રેરા કાયદાને લીધે સામાન્ય લોકોને આ બધા ફાયદા થયા છે

16 October, 2021 08:09 PM IST  |  Mumbai | Parag Shah

આ કાયદો ઘર ખરીદનારાઓના અધિકારોના રક્ષણ માટે ઘણો સારો છે, એટલું જ નહીં, રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છુક લોકોને પણ એ ઘણો ઉપયોગી છે. 

પ્રતીકાત્મક તસવીર

આપણે અત્યાર સુધી રેરા (આરએઆરએ - રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટ) વિશે જે વાતો કરી છે એના પરથી સ્પષ્ટ થાય છે કે આ કાયદો ઘર ખરીદનારાઓના અધિકારોના રક્ષણ માટે ઘણો સારો છે, એટલું જ નહીં, રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છુક લોકોને પણ એ ઘણો ઉપયોગી છે. 
અત્યાર સુધી ઘર ખરીદનારાઓ વાસ્તવમાં પોતાના ખરા અધિકારોથી વંચિત હતા. તેમની સ્થિતિ ‘ન ઘરના, ન ઘાટના’ જેવી હતી. બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં ઘર લખાવનારા મોટી સંખ્યામાં ખરીદદારોનાં નાણાં સલવાઈ ગયાં હોવાના સંખ્યાબંધ કિસ્સા બન્યા છે. રેરાને કારણે એ બધાને રાહત થઈ છે અને પોતાનાં હિત સચવાઈ જવાની હૈયાધારણ બંધાઈ છે. 
આ બધું મહારેરામાં થતી સુનાવણીને કારણે શક્ય બન્યું છે એથી આજે આપણે સુનાવણી વિશેના માર્ગદર્શનની વાત કરીએ... 
રેરા, ૨૦૧૬ કાયદો લાગુ થયો ત્યારથી ઘર ખરીદનારાઓ એના તરફ આશાભરી મીટ માંડીને બેઠા છે. એનું કારણ એ છે કે કાયદો પ્રમોટરો પાસે એના વાયદા પળાવે છે. પ્રમોટરો ખોટાં વચનો આપી શકતા નથી અને જે કોઈ વચન આપે એ પાળવાં જરૂરી બને છે, અન્યથા કાયદા હેઠળ તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પ્રમોટરો પાસેથી દંડ લેવામાં આવે છે અને નુકસાન-ભરપાઈ કરવાનું કહેવામાં આવે છે. 
રેરા કાયદો ઘરના ખરીદદારો અને બિલ્ડરો વચ્ચે થતા વાદવિવાદનો ઝડપી હલ લાવવા માટે ઉપયોગી થાય છે. આજ સુધી રેરા સત્તાવાળાઓએ ખરીદદારોનાં હિતનું રક્ષણ કરનારા અનેક મહત્ત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. એક સમયે બિલ્ડરો વિરુદ્ધની ફરિયાદોના હલ માટે કોઈ ચોક્કસ અદાલતી વ્યવસ્થા નહોતી. ફરિયાદીએ દાદ મેળવવા માટે આમથી તેમ ધક્કા ખાવા પડતા હતા. એટલું જ નહીં, ફરિયાદીને ન્યાય મેળવવામાં વર્ષોનાં વર્ષો લાગી જતાં અને ક્યારેક તો ફરિયાદીનું મૃત્યુ થવા સુધી નિકાલ આવતો નહીં. સુનાવણી માટે તારીખ મળે નહીં અને તારીખ મળે તો સામા પક્ષથી કોઈ હાજર નહીં રહેવાને કારણે નવી તારીખ પડે એવી સ્થિતિ હતી. 
આવી સ્થિતિમાં રેરા કાયદો સામાન્ય લોકો માટે આશીર્વાદ નીવડ્યો છે. હવે ફરિયાદ કરવાની પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે રેરા કાયદાની કડક જોગવાઈઓને લીધે લોકોએ ફરિયાદ કરવાનો વખત જ આવે નહીં એવું પણ બને છે. 
રેરા કાયદા હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ પક્ષકાર બે વખત કરતાં વધારે વખત સુનાવણી મોકૂફ રખાવી શકતા નથી. જો કોઈ અનિવાર્ય સંજોગો હોય તો સુનાવણી મોકૂફ રાખવામાં આવે છે. 
પક્ષકારના વકીલ બીજી અદાલતમાં વ્યસ્ત હોવાથી આવી શકતા નથી એવું બહાનું કાઢીને સુનાવણી મોકૂફ રાખી શકાતી નથી. જો વકીલ વ્યસ્ત હોય તો તેને માટે પૂરતું અને સંતોષકારક કારણ સત્તાવાળાઓને જણાવવું પડે છે. યોગ્ય ખુલાસો થયા પછી જ સુનાવણી મોકૂફ રાખવામાં આવે છે. 
ફરિયાદોમાં ઑનલાઇન મોટા દસ્તાવેજો અપલોડ કરવામાં તકલીફ થતી હતી. એક મેગાબાઇટ કરતાં વધુ મોટી ફાઇલ અપલોડ નહીં કરી શકાતી હોવાથી સામો પક્ષ એ બરોબર વાંચી શકતો નહોતો. આ સ્થિતિનો ગેરલાભ પણ ઘણા લોકોએ ઉપાડ્યો હતો અને હકીકતો છુપાવી રાખી હતી. હવે રેરાએ સ્પષ્ટપણે કહ્યું છે કે પક્ષકારોએ રેરા સત્તાવાળાઓ સમક્ષ ૨૦ પાનાં કરતાં વધુ લાંબો હોય એવો કન્વીનિયન્સ સેટ રજૂ કરવો, જેથી સત્તાવાળાઓ સુનાવણી પહેલાં એનો યોગ્ય રીતે અભ્યાસ કરી શકે. કેસનો હલ લાવવા માટે આવશ્યક તમામ દસ્તાવેજો અને અનુસૂચિઓ એ સેટમાં હોવાં જરૂરી છે એમ પણ સત્તાવાળાઓએ કહ્યું છે. ટૂંકમાં, પક્ષકારોએ હવે પોતાના કેસનો સાર સુપરત કરવો જરૂરી છે. આ બાબત જૂની કે નવી તમામ ફરિયાદોને લાગુ પડે છે. કન્વીનિયન્સ સેટને ક્રમવાર ગોઠવીને સુપરત કરવાની તાકીદ પણ કરવામાં આવી છે. 
ઉક્ત તમામ મુદ્દાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે રેરા આવવાથી સામાન્ય મનુષ્યને ન્યાય મેળવવામાં ઘણી રાહત થઈ છે. પોતાનાં નાણાં રિયલ એસ્ટેટ જગતમાં ફસાઈ નહીં જાય એવી ધરપત લોકોને મળી છે. આમ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું આકર્ષક બન્યું છે અને લોકોએ પોતાની જિંદગીભરની મૂડી ગુમાવવી પડે નહીં એવું વાતાવરણ સર્જાયું છે. હવે ઘરના ખરીદદારો નાણાં ફસાઈ જવાની ચિંતા રાખ્યા વગર રાતે આરામથી સૂઈ શકે છે. 

business news