯૩.૯૦ પૉઇન્ટ કે ૦.૮૭ ટકા ઘટી ૧૦૭૦૫.૭૫ની સપાટીએ બંધ આવ્યા હતા. છેલ્લા પાંચ સત્રમાં સેન્સેક્સ ૫.૦૪ ટકા અને નિફ્ટી ૪.૮૩ ટકા વધ્યા હતા. ઇન્ડેક્સ કંપનીઓમાં બજાજ ફાઇનૅન્સ, એશિયન પેઈન્ટ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટીસીએસ અને રિલાયન્સ ઘટ્યા હતા જ્યારે ઇન્ડસઇન્ડ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી સાતમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં આઇટી, રીઅલ એસ્ટેટ, મીડિયા અને ઑટો મુખ્ય હતા. ચાર ક્ષેત્રો વધ્યા હતા જેમાં પીએસયુ બૅન્કિંગમાં સૌથી વધુ ઉછાળો આવ્યો હતો. એક્સચેન્જ ઉપર ૪૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને પાંચ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૪૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૭૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૧૦૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૬૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૫૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૩૬૫માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૪૩  ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૩૮ ટકા ઘટ્યા હતા. બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧,૧૬,૬૪૨ કરોડ ઘટી ૧૪૩.૫૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
પરિણામ પહેલાં આઇટી કંપનીઓમાં પ્રોફિટ બુકિંગ
છેલ્લા પાંચ સત્રમાં ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ક્ષેત્રની કંપનીઓમાં ખરીદી જોવા મળી રહી હતી. ગ્લોબલ આઇટી કંપની એકસેનચ્યુરના પરિણામ બાદ આઇટી ઉપર કોરોનાની અસર સમાપ્ત થઈ એવા સંકેત મળી રહ્યા હતા એટલે ભારતીય કંપનીઓમાં ખરીદી નીકળી હતી, પણ હવે અમેરિકામાં કોરોનાના વધી રહેલા કેસ, કેટલાક પ્રાંતમાં લૉકડાઉન ફરી લાદવામાં આવ્યું હોવાથી આઇટી શૅરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આ ઉપરાંત આજે સાંજે દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસના પરિણામ પણ જાહેર થવાના છે એની સાવચેતી પણ બજારમાં જોવા મળી હતી.
આજે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૧.૭૨ ટકા ઘટ્યો હતો જે છેલ્લા પાંચ સત્રમાં ૪.૮૩ ટકા ઉછળ્યો હતો. એચસીએલ ટેક ૨.૯૧ ટકા, ઇન્ફોસિસ ૨.૪૯ ટકા, ઓરેકલ ફાઇનૅન્શિયલ ૧.૨૯ ટકા, વિપ્રો ૦.૭૮ ટકા, ટેક મહિન્દ્ર ૦.૭૭ ટકા અને એમ્ફેસીસ ૦.૨૪ ટકા ઘટ્યા હતા. ટીસીએસના શૅર ૨.૩૦ ટકા ઘટી ગયો હતો.
બૅન્કિંગમાં પ્રોફિટ બુકિંગ, પણ સરકારી બૅન્કો વધી
આજે સત્રના છેલ્લા કલાકના ટ્રેડિંગ બૅન્કિંગ શૅરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક દિવસની ઊંચી સપાટીથી ૪૯૬ પૉઇન્ટ નીચે ઘટી મંગળવાર કરતાં ૦.૨ ટકા ઘટીને બંધ આવ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક આજે ૦.૩૧ ટકા ઘટ્યો હતો અને નિફ્ટી પીએસયુ બૅન્ક ૨.૩૪ ટકા વધ્યો હતો. આજે સરકારી બૅન્કોમાં બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૬.૪૨ ટકા, જમ્મુ-કાશ્મીર બૅન્ક ૪.૯૩ ટકા, કૅનરા બૅન્ક ૪.૦૭ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૩.૭૭ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૬૪ ટકા, ઇન્ડિયન બૅન્ક ૧.૮૫ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૬૪ ટકા, યુનિયન બૅન્ક ૧.૪ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧.૧૫ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૦૯ ટકા, યુકો બૅન્ક ૧.૦૮ ટકા અને બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૫ ટકા વધીને બંધ આવ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
જિયો પ્લૅટફૉર્મમાં બે મહિનાની રિલાયન્સ દ્વારા વિવિધ રોકાણકારોને હિસ્સો વેચવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ ૯.૯૯ ટકા હિસ્સો ખરીદનાર ફેસબુક સાથેની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને રિલાયન્સને એ સોદા પેટે રકમ મળી ગઈ હોવાની જાહેરાત કંપનીએ કરી હતી. આ પછી આજે રિલાયન્સના શૅર ૧.૪૬ ટકા ઘટ્યા હતા.
