નાણાકીય તંદુરસ્તી હોય કે સ્વાસ્થ્ય, નિષ્ણાત વ્યવસાયીઓની મદદ ઉપયોગી

14 September, 2020 05:10 PM IST  |  Mumbai | Khyati Mashroo Vasani

નાણાકીય તંદુરસ્તી હોય કે સ્વાસ્થ્ય, નિષ્ણાત વ્યવસાયીઓની મદદ ઉપયોગી

વેલ્થ મૅનેજમેન્ટ

તમને કોઈ સમસ્યા નડે અથવા કોઈ કામ પડી આવે ત્યારે તત્કાળ તમારી મદદ કરવા હાજર થઈ શકે અથવા તો તમે પોતાનાં લક્ષ્યો સુધી પહોંચો ત્યાં સુધી તમારી સાથે ને સાથે રહે એને પ્રોફેશનલ એટલે કે વ્યવસાયી કહેવાય. આજે આપણે એવા બે પ્રકારના વ્યવસાયીઓની વાત કરવાના છીએ, જેઓ તમારી જરૂરિયાતોને સારી રીતે સમજે છે. એક છે ડૉક્ટર અને બીજા છે ફાઇનૅન્શિયલપ્લાનર. આ બન્ને વ્યવસાયીઓનાં કામ અનેક રીતે સરખાં છે. તમને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચાડવા માટે એમણે કરવી પડતી તૈયારીઓ વિશે વાત કરીએ.

૧) ક્લાયન્ટ વિશેનીમાહિતી એકઠી કરવી
કોઈ પણ ઉપાય સૂચવવા માટે સૌથી પહેલાં ક્લાયન્ટની પરિસ્થિતિને સમજવી પડે છે અને તેના માટે તેમના વિશે આવશ્યક તમામ માહિતી ભેગી કરવાની જરૂર પડે છે. ડૉક્ટર દરદી પાસેથી એ વખતે થઈ રહેલી તકલીફ, એમની એલર્જી, વજન, બ્લડપ્રેશર, પહેલેથી ચાલી રહેલી દવાઓ, ફૅમિલી હિસ્ટરી વગેરે જાણી લેતા હોય છે. એ જ રીતે ફાઇનૅન્શિયલ પ્લાનર વર્તમાન આવક, ભવિષ્યની જવાબદારીઓ, ભવિષ્યની આર્થિક ઇચ્છાઓ, ક્લાયન્ટ પરનું હાલનું કરજ, વગેરે માહિતી મેળવતા હોય છે. આ બન્ને વ્યવસાયીઓએ પોતાની પાસે આવેલી માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવાની હોય છે.

૨) ટૂંકા અને લાંબા ગાળાની અપેક્ષાઓ નક્કી કરવી
ફાઇનૅન્શિયલ પ્લાનર ક્લાયન્ટનાં આર્થિક લક્ષ્યોની નોંધ લેતા હોય છે અને એ લક્ષ્યો પૂરાં કરવા માટે કેટલાં નાણાંની જરૂર પડશે તેનો અંદાજ બાંધતા હોય છે. લક્ષ્યોને ટૂંકા, મધ્યમ અને લાંબા - એમ ત્રણ ગાળામાં વિભાજિત કરવામાં આવે છે. આ જ રીતે ડૉક્ટર પણ આરોગ્ય વિશેની વિગતો દરદીને સમજાવીને ભવિષ્યમાં રાખવાની તકેદારીઓની જાણ કરે છે. ફરીથી દરદીને તંદુરસ્ત કરવા માટે કયા પ્રકારે સારવાર આપવામાં આવશે તેનો અંદાજ આપવામાં આવે છે.

૩) તબીબી, નાણાકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું
ઉક્ત બન્ને વ્યવસાયીઓ ક્લાયન્ટની તબીબી અને નાણાકીય વિગતો પરથી તેમની પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક પરીક્ષણો કરાવવાનું સૂચવતા હોય છે. તેઓ સઘન વિશ્લેષણના આધારે આગળનો માર્ગ નક્કી કરે છે અને આવશ્યકતા મુજબના ઉપાય નક્કી કરે છે.

૪) તબીબી, નાણાકીય યોજના તૈયાર કરવી
તેઓ ક્લાયન્ટ પાસેથી વિગતો મળ્યા બાદ અને શક્ય તેટલા વિવિધ ઉપાયો વિશે વિચાર કરીને ક્લાયન્ટ માટે ઉત્તમ હોય એવી યોજના તૈયાર કરતા હોય છે. એ યોજના નિશ્ચિત સમયમર્યાદા સાથેની હોય છે અને તેના સુધી પહોંચવાનો માર્ગ સ્પષ્ટપણે દર્શાવતા હોય છે. આમ કામમાં તેઓ પોતાની નિપુણતાનો ઉપયોગ કરતા હોય છે.

૫) અમલ કરવો
જ્ઞાન એ જ મનુષ્યની શક્તિ છે. જોકે જ્ઞાન હોવા કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ જ્ઞાનને અમલમાં મૂકવાનો છે. ડૉક્ટર હોય, ફાઇનૅન્શિયલ પ્લાનર હોય કે બીજા કોઈ વ્યવસાયી હોય, તેઓ પોતપોતાના ક્લાયન્ટ માટે જે સારું હોય તેનું જ સૂચન કરતા હોય છે અને આયોજનને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં તેમની મદદ કરતા હોય છે, જેથી અગાઉ કરેલી કોઈ મહેનત વ્યર્થ જાય નહીં.

૬) દેખરેખ અને સમીક્ષા
કોઈ પણ યોજના અમલમાં મૂક્યા પછી તેના પર દેખરેખ રાખવાની અને તેની સમયાંતરે સમીક્ષા કરવાની જરૂરિયાત બધા સમજતા જ હોય છે. આપણે જાણીએ છીએ કે ડૉક્ટરો ફોલોઅપ માટે બોલાવતા હોય છે અને જરૂર પડ્યે કેટલાંક પરીક્ષણો બીજી વાર કરાવવામાં આવે છે, જેથી ખબર પડે કે દરદીને કેટલો ફરક પડ્યો. આ જ રીતે ફાઇનૅન્શિયલ પ્લાનર પણ નાણાકીય લક્ષ્યો સુધી કેટલે પહોંચાયું અને વધુ કંઈ કરવાની જરૂર છે કે નહીં તેના પર નજર રાખીને સતત માર્ગદર્શન કરતા રહે છે.

અહીં ખાસ જણાવવાનું કે કોરોનાના રોગચાળાના આ સમયમાં ઉક્ત બન્ને વ્યવસાયીઓની જરૂર પડી છે. એમના માર્ગદર્શનનો લાભ લઈને પરિસ્થિતિ સાચવી લેવી આજની જરૂરિયાત છે.

business news