દેશમાં ખાદ્ય તેલની આયાત એપ્રિલમાં આગલા મહિના કરતાં ૧૪ ટકા ઘટી

14 May, 2022 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એપ્રિલમાં ક્રૂડ પામતેલની ૪૬ ટકા વધી અને રિફાઇન્ડની ૪૧ ટકા ઘટી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ખાદ્ય તેલની આયાતમાં એપ્રિલ મહિનામાં આગલા માસની તુલનાએ ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને સનફ્લાવર તેલની આયાત ૭૪ ટકા ઘટતાં અને રિફાઈન્ડ પામોલિનની આયાત ૪૧ ટકા ઘટી છે. જોકે ક્રૂડ પામતેલની આયાત ડ્યૂટી ઘટી હોવાથી તેની આયાત ૪૬ ટકા વધી છે.
સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે દેશમાં ખાદ્ય તેલની કુલ આયાત એપ્રિલ મહિનામાં નવ લાખ ટનની થઈ છે જે અગાઉના મહિના દરમ્યાન ૧૦.૫૨ લાખ ટનની થઈ હતી. આમ આયાતમાં ૧૪ ટકાનો ઘટાડો થયો હતો. એપ્રિલ ૨૦૨૧માં ૧૦.૫૩ લાખ ટનની થઈ હતી, જેની તુલનાએ પણ ૧૪ ટકા જેવી આયાત ઘટી છે.
સનફ્લાવર તેલની આયાત યુક્રેનથી અટકી હોવાથી ૭૪ ટકાનો ઘટાડો થઈને માત્ર ૫૪ હજાર ટનની જ  આયાત થઈ છે.
દેશમાં ચાલુ સીઝન વર્ષમાં નવેમ્બર ૨૦૨૧થી એપ્રિલ ૨૦૨૨ દરમ્યાન કુલ ખાદ્ય તેલની આયાત ચાર ટકા વધીને ૬૫.૪૩ લાખ ટનની આયાત થઈ છે.
પોર્ટ પર સ્ટૉકની સ્થિતિ
પહેલી મેનાં રોજ પોર્ટ પર સ્ટૉકની સ્થિતિ જોઈએ તો ૪.૧૬ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે, જેમાં ક્રૂડ પામતેલનો ૧.૧૫ લાખ ટન, રિફાઈન્ડ પામોલિનનો ૧.૨૦ લાખ ટન, સોયાતેલનો ૧.૦૧ લાખ ટન અને સનફ્લાવરનો ૮૦ હજાર ટનનો સ્ટૉક પડ્યો છે અને ૧૮.૨૦ લાખ ટનનો સ્ટૉક પાઇપલાઇનમાં પડ્યો છે. આમ કુલ ૨૨.૩૬ લાખ ટનનો સ્ટૉક છે. પહેલી એપ્રિલના રોજ ૧૮.૯૦ લાખ ટનનો સ્ટૉક પડ્યો હતો.

business news