૬ મહિના સુધી સતત ઘટાડા બાદ સપ્ટેમ્બરમાં દેશની નિકાસમાં ૫.૨૭ ટકાનો વધારો

03 October, 2020 12:17 PM IST  |  Mumbai | Mumbai correspondent

૬ મહિના સુધી સતત ઘટાડા બાદ સપ્ટેમ્બરમાં દેશની નિકાસમાં ૫.૨૭ ટકાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

૬ મહિના સુધી સતત ઘટાડા પછી દેશની નિકાસ સપ્ટેમ્બરમાં વધી હોવાના આંકડા આજે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. દેશમાં મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ ૧૦ વર્ષમાં સૌથી ઊંચો, સપ્ટેમ્બરમાં વાહનોનું વધેલું વેચાણ અને જીએસટીની આવકમાં ઑગસ્ટ સામે થયેલા વધારા પછી આયાત-નિકાસના આંકડા પણ દર્શાવી રહ્યા છે કે લૉકડાઉન પછી ઠપ થઈ ગયેલું દેશની અર્થતંત્ર ફરી પાટા પર ચડી રહ્યું છે.
સપ્ટેમ્બરમાં દેશની નિકાસ ગયા વર્ષ કરતાં ૫.૨૭ ટકા વધી ૨૭.૪ અબજ ડૉલર નોંધાઈ છે, જ્યારે આયાત ૧૯.૬ ટકા ઘટી ૩૦.૩૧ ડૉલર નોંધાઈ છે. આ સાથે વ્યાપાર-ખાધ ૨.૯૧ અબજ ડૉલર નોંધાઈ છે જે ગયા વર્ષે ૧૧.૬૭ અબજ ડૉલર રહી હતી. જોકે એપ્રિલથી સપ્ટેમ્બરના ૬ મહિનાના ગાળામાં દેશની નિકાસ ૨૧.૪૩ ટકા ઘટી ૧૨૫.૦૬ અબજ ડૉલર રહી છે અને આયાત ૪૦.૦૬ ટકા ઘટી ૧૪૮.૬૯ અબજ ડૉલર રહી છે. દેશમાં ક્રૂડ ઑઇલની આયાત સપ્ટેમ્બરમાં ૩૫.૯૨ ટકા ઘટી ૫.૮૨ અબજ ડૉલર રહી છે, જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે એ ૫૧.૧૪ ટકા ઘટી ૩૧.૮૫ અબજ ડૉલર રહી છે.
ક્રૂડ ઑઇલ સિવાયની આયાતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં એની આયાત ૧૪.૪૧ ટકા ઘટી ૨૪.૪૮ અબજ ડૉલર રહી છે, જ્યારે નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં એ ૩૬.૧૨ ટકા ઘટી ૧૧૬.૮૩ અબજ ડૉલર રહી છે. સપ્ટેમ્બર મહિનામાં દેશની સોનાની આયાત ૫૨.૮૫ ટકા ઘટી છે.
સપ્ટેમ્બર મહિનામાં જે ચીજોની નિકાસમાં ગયા વર્ષ કરતાં વૃદ્ધિ જોવા મળી છે એમાં આયર્ન ઓર, ચોખા, ખોળ, કાર્પેટ, ફાર્મા, કૉટન યાર્ન, ટબૅકો, મરી-મસાલા, પેટ્રોલિયમ પ્રોડક્ટ અને કૉફી જેવી ચીજોનો સમાવેશ છે. જે ચીજોની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે એમાં કાજુ, જેમ્સ ઍન્ડ જ્વેલરી, મેન મેડ ફાઇબર, કોલ, મરીન પ્રોડક્ટ, ચામડાની બનાવટો, ચા અને ફળોનો સમાવેશ છે. 

business news