દેશમાં ચાલુ વર્ષે ઘઉંની નિકાસ ૫૦ ટકા વધવાનો અંદાજ

15 January, 2021 02:43 PM IST  |  Mumbai | Mumbai correspondent

દેશમાં ચાલુ વર્ષે ઘઉંની નિકાસ ૫૦ ટકા વધવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી ચાલુ સીઝન વર્ષમાં ઘઉંની નિકાસ અગાઉની તુલનાએ ૫૦ ટકા વધવાનો અંદાજ અમેરિકાની ફૉરેન ઍગ્રિકલ્ચર સર્વિસ દ્વારા મુકાયો હતો. યુએસડીએ (યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચર) જાન્યુઆરી મહિનાના મન્થ્લી રિપોર્ટ પ્રમાણે ભારતમાંથી ૨૦૨૦-’૨૧માં ઘઉંની કુલ ૧૫ લાખ ટનની નિકાસ થવાનો અંદાજ છે, જે ડિસેમ્બર મહિનાના અહેવાલમાં ૧૦ લાખ ટનનો અંદાજ મૂક્યો હતો.
વૈશ્વિક ઘઉંમાં તેજી અને ભારતીય બજારમાં ઘઉંના ભાવ સરેરાશ બીજા દેશોની તુલનાએ નીચા હોવાથી ભારતની નિકાસ વધી રહી છે. ભારતમાંથી એપ્રિલથી નવેમ્બર સુધીમાં કુલ ૭.૫૦ લાખ ટન ઘઉંની નિકાસ થઈ ચૂકી છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં પણ સારા નિકાસ વેપાર થયા હોવાનો અંદાજ છે. નવી સીઝનમાં ભારતમાં ઘઉંનું ઉત્પાદન પણ વિક્રમી થવાનો અંદાજ છે.
યુએસડીએના અહેવાલ પ્રમાણે ભારતમાં ઘઉંનું ઉત્પાદન ૧૦૭૫.૯ લાખ ટન થવાનો અંદાજ છે. જોકે ભારત સરકારનો સત્તાવાર અંદાજ હજી આવવાનો બાકી છે, જે સંભવિત જાન્યુઆરી અંત કે ફેબ્રુઆરી સુધીમાં આવી જાય એવી સંભાવના છે.
વૈશ્વિક બજારમાં ઘઉંમાં તેજીને પગલે ઘરઆંગણે પણ ભાવ તાજેતરમાં પ્રતિ ક્વિન્ટલ ૨૫૦થી ૩૦૦ રૂપિયાની તેજી આવી ગઈ છે, પંરતુ હવે આગળ ઉપર બહુ ભાવ વધે એવી સંભાવના ઓછી છે.

business news