શૅરબજારની સતત વધી રહેલી ઊંચાઈની નવાઈ તો લાગી શકે

02 September, 2024 07:15 AM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજાર સતત બાર સત્રથી તેજીની દિશામાં આગળ વધી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

શૅરબજાર સતત બાર સત્રથી તેજીની દિશામાં આગળ વધી રહ્યું છે. મજાની વાત એ છે કે આ વખતે બજારની વૃ​દ્ધિમાં વૉલેટિલિટી લગભગ ગાયબ છે, બલકે બજાર ધીમી ગતિએ નવી ઊંચાઈ તરફ જઈ રહ્યું છે. અલબત્ત, તેજી માટેનાં કારણો-પરિબળો પણ સાથે-સાથે ચાલતાં જાય છે. એમ છતાં સ્ટૉક્સના ભાવો સામે સવાલ થઈ શકે છે, રોકાણકારોને ચોક્કસ સવાલ થવા જરૂરી છે

શૅરબજારમાં તેજીની એકધારી આગેકૂચ માટે વિવિધ પરિબળો ભલે જવાબદાર હોય, પરંતુ નવાઈની વાત એ છે કે સંખ્યાબંધ સ્ટૉક્સના ભાવો એના સમય કરતાં બહુ વહેલા ઊંચા ચાલ્યા ગયા હોવાનું જણાય છે, જે ખરેખર તો લાંબે ગાળે ત્રણ કે ચાર વર્ષે પહોંચવા જોઈએ એ ભાવોના સ્તરે હાલ જ પહોંચી ગયા છે એ સમજવું જરૂરી છે. અર્થાત્ બજારની ભાષામાં કહીએ તો આ સ્ટૉક્સના ભાવ વધવાનાં કારણો બહુ વહેલાં ડિસ્કાઉન્ટ થઈ ગયાં છે. આ નિશાની તંદુરસ્ત ન ગણાય, બલકે જોખમી ગણાય. અલબત્ત, આ સ્ટૉક્સ સારો હોઈ શકે, તેમનાં સેક્ટર્સ વિકાસલક્ષી હશે, પરંતુ એમાં સમયની રૅશનાલિટી બેસતી નથી.

મગજ બાજુએ મૂકી ઊંચે જતું બજાર

તેજીના પ્રવાહ, મૂડ, ટ્રેન્ડ, આશાવાદને જોઈ એક પછી એક આવી રહેલા IPOના મામલે પણ કંઈક આવું જ લાગુ પડે છે. બાર કરોડ રૂપિયાના IPOને ૫૦૦૦ કરોડ રૂપિયાની આસપાસનો રિસ્પૉન્સ મળે, એ પણ ચીલાચાલુ કંપનીઓને, એ ક્યાંથી ગળે ઊતરે? આ બાબત એક પ્રકારનું પાગલપન કહેવાય, આને તેજીની સાચી કે સારી નિશાની ગણાય નહીં, બલકે આને લાંબા ગાળાના સંભવિત જોખમની નિશાની ગણી શકાય. ઇન શૉર્ટ, બજારે (અર્થાત્ લોકોએ) મગજ વાપરવાનું બંધ કરી દીધું હોય એવું લાગે છે, માત્ર ભાવો હજી વધશે એ આશા સાથે રોકાણ-પ્રવાહ આવ્યા કરે છે, આને ઓવર સપ્લાય ઑફ મની પણ કહી શકાય.   

ઘટી રહેલી વૉલેટિલિટી સારી નિશાની

વીતેલા સપ્તાહની માર્કેટની ગતિવિધિ પર નજર કરીએ તો ગયા સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ ફરી વાર અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદરના ઘટાડાના સંકેતને પરિણામે બુલિશ રહ્યું હતું, સેન્સેક્સે ૬૦૦ પૉઇન્ટ અને નિફ્ટીએ ૧૮૭ પૉઇન્ટનો જમ્પ લગાવ્યો હતો, નિફ્ટી ફરી વાર પચીસ હજારને પાર કરી ગયો હતો. અગાઉ નિફ્ટી પચીસ હજાર પાર કરીને તરત જ પાછો નીચે તરફ ચાલ્યો ગયો હતો. આ વખતે એને વધવા માટે અમેરિકન ફેડનું કારણ ફળ્યું હોવાનું જણાતું હતું. મંગળવારે પણ શરૂમાં માર્કેટે તેજીતરફી આગેકૂચ ચાલુ રાખ્યા બાદ બજાર બંધ થતી વખતે સાધારણ પ્લસ રહ્યું હતું. સ્મૉલ-મિડકૅપમાં સહજ વધુ સુધારો હતો. બુધવારે સુધારાનો સતત સાતમો દિવસ હતો, એ જ ધીમી રફતાર સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો આગળ વધ્યો હતો. અમેરિકન ફેડને કારણે IT સ્ટૉક્સમાં ધમાલ નોંધાઈ હતી. માર્કેટમાં વૉલેટિલિટી ઘટી રહી છે તેમ જ અમુક અંશે પ્રૉફિટ-બુકિંગ પણ થઈ રહ્યું હોવાનું નોંધાયું હતું.