જૂન મહિનામાં દેશની સૌથી મોટી કાર કંપની મારુતિનું ઉત્પાદન ૫૪.૬૬ ટકા ઘટ્યું હતું અને તેના કારણે શૅરના ભાવ ૨.૯૩ ટકા ઘટ્યા હતા. જૂન મહિનામાં વેચાણ અગાઉના મહિના કરતાં ૨૦ ટકા અને ગત વર્ષ કરતાં ૭૦ ટકા ઘટ્યું હોવાની જાહેરાત સાથે ટાઇટનના શૅર આજે ૨.૪૩ ટકા ઘટ્યા હતા. ઇન્ડિયન ઑઈલે જાહેરાત કરી હતી કે કંપનીના વિવિધ પ્લાન્ટ ખાતે ચાલી રહેલા ૩૩૬ જેટલા પ્રોજેકટ લૉકડાઉન બાદ ફરી શરૂ કરવામાં આવ્યા છે અને તેના કારણે શૅરના ભાવ આજે ૦.૮૭ ટકા વધ્યા હતા. જાહેર પબ્લિક ઇશ્યુ થકી વધારાની મૂડી એકત્ર કરવાની યોજનાને બોર્ડે મંજૂરી આપતા યસ બૅન્કના શૅર આજે ૧.૩૬ ટકા વધ્યા હતા. વર્તમાન દેવું ભરવા માટે અદાણી પોર્ટ ૧.૨૫ અબજ ડૉલરના બૉન્ડ્સ જાહેર કરશે એવી જાહેરાત સાથે શૅરના ભાવ ૧.૫૦ ટકા ઘટ્યા હતા.  સાવચેતીના ભાગરૂપે અમેરિકામાંથી એક દવા પરત ખેંચનાર લુપીનના શૅર આજે ૦.૬૩ ટકા ઘટ્યા હતા. જૂન મહિનામાં ૧૩૯૬ કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા હોવા છતાં એનસીસીના શૅર આજે ૧.૫૧ ટકા ઘટ્યા હતા.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડના નવા રોકાણમાં ૯૫ ટકાનો ઘટાડો

જૂન મહિનામાં શૅરબજારમાં જોરદાર તેજી જળવાઈ રહી હતી પણ કોરોના વાઇરસ, લૉકડાઉન અને ઘટેલી આવકથી પરેશાન રોકાણકારોની અસર હવે મ્યુચ્યુઅલ ફન્ડમાં આવતા નવા રોકાણ ઉપર જોવા મળી રહી છે. મે મહિનામાં ઇક્વિટી ફન્ડમાં નવો રોકાણપ્રવાહ ૫૨૬૫.૫૨ કરોડ રૂપિયાનો હતો તે જૂનમાં ૯૫ ટકા ઘટી ૫૪૦.૫૫ કરોડ રૂપિયા જોવા મળ્યો છે, એમ અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇન્ડિયા (આમ્ફી)ના ડેટા ઉપરથી જાણવા મળ્યું છે.
ઇક્વિટી સિવાય ડેટ માર્કેટની લિક્વિડ સ્કીમમાં ૪૪,૨૬૬ કરોડ રૂપિયાનો ઉપાડ, બેલેન્સ ફન્ડમાં ૧૭૦૫ કરોડ રૂપિયાનો ઉપાડ જોવા મળ્યો છે. આ આંકડા અનુસાર ડેટ સ્કીમમાં કુલ નવો પ્રવાહ ૨૮૬૧.૬૮ કરોડ રૂપિયાનો રહ્યો છે જે મે મહિનામાં ૬૩,૬૬૫.૫૪ કરોડ રૂપિયા હતો.
આમ્ફીના આંકડા અનુસાર ઇક્વિટી સ્કીમમાં સૌથી વધુ ઉપાડ લાર્જ કૅપ સ્કીમમાં જોવા મળ્યો છે. મે મહિનાના સૌથી નવો પ્રવાહ આવ્યા બાદ જૂન મહિનામાં લાર્જ કૅપ ફન્ડ્સમાં ૨૧૨.૭૮ કરોડનો પ્રવાહ ઉપડી ગયો છે. મલ્ટિકૅપ સ્કીમમાં ૭૭૭.૬૦ કરોડ રૂપિયાનો ઉપાડ જોવા મળ્યો છે. મિડ કૅપમાં નવું રોકાણ ઘટીને ૩૬.૭૦ કરોડ રહ્યું છે જે મે મહિનામાં ૨૭૯.૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. સ્મૉલ કૅપ ફન્ડ્સમાં ૨૪૯.૨૦ કરોડ અને ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમમાં નવું રોકાણ ૫૮૬.૬૭ કરોડ રૂપિયા જોવા મળ્યું છે.
જૂન મહિનાના અંતે મ્યુચ્યુઅલ ફન્ડ્સની કુલ ઇક્વિટી અસ્કયામતો ગત મહિના સામે ૯ ટકા વધી ૬,૮૯,૩૮૪.૫ કરોડ રૂપિયા અને ઇક્વિટી, ડેટ અને અન્ય મળી કુલ અસ્કયામતો સાત ટકા વધી ૨૬,૦૬,૯૪૬ કરોડ રૂપિયા હોવાનું આમ્ફીએ આજે જાહેર કર્યું હતું.

business news