જીએસટી તંત્ર હેઠળ આઇટીસી બાબતની વ્યવસ્થા ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસની નીતિને અનુરૂપ નથી

25 November, 2022 03:07 PM IST  |  Mumbai | Shrikant Vaishnav

આપણા દેશમાં જીએસટી તંત્ર શરૂ થયાંને પાંચ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી કરદાતાઓને તથા જીએસટીની પ્રૅક્ટિસ કરનારા પ્રોફેશનલ્સને કેટલાક પ્રશ્નો નડે છે. આજે આપણે એના વિશે વિગતે વાત કરવાના છીએ.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કોઈ પણ સિસ્ટમમાં ક્યારેક સમસ્યાઓ સર્જાતી હોય છે અને એનું નિરાકરણ લાવવું અગત્યનું હોય છે. આપણા દેશમાં જીએસટી તંત્ર શરૂ થયાંને પાંચ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી કરદાતાઓને તથા જીએસટીની પ્રૅક્ટિસ કરનારા પ્રોફેશનલ્સને કેટલાક પ્રશ્નો નડે છે. આજે આપણે એના વિશે વિગતે વાત કરવાના છીએ.

રજિસ્ટર્ડ કરદાતાઓને નડતા પ્રશ્નો

૧. જીએસટી હેઠળ સુધારિત રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી

જીએસટી કાયદાએ જીએસટીનું સુધારિત રિટર્ન ફાઇલ કરવાની સુવિધા પૂરી પાડી નથી. આમ, જો કોઈ રજિસ્ટર્ડ કરદાતા જીએસટી રિટર્ન ભરતી વખતે સેલ્સની કે ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી)ની વિગતો ભૂલથી ખોટી લખી નાખે તો એને સુધારી લેવાનો મોકો મળતો નથી. વાસ્તવમાં, જો કોઈ ત્રુટિ કે ભૂલ થઈ હોય તો એને સુધારવાની તક દરેકને મળતી હોય છે. ૨૦૧૭ની ૨૯ ડિસેમ્બરે બહાર પડાયેલા પરિપત્રક ક્રમાંક ૨૬/૨૦૧૭ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જીએસટી રિટર્નમાં થયેલી ભૂલને પછીના રિટર્નમાં સુધારી શકાય છે. જોકે પછીના રિટર્નમાં અગાઉની વિગતો કદાચ ન પણ હોય. આથી પરિપત્રકમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે એક છોડીને બીજા વર્ષના રિટર્નમાં સુધારો કરી શકાય છે. વાસ્તવમાં આવા ફેરફાર કરવા માટે જૂની ભૂલને યાદ રાખવી પડે છે. એક વર્ષ છોડીને પછીના વર્ષમાં સુધારો કરવાની આ સુવિધા રજિસ્ટર્ડ કરદાતાને ઉપયોગી થતી નથી. આથી મારું અંગત મંતવ્ય છે કે સરકારે રિટર્નમાં તરત સુધારો કરવાની તક આપવી જોઈએ. 

૨. આઇટીસીનો તાળો નહીં મળવાનો પ્રશ્ન

જીએસટીનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે સપ્લાયરે જીએસટી રિટર્ન ફાઇલ કર્યા બાદ જ અને સપ્લાયરે ભરેલી ઇનવૉઇસની વિગતો પ્રાપ્તકર્તાના જીએસટીઆર ૨એ/૨બી ફૉર્મમાં દેખાતી હોય તો જ આઇટીસી મેળવી શકાય છે. અહીં જણાવવું રહ્યું કે જો સપ્લાયરે પોતાનું જીએસટી રિટર્ન ફાઇલ કર્યું ન હોય તો તેમને આઇટીસીનો લાભ આપવા માટેની વ્યવસ્થા સરકારે કરી નથી.

કોઈ પણ બિઝનેસ એન્ટિટીનું કામ બિઝનેસ કરીને લાગુ પડતો કરવેરો ચૂકવવાનું હોય છે. જીએસટી કાયદા હેઠળ બિઝનેસ એન્ટિટીઝ પર એ વધારાની જવાબદારી નાખવામાં આવી છે કે તેઓ સપ્લાયરે જીએસટી રિટર્ન ભર્યું છે કે નહીં એના પર પણ ધ્યાન આપે. સરકાર જો ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસની નીતિમાં માનતી હોય તો કહી દેવું ઘટે કે આઇટીસી બાબતની વ્યવસ્થા ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને અનુરૂપ નથી. આમ, મારું અંગત મંતવ્ય છે કે પ્રાપ્તકર્તાને આપવાના લાભનો આધાર સપ્લાયરે કરેલા નિયમપાલન પર ન હોવો જોઈએ. પ્રાપ્તકર્તાએ પોતે નિયમનું પાલન કર્યું હોય તો તેમને સંબંધિત લાભ લેવાનો અધિકાર આપવો જોઈએ. 

૩. વિલંબિત ચુકવણી પરનું વ્યાજ

જીએસટીની ચુકવણીમાં વિલંબ થાય અને આઇટીસી ખોટી રીતે પ્રાપ્ત થઈને વપરાઈ ગઈ હોય એ બે સ્થિતિમાં અનુક્રમે ૧૮ ટકા અને ૨૪ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. આટલો વ્યાજદર ઘણો વધારે કહેવાય. નાણાંની સગવડ ન થઈ શકતી હોય અથવા તો આર્થિક સંકડામણ હોય એવા રજિસ્ટર્ડ કરદાતા ખોટી રીતે પ્રાપ્ત થયેલી આઇટીસીને રિવર્સ કરાવવાની અથવા તો સમયસર ટૅક્સ ભરવાની સ્થિતિમાં ન હોય તો આટલા ઊંચા દરે વ્યાજ ચૂકવવાનું આકરું પડી શકે છે. આથી મારું અંગત માનવું છે કે સરકારે વિલંબિત ચુકવણી પરના વ્યાજદરમાં મોટો ઘટાડો કરવો જોઈએ. બૅન્ક પાસેથી લેવાતી લોન પર પણ આટલો વ્યાજ લેવાતો નથી એ નોંધવું ઘટે. વળી, જીએસટીમાં મળતા રિફંડ પરનો વ્યાજદર ફક્ત ૬ ટકા છે. 

૪. ઈ-ઇન્વૉઇસ અને ઈ-વે બિલ જનરેટ કરવામાં કામ બેવડાય છે

દસ કરોડ રૂપિયા કરતાં વધુનું કુલ ટર્નઓવર ધરાવતા તમામ રજિસ્ટર્ડ કરદાતાઓ માટે ઈ-ઇન્વૉઇસિંગ લાગુ કરવામાં આવ્યું છે. ઈ-ઇન્વૉઇસ ઈ-વે બિલમાં લગભગ સરખી વિગતો હોય છે. જોકે જીએસટી કાયદા હેઠળ આ બન્ને દસ્તાવેજો બનાવવા પડે છે. એને લીધે કામ બેવડાય છે. એક વખત કહેવામાં આવ્યું હતું કે ઈ-ઇન્વૉઇસનો અમલ થયા બાદ અલગ ઈ-વે બિલની જરૂર નહીં રહે, પરંતુ આજ સુધી એ પગલું ભરવામાં આવ્યું હતું. કરદાતાઓ અને ટ્રાન્સપોર્ટરોએ બન્ને દસ્તાવેજ બનાવવા પડે છે. 

આ બાબતે મારો અભિપ્રાય છે કે જ્યાં ઈ-ઇન્વૉઇસ ફરજિયાત હોય ત્યાં ઈ-વે બિલની જોગવાઈ હળવી કરવામાં આવવી જોઈએ.

આ વિષયે હજી કેટલાક મુદ્દાની ચર્ચા કરવાની છે, જે આવતા વખતે ચાલુ રાખીશું.

business news goods and services tax