ઇકરાના મતે દેશમાં કોરોનાની અસર વધુ તીવ્ર:૨૦૨૦-૨૧માં જીડીપી ૯.૫ ટકા ઘટશે

17 July, 2020 06:00 PM IST  |  Mumbai | Agencies

ઇકરાના મતે દેશમાં કોરોનાની અસર વધુ તીવ્ર:૨૦૨૦-૨૧માં જીડીપી ૯.૫ ટકા ઘટશે

જીડીપી

દેશની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફર્મેશન ઍન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઑફ ઇ‌‌‌‌ન્ડિયા (ઇકરા)એ કોરોના મહામારીના કારણે ચાર દાયકામાં પ્રથમ વખત દેશમાં જીડીપી ઘટશે એવી આગાહીમાં વધારે નિરાશાવાદી ચિત્ર રજૂ કર્યું છે. ઇકરાના મતે નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં દેશનો જીડીપી ૯.૫ ટકા નેગેટિવ રહે એવી શક્યતા છે. અગાઉ એજન્સીની આગાહી પાંચ ટકા ઘટાડાની હતી.
લૉકડાઉન બાદ મે અને જૂનમાં ધીરે-ધીરે આર્થિક પ્રવૃત્તિઓ ફરી પાટે ચડી રહી હતી ત્યારે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને રોજ નવા કેસની સંખ્યા નવી વિક્રમી સપાટીએ આવી રહી છે. આ સ્થિતિમાં કેટલાંક રાજ્યો અને શહેરોમાં લૉકડાઉનનો ફરી અમલ કરવામાં આવી રહ્યો છે અને એના કારણે રિકવરીને મોટો ધક્કો લાગ્યો છે.
એપ્રિલ ૨૦૨૦માં એકદમ તળિયે પહોંચેલી આર્થિક પ્રવૃત્તિ ધીમે-ધીમે સુધરી રહી હતી, પણ કોરોનાના નવા કેસની સંખ્યા વધતાં સ્થાનિક સ્તર પર લૉકડાઉન અમલમાં આવી રહ્યો છે અને એના કારણે રિકવરીને ઠેસ પહોંચી છે એમ ઇકરાનાં પ્રિન્સિપલ ઇકૉનૉમિસ્ટ અદિતિ નાયર જણાવે છે. ગુરુવારે દેશમાં કુલ કોરોના પીડિત લોકોની સંખ્યા ૯.૬ લાખ હતી જેમાં આગલા દિવસે ૩૨,૦૦૦ નવા કેસનો ઉમેરો થયો હતો.
ઇકરાએ જણાવ્યું હતું કે અગાઉની ધારણા સામે હવે જુલાઈથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં પણ દેશમાં આર્થિક વિકાસ દર નેગેટિવ રહેશે, કારણ કે મહામારીની તીવ્રતા અને એના કારણે સુરક્ષાના જે કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે એની વ્યાપક અસરો જોવા મળી રહી છે.
ગ્રાહકોની ખરીદી, શ્રમિકોની ઉપલબ્ધિ અને અન્ય માગણી અને પુરવઠાની દૃષ્ટિએ દેશમાં અલગ-અલગ ભાગોમાં અસમાન અસર જોવા મળી શકે છે. ઇકરાના મતે એપ્રિલથી જૂનના પ્રથમ ક્વૉર્ટરમાં દેશની જીડીપી ૨૫ ટકા ઘટે એવી આશા રાખે છે અને એના પછીના ક્વૉર્ટરમાં પૂર્વવત્ સ્થિતિ એકદમ નબળી રહે એવી શક્યતા છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં દેશનો આર્થિક વિકાસ ૨.૧ ટકા નેગેટિવ રહે એવી ઇકરાની અગાઉ આશા હતી એ હવે નેગેટિવ ૧૨.૪ ટકા રહે એવું એજન્સી જણાવે છે.

business news gdp