દેશમાં રૂનું ઉત્પાદન અને વપરાશને મોટો ફટકો પડશે, સ્ટૉક વધી પડ્યો

26 May, 2020 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં રૂનું ઉત્પાદન અને વપરાશને મોટો ફટકો પડશે, સ્ટૉક વધી પડ્યો

કૉટન

કપાસની સીઝન ૨૦૧૯-’૨૦ (એટલે કે ઑક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૦)માં દેશનું કપાસ અને રૂની ગાંસડીનું ઉત્પાદન અને વપરાશ બન્ને ઘટી શકે છે એવો અંદાજ કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ ગયા શનિવારે બહાર પાડ્યો છે. ઉત્પાદન અને વપરાશ ઘટવા માટેનું મુખ્ય કારણ કોરોના વાઇરસના કારણે દેશભરમાં ૫૪ દિવસનો લૉકડાઉન જવાબદાર છે. ઉત્પાદન અને વપરાશમાં ઘટાડો થવાથી અને ખેડૂતોના હાથ પર કપાસ પડ્યો રહેવાથી વર્ષના અંતે કપાસનો બાકી સ્ટૉક ગયા વર્ષના ૨૩.૫૦ લાખ ગાંસડી સામે આ વર્ષે ૫૦ લાખ ગાંસડી રહે એવો અંદાજ છે.

ભારતમાં સ્થાનિક વપરાશ કપાસની સીઝન માટે હવે ઘટીને ૨૮૦ લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે જે નવેમ્બરના અંદાજ ૩૩૧ લાખ ગાંસડી કરતાં ૫૧ લાખ ગાંસડી ઓછું છે. દેશની નિકાસ અગાઉના અંદાજ ૪૨ લાખ કરતાં વધી ૪૭ લાખ ગાંસડી થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.

અસોસિએશન જણાવે છે કે કોરોના મહામારીના કારણે દેશમાં માગ અને પુરવઠાની સ્થિતિને અસર પહોંચી છે અને એના કારણે વપરાશ ઘટવાનો છે. કુલ અંદાજિત ૫૧ લાખ ગાંસડીમાંથી ૩૩ લાખ ગાંસડીનો વપરાશ એપ્રિલ અને મે મહિનામાં જ ઘટેલો જોવા મળી શકે છે એવું અસોસિએશનનો અહેવાલ જણાવે છે. ભારતમાં કોરોનાનો વ્યાપ રોકવા માટે ૨૫ માર્ચથી ૩૧ મે સુધી ચાર તબક્કાનું લૉકડાઉન મૂકવામાં આવ્યું છે. કેટલીક ચીજોના મૅન્યુફૅક્ચરિંગને છૂટ આપવામાં આવી છે, પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમ જ કામદારોની અછતના કારણે ઉત્પાદનને ભારે અસર પડી છે. બીજી બાજુ આવશ્યક ચીજો સિવાયની બજારો ૫૭ દિવસ સુધી બંધ રહી હોવાથી બજારમાં ગ્રાહકોની કાપડ, યાર્ન સહિતની માગ પણ ઘટી છે.

વપરાશની સામે કૉટન અસોસિએશન દ્વારા ઉત્પાદનમાં પણ અંદાજ ૨૪.૫૦ લાખ ગાંસડી ઘટે અને હવે ૩૩૦ લાખ ગાંસડી રહે એમ જણાવ્યું છે. ઉત્પાદન જે રાજ્યોમાં ઘટે એમાં સૌથી મોટો ફટકો ગુજરાતમાં પડશે એવી ધારણા છે. ગુજરાતમાં ૧૧ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન ઘટી શકે છે.

ગઈ સીઝનમાં ભારે વરસાદ અને લાંબા સમય સુધી પડેલા વરસાદના કારણે જમીન પાસે પાણીની ઉપલબ્ધિ હોવાથી ખેડૂતોએ રવી વાવેતર કરવાનું પસંદ કર્યું હતું અને એના કારણે ઊભો કપાસ કાઢી નાખ્યો હતો. લગભગ ૪૫ દિવસ સુધી જીનિંગનું કામ સંપૂર્ણ બંધ હોવાથી અને હવે માત્ર ૨૦ ટકા ક્ષમતાએ જ કાર્ય કરતી હોવાથી ઉત્પાદનને ફટકો પડ્યો છે. ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી રૂની આવક આ વર્ષે વધી હોવાથી સ્થાનિક ઉત્પાદન ઘટ્યું હતું.

આ ઉપરાંત, ચોમાસાનું આગમન ૧૦થી ૧૫ જૂન વચ્ચે શક્ય હોવાથી ખેડૂતોના હાથ પર કપાસ પડ્યો રહેશે, લેબર ઉપલબ્ધ નહીં હોવાથી જીનિંગ થશે નહીં અને ઉત્પાદન ઘટે એવી શક્યતા કૉટન અસોસિએશને વ્યક્ત કરી છે. 

business news