ગ્રોથના સંકેત અને આશાવાદ

ગુરુવારે માર્કેટ વધુ સુધારા સાથે સેન્સેક્સને ૮૨ હજાર પાર લઈ ગયું હતું. આમ સેન્સેક્સ અને નિફ્ટીની નવી ઊંચાઈ નોંધાઈ હતી. બુધવારે સરકારે લીધેલા કેટલાક મોટા આર્થિક નિર્ણયોની અસર જોવાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સભાના સંકેત અને એક શૅરે એક બોનસની જાહેરાત બજારનો કરન્ટ વધુ મજબૂત કરશે એવું કહી શકાય. શુક્રવારે વો હી રફતાર સાથે માર્કેટે આગળ વધી સેન્સેક્સ (૮૨,૩૬૫) અને નિફ્ટી (૨૫,૨૩૫)ના નવાં હાઈ લેવલ બનાવ્યાં હતાં. કારણોમાં ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના ગ્રોથ (GDP)ની આગાહી અગાઉના ૬.૮ ટકા સામે સુધારીને ૭.૨ ટકા જેવી ઊંચી કરી હતી. આ માટે ગ્રામ્ય ડિમાન્ડની વૃ​દ્ધિ તેમ જ ઉત્પાદન અને સર્વિસ સેક્ટરના સુધારાને મુખ્ય પરિબળ ગણાવાયું હતું. બીજી બાજુ દેશના મધ્યમ ગાળાના ગ્રોથ આઉટલુકને ધ્યાનમાં રાખી ફિચ રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ બીબીબી ગ્રેડ જાળવવા સાથે એનું સ્ટેબલ આઉટલુક દર્શાવ્યું હતું. એણે પણ ૨૦૨૫માં ભારતનો વિકાસદર ૭.૨ ટકાએ મૂક્યો છે. જોકે એણે રાજકીય સમીકરણો અને ફિસ્કલ-રાજકોષીય મામલે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે કે સરકારે શુક્રવારે જાહેર કરેલા GDPના આંકડા મુજબ એ ૨૦૨૫ના પ્રથમ ક્વૉર્ટરમાં ૬.૭ ટકા રહ્યો જે છેલ્લા ૧૫ મહિનામાં સૌથી નીચો છે. રિઝર્વ બૅન્કે ૭.૧ ટકાના ગ્રોથની અપેક્ષા રાખી હતી. અલબત્ત, સરકાર ઊંચા ગ્રોથ માટે આશાવાદી છે.

અર્થતંત્રને વેગ આપતાં પગલાં

વીતેલા સપ્તાહમાં અર્થતંત્ર માટે મહત્ત્વની વાત એ હતી કે યુનિયન કૅબિનેટે વિવિધ દરખાસ્તોને લીલી ઝંડી આપી હતી, જેની ઇકૉનૉમી પર લાંબા ગાળાની સારી અસર પડશે. જેમ કે બાર ઇન્ડ​સ્ટ્રિયલ સિટીઝને મંજૂરી અપાઈ હતી, જેની પાછળ આશરે ૨૮ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ બાર પ્રોજેક્ટ્સ દસ રાજ્યોમાં સ્થપાશે. મોદી સરકારે છેલ્લા ૩ મહિનામાં બે લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં ત્રણ રેલવે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જેનો ખર્ચ અંદાજે ૬ હજાર કરોડ રૂપિયા ઉપરનો છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રને વેગ અને પ્રોત્સાહન આપવા ઍગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડને વિસ્તારવાની પણ જાહેરાત કરાઈ હતી. સરકાર આ તમામ પ્રોજેક્ટ્સ માર્ગે દેશમાં રોજગાર-સર્જન વધારવા ઉપરાંત ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં પણ આગળ વધી રહી છે. દરમ્યાન ડી બિયર્સ ગ્રુપે ભારતની તનિષ્ક સાથે મળી નૅચરલ ડાયમન્ડ માર્કેટ વિકસાવવાના કરાર કર્યા છે. વધુમાં સરકાર ઇથેનૉલ આધારિત ટૂ-વ્હીલર વિકસાવવાનું પ્લાનિંગ પણ કરી રહી છે. ગ્લોબલ કંપની ઍપલે પણ તાજેતરમાં ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી હતી, જેને પગલે પણ રોજગાર તક વધશે.

તેજીને સપોર્ટ કરતાં કારણ

શૅરબજારની તેજીને નવું કારણ કે બૂસ્ટ મળે એવી ઘટના ઑક્ટોબરમાં આકાર લેવાની છે, આ ઘટના અનુસાર ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ને સેટલમેન્ટના દિવસે નાણાં ઉપલબ્ધ થઈ જાય એવી માર્કેટ-યંત્રણા તૈયાર થઈ ગઈ હશે. આને કારણે FPI પાસે નાણાંની પ્રવાહિતા વધશે. સ્ટૉક્સ સ્પેસિફિક સાથે લાર્જકૅપ આધારિત માર્કેટને વેગ આપે એવી ઘટનામાં ગ્લોબલ ઇન્ડેક્સમાં સાત ભારતીય સ્ટૉક્સ ઉમેરાવાના છે, જેને પગલે ૫.૫ અબજ ડૉલરનું રોકાણ ભારતીય માર્કેટમાં આવવાની આશા છે. સ્થાનિક રોકાણ સંસ્થાઓ, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ અને ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)નો રોકાણ-પ્રવાહ તેજીને સપોર્ટ આપી રહ્યો છે. જોકે આગામી દિવસોમાં પ્રૉફિટ બુકિંગ સાથે કરેક્શન આવી શકે છે.

 
વિશેષ ટિપ
જ્યારે બધા જ લોકો કોઈ પણ ભાવે ખરીદવા બજારની અંદર આવતા જ જાય ત્યારે બહાર નીકળવાનો સમય પાકી ગયો છે એ સમજી જવામાં સાર છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange jayesh chitalia