જીડીપી વૃદ્ધિ નેગેટિવ ૭.૫ ટકા રહે એવી રિઝર્વ બૅન્કની ધારણા

05 December, 2020 01:12 PM IST  |  Mumbai | Mumbai correspondent

જીડીપી વૃદ્ધિ નેગેટિવ ૭.૫ ટકા રહે એવી રિઝર્વ બૅન્કની ધારણા

જીડીપી વૃદ્ધિ નેગેટિવ ૭.૫ ટકા રહે એવી રિઝર્વ બૅન્કની ધારણા

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આજે ધિરાણ નીતિની સમીક્ષામાં ફુગાવો અપેક્ષા કરતાં વધે અને દેશની આર્થિક વૃદ્ધિમાં જોવા મળી રહેલી રિકવરી અગાઉની ધારણા કરતાં ઝડપી રહે એવું આકલન કર્યું છે. ફુગાવામાં ધારણા કરતાં મોટા વધારાના કારણે આગામી છ મહિનામાં વ્યાજના દર ઘટે એવી શક્યતા હવે લગભગ દેખાતી નથી, પણ સામે કોરોનાકાળથી બહાર નીકળી રહેલા અર્થતંત્રને ટેકાની જરૂર હોવાથી બજારમાં લિક્વિડિટી જાળવી રાખવામાં આવશે જેથી દરેક ક્ષેત્રને ધિરાણ અને ભંડોળ ઉપલબ્ધ રહે એવું તારણ નીકળી રહ્યું છે.
અપેક્ષા અનુસાર વધી રહેલા ફુગાવાના કારણે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ધિરાણ નીતિમાં રેપો રેટ (એટલે કે જે વ્યાજના દરે બૅન્કોને ધિરાણ કરે છે) ચાર ટકાએ સ્થિર રાખ્યો હતો. જોકે કોરોના કાળમાં સતત બે ક્વૉર્ટરમાં નેગેટિવ વૃદ્ધિ બાદ દેશનું અર્થતંત્ર સુધારાતરફી છે ત્યારે તેને ટેકો આપવા માટે લિક્વિડિટી જાળવી રાખવાના સંકેત આપ્યા હતા. બજારમાં નાણાં પ્રવાહિતા જળવાઈ રહે તો પણ વધી રહેલા ફુગાવા સાથે વ્યાજના દર સ્થિર રહે એવી શક્યતા છે.
દરમ્યાન રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૨૦-૨૧માં દેશનો આર્થિક વિકાસ નેગેટિવ ૭.૫ ટકા રહેશે એવી આગાહી કરી હતી. ઑક્ટોબરમાં ધિરાણ નીતિની સમીક્ષામાં નેગેટિવ વૃદ્ધિ ૯.૫ ટકા રહે એવી આગાહી કરી છે. અંદાજમાં સુધારો દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર ઝડપથી કોરોનાની ચુંગાલમાંથી બહાર આવી રહ્યું છે જે રોજગારી સર્જન, કેન્દ્ર સરકારની નાણાખાધ અને ઉત્પાદન – નિકાસ માટે સારા સમાચાર છે. જોકે આની સાથે રિઝર્વ બૅન્કે પોતાની ધિરાણ નીતિમાં આગામી દિવસોમાં વ્યાજદર ઘટે એવી શક્યતાઓ બંધ કરી છે.
ફોરેક્સ અંગે પણ નિવેદન
રિઝર્વ બૅન્ક દેશના રૂપિયાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ એ અંગે સામાન્ય સંજોગોમાં કોઈ ચોક્કસ જાહેરાત કરતી નથી પણ આજની ધિરાણ નીતિની સમીક્ષામાં ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું કે વૈશ્વિક પરિબળોમાં જોવા મળી રહેલા ફેરફારના કારણે દેશમાં વિદેશી મૂડીપ્રવાહ વધી રહ્યો છે. સ્થાનિક બજારમાં લિક્વિડિટી ખોરવાય નહીં એ રીતે રિઝર્વ બૅન્ક ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કરી રહી છે. દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ આવી રહેલા વિદેશી પ્રવાહ સામે સ્થાનિક ચલણનો નિયત બજારભાવ રહે એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
ઊંચા ફુગાવાથી વ્યાજદર હવે નહીં ઘટે?
મોનેટરી પૉલિસી કમિટી ગ્રાહક ભાવાંક (સીપીઆઇ)ના આધારે દેશમાં રેપો રેટ વધારવા કે ઘટાડવા અંગે સમીક્ષા કરે છે. કાયદા અનુસાર દેશમાં ગ્રાહકના સ્તરે આ મોંઘવારી ૪ ટકા (બે ટકા ઓછી કે બે ટકા વધારે) હોવી જોઈએ. ઑક્ટોબરમાં દેશમાં ગ્રાહક ભાવાંક છ વર્ષમાં સૌથી ઊંચી સપાટી ૭.૬ ટકાએ પહોંચી ગયો હતો. છેલ્લા સાત હિનાથી રિઝર્વ બૅન્કના ચાર ટકાના લક્ષ્ય સામે તે ઊંચો જ રહ્યો છે. દેશમાં ત્રીજા ક્વૉર્ટરમાં એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે સરેરાશ ફુગાવો ૬.૮ ટકા અને જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ૫.૮ ટકા રહે તથા એપ્રિલ ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૧ વચ્ચે તે ૫.૨ ટકા રહે એવું આકલન આજે રિઝર્વ બૅન્કે કર્યું હતું.
ઉપરોક્ત આકલન દર્શાવે છે કે માર્ચ મહિના સુધી બજારમાં રેપો રેટ ઘટે એવી શક્યતા ઓછી છે હા, દેશનો આર્થિક વૃદ્ધિદર અચાનક જ કોઈ સ્થિતિમાં ઘટી જાય, ધારણા કરતાં નબળો રહે તો રિઝર્વ બૅન્ક હસ્તક્ષેપ કરે એવી શક્યતા છે.
લિક્વિડિટી વધુ રહે એવી શક્યતાએ વ્યાજનો દર વધશે નહીં
મોંઘવારી વધે એટલે લોકોની અપેક્ષા ઊંચા વ્યાજદરની હોય છે, પણ સિસ્ટમમાં પુષ્કળ નાણાં પ્રવાહિતાના કારણે વર્તમાન સ્થિતિમાં તેમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

રિઝર્વ બૅન્કની અન્ય જાહેરાતો
કોઈ પણ શિડ્યુલ કમર્શિયલ બૅન્ક નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના નફામાંથી શૅરહોલ્ડરને ડિવિડન્ડ આપી શકશે નહીં. રિઝર્વ બૅન્કે સહકારી બૅન્કો પણ ડિવિડન્ડ નહીં આપી શકે એવી જાહેરાત આજે કરી છે.
નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ કેટલું ડિવિડન્ડ ચૂકવી શકે એના માટે નવી માર્ગદર્શિકા બહાર પાડશે.
આરટીજીએસની સવલત અત્યારે બૅન્કો ચાલુ હોય ત્યારે જ ઉપલબ્ધ છે. રિઝર્વ બૅન્ક વિચારી રહી છે કે ટૂંક સમયમાં આરટીજીએસની સવલત દરેક દિવસ, ચોવીસ કલાક ઉપલબ્ધ બને એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

business news