નબળા વૈશ્વિક પરિબળોને લીધે શૅરબજારમાં ઘટાડો

17 September, 2020 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નબળા વૈશ્વિક પરિબળોને લીધે શૅરબજારમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારમાં બે દિવસની તેજીને થાક લાગ્યો હતો. નબળા વૈશ્વિક પરિબળોને લીધે સ્થાનિક શૅરબજારો એક ટકા જેટલા ઘટ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વે કહ્યું કે, તે વ્યાજ દર શૂન્ય નજીક રાખશે, તેમ છતાં વૈશ્વિક શૅરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 323 પોઈન્ટ્સ (0.82 ટકા) ઘટીને 38,979.85ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 88 પોઈન્ટ્સ (0.76 ટકા) ઘટીને 11,516.10 બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ બે ટકા વધીને 20ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સની 30માંથી 26 કંપનીઓના શૅર્સ ઘટ્યા હતા. બજાજ ફિનસર્વનો શૅર સૌથી વધુ ઘટ્યો હતો, જ્યારે એચસીએલ ટેકનો શૅર સૌથી અધિક વધ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.24 ટકા વધીને 15,009ના સ્તરે અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.53 ટકા ઘટીને 15,350ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 1.09 ટકા, ઓટો 0.18 ટકા, ફાઈ. સર્વિસ 1.16 ટકા, એફએમસીજી 0.65 ટકા, મેટલ 1.37 ટકા, પીએસયુ બૅન્ક 1.23 ટકા, પ્રાઈવેટ બૅન્ક 1.02 ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સ 1.68 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી ફાર્મા 0.39 ટકા, મીડિયા 0.38 ટકા અને આઈટી સૂચકાંક 0.16 ટકા વધ્યો હતો.

આજે સત્ર દરમિયાન 148 શૅર્સ બાવન અઠવાડિયાની ઉપલી સપાટીને સ્પર્શયા હતા, જેમાં ઈન્ફોસિસ, ઈપકા લેબ્સ, એમ્ફેસિસ, માઈન્ડટ્રી, એસઆરએફ વગેરે કંપનીઓનો સમાવેશ હતો.

એચસીએલનો શૅર સત્ર દરમિયાન ચાર ટકા વધવાની સાથે દેશની ટોચની 10 મૂલ્યવાન કંપનીઓમાં તેનો સમાવેશ થયો છે.

sensex nifty