નબળા વૈશ્વિક પરિબળોને લીધે સેન્સેક્સ 812 પોઈન્ટ્સ તૂટ્યો

21 September, 2020 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નબળા વૈશ્વિક પરિબળોને લીધે સેન્સેક્સ 812 પોઈન્ટ્સ તૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

જે દેશોમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવ્યો હતો ત્યાં પરિસ્થિતિ બેકાબૂ થતી દેખાતા વૈશ્વિક ધોરણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયું હતું, જેથી નબળા વૈશ્વિક પરિબળોને લીધે સતત ત્રીજા સત્રમાં સ્થાનિક શૅરબજારો ઘટ્યા હતા. વૈશ્વિક શૅરબજારોમાં પણ વેચવાલી જોવા મળી હતી.

સેન્સેક્સ 811.68 પોઈન્ટ્સ (2.09 ટકા) ઘટીને 38,034 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 282.75 પોઈન્ટ્સ (2.46) ટકા ઘટીને 11,222.20 બંધ રહ્યો હતો. આજે રોકાણકારોએ રૂ.4.58 લાખ કરોડ ગુમાવ્યા હતા. વોલોટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 13 ટકા વધીને 22.65ના સ્તરે બંધ રહ્યો હતો.

ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટીમાં દરેક ઈન્ડેક્સ ઘટ્યા હતા, જેમાં રિયલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો હતો. નોંધપાત્ર ઘટાડો છતાં બીએસઈમાં 140 શૅર્સ બાવન અઠવાડિયાની ઉપલી સપાટીને સ્પર્શયા હતા, જેમાં ડૉ.રેડ્ડીઝ, એમએન્ડએમ, માઈન્ડટ્રી, લૌરસ લેબ્સ અને કેપીઆઈટી ટેકનો સમાવેશ છે.

યુરોપમાં કોરોનાનો કહેર ટૂંક સમયમાં નાબૂદ થશે એવી આશા હતી પરંતુ ત્યાં કોવિડ-19 કેસમાં વધારો થઈ રહ્યો છે. ડેન્માર્ક, ગ્રીસ અને સ્પેનમાં નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. બ્રિટન પણ ફરી લોકડાઉન કરવાની વિચારણા કરી રહ્યું છે. આ પરિબળોને લીધે યુરોપના શૅર્સમાં ઘટાડો નોંધાયો હતો.

વ્યાપક બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 516 પોઈન્ટ્સ અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 3.6 ટકા ઘટ્યો હતો.

sensex nifty