ગ્લોબલ પ્રવાહિતાના તાલે ભારતીય શૅરબજારમાં તેજીની છે બોલબાલા

31 August, 2020 11:43 AM IST  |  Mumbai | Jayesh Chitalia

ગ્લોબલ પ્રવાહિતાના તાલે ભારતીય શૅરબજારમાં તેજીની છે બોલબાલા

બીએસઈ

અર્થતંત્રની અનેક મુશ્કેલી કે કઠણાઈ વચ્ચે ભારતીય શૅરબજાર સતત વધતું રહ્યું છે તેના વિવિધ કારણ છે, પરંતુ પાયાનું કારણ ગ્લોબલ ઇન્વેસ્ટરો અને તેમની પાસેની ઊંચી પ્રવાહિતા છે. સેન્સેક્સ ૪૦૦૦૦ અને નિફ્