ફેડરલ રિઝર્વની આગામી બેઠકે બન્ને માર્કેટમાં અજંપો વધાર્યો

25 January, 2022 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેલિગ્રામના સ્થાપકે ક્રિપ્ટો પર પ્રતિબંધના રશિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૮.૬ ટકા કરતાં વધુનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

ક્રિપ્ટો કરન્સી માર્કેટ અને ઇક્વિટી માર્કેટ વચ્ચે સમસંબંધ હોય એ રીતે બન્નેમાં હાલ ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. ફેડરલ રિઝર્વની ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ મળનારી બેઠકમાં લેવાનારા નિર્ણયોના અજંપાને કારણે બન્નેમાં જોરદાર ઘસારો લાગ્યો છે. પરિણામે સૌથી વધુ પ્રચલિત ક્રિપ્ટો કરન્સી બીટકૉઇનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ ટકા કરતાં વધારે અને છેલ્લા સાત દિવસમાં ૨૧ ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. આ લખાઈ રહ્યું છે એ સમયે એનો ભાવ ૩૩,૪૭૦ની આસપાસ ચાલી રહ્યો છે. આ જ રીતે એથેરિયમમાં ૨૪ કલાકમાં ૧૧ ટકા અને એક અઠવાડિયામાં ૩૨ ટકાનો ઘટાડો થઈને ભાવ ૨૨૦૦ની નજીક પહોંચી ગયો છે. એટલું જ નહીં, બીટકૉઇનમાં સૌથી વધુ વૉલ્યુમ પણ જોવા મળ્યું છે. 
ક્રિપ્ટો કરન્સી માર્કેટ ૨૪ કલાકમાં ૮ ટકા કરતાં વધુ પ્રમાણમાં ઘટી ગઈ છે. ક્રિપ્ટો વાયરે લૉન્ચ કરેલા વિશ્વના સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫માં સોમવારે બપોરે ૪ વાગ્યા સુધીમાં ૮.૬૦ ટકાના ઘસારો લાગતાં આંક ૪૮,૬૩૭ ઉપર પહોંચ્યો હતો. આ ઇન્ડેક્સ ૫૩,૨૧૨ ખૂલ્યા બાદ ઉપરમાં ૫૩,૪૭૭ અને નીચામાં ૪૮,૬૩૭ જઈ આવ્યો હતો અને એ જ સપાટીએ બંધ રહ્યો હતો. 
નોંધનીય છે કે ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં પ્રવર્તમાન મિજાજનો અંદાજ આપનારો ક્રિપ્ટો ફીયર ઍન્ડ ગ્રીડ ઇન્ડેક્સ ઘટીને ૧૩ના આંક પર પહોંચ્યો છે, જે બજારમાં ઘણો ડર ફેલાયો હોવાનું દર્શાવે છે. 
બૅન્ક ઑફ રશિયાએ ક્રિપ્ટો કરન્સી સંબંધિત પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે એ બાબતે ટેલિગ્રામ ઍપના સ્થાપક પાવેલ દુરોવે કહ્યું છે કે આ દરખાસ્તને લીધે અત્યાધુનિક ટેક્નૉલૉજીના વિકાસના માર્ગમાં અવરોધ આવશે તથા બ્લૉકચેઇનના નિષ્ણાતો દેશમાંથી બહાર ચાલ્યા જશે. તેમણે એમ પણ કહ્યું છે કે કોઈ વિકસિત દેશ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકતો નથી. આ ટેક્નૉલૉજી મનુષ્યની નાણાકીય તથા કળાત્મક સહિતની અનેક પ્રવૃત્તિઓની સલામતી અને કાર્યક્ષમતા વધારશે. 

business news