માગને વેગ આપવા કલ્યાણ યોજનાઓના ખર્ચમાં વૃદ્ધિ કરવી જ પડશે: ઇકૉનૉમિસ્ટ

28 January, 2021 11:24 AM IST  |  Mumbai | Mumbai correspondent

માગને વેગ આપવા કલ્યાણ યોજનાઓના ખર્ચમાં વૃદ્ધિ કરવી જ પડશે: ઇકૉનૉમિસ્ટ

તસવીર સૌજન્ય જાગરણ

દેશનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના આગામી બજેટ વિશે કહ્યું છે કે છેલ્લાં ૧૦૦ વર્ષમાં ન જોયું હોય તેવું અનોખું બજેટ બની રહેશે. સરકાર સામે ૧૯૫૨ પછીના માગમાં થયેલા સૌથી મોટા ઘટાડાનો પડકાર છે એટલું જ નહીં કરની ઘટેલી આવક સામે નાણાકીય ખાધ અંકુશમાં રાખવાની છે ત્યારે બજેટ કેવું હોવું જોઈશે એ વિશે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ શું કહે છે એ જોઈએ.
કોરોના વાઇરસે માગને મોટો ફટકો માર્યો છે અને એટલે બજેટનું લક્ષ્ય માગ વધારવા પર કેન્દ્રિત હોઈ શકે છે, એમ બૅન્ક ઑફ અમેરિકાના અર્થશાસ્ત્રી ઈન્દ્રનીલ સેનગુપ્તાએ કહ્યું હતું. તેમણે એક આંતરિક સર્વેક્ષણને ટાંકીને કહ્યું કે સર્વેક્ષણમાં ભાગ લેનારાઓમાંથી ૧૯ ટકા સહભાગીઓએ મહામારી દરમ્યાન નોકરી ગુમાવી હતી. ફ્યુઅલ્સ પરના વેરામાં ઘટાડા મારફત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ વધારીને માગને વધારી શકાય, એમ તેમણે કહ્યું હતું.
એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલાં આર્થિક પગલાંનો ખર્ચ જીડીપીના બે ટકા છે અને અન્ય ઊભરતી બજારોમાં સીધા ખર્ચની આ સરેરાશ ત્રણ ટકા છે.
નિષ્ણાતો માને છે કે વેરામાં ઘટાડો, મૂડીખર્ચમાં વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પરના ખર્ચમાં વધારો કરવો જોઈએ, જેથી નીચી આવકવાળા વર્ગના હાથમાં નાણાં આવતાં માલ અને સર્વિસિસની માગને વેગ મળે.
ડિસેમ્બર, ૨૦૨૦માં અર્થતંત્રમાં બેરોજગારીનું પ્રમાણ ૬૫ ટકાથી અધિક હતું એ દર્શાવે છે કે ખાનગી મૂડીખર્ચ નહીંવત રહ્યો હતો અને મૂડીરોકાણને પુનઃ વેગવાન બનાવવા સરકારે ખર્ચમાં વધારો કરવો જોઈએ, જેથી આર્થિક વિકાસના દરમાં થયેલો સુધારો ટકાઉ બની રહે. બૅન્ગલોરસ્થિત સોસાયટી જનરલ જીએસસી પ્રા. લિ.ના અર્થશાસ્ત્રી કુણાલ કંદુએ કહ્યું છે કે રોજગાર સર્જન માટે જાહેર ખર્ચ વધારવો એ આવશ્યક શરત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો અને રોજગાર સર્જનને સીધો સંબંધ છે.
બ્લુમબર્ગના અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તા કહે છે કે રિકવરી ચાલુ રહેવાની અને આગામી બજેટમાં જાહેર થનારી અતિરિક્ત રાહતોને પગલે તેમાં મોટો વધારો થવાની અપેક્ષા અમે રાખીએ છીએ. સરકારની રસીકરણની ઝુંબેશ પણ વપરાશી માગ અને વેપારના સેન્ટિમેન્ટમાં સુધારો કરશે.
સરકાર માટે ખર્ચમાં વૃદ્ધિ કરવી એ મોટો પડકાર હશે, કારણ કે મહામારી પૂર્વે સરકારે નાણાકીય ખાધ જીડીપીના ત્રણ ટકા સુધી સીમિત રાખવાનું નક્કી કર્યું હતું. બ્લુમબર્ગે અર્થશાસ્ત્રીઓના કરેલા સર્વેમાં જણાવાયું છે કે વર્તમાન નાણાકીય વર્ષના અંતે નાણાકીય ખાધ જીડીપીના આશરે આઠ ટકા રહેશે.

business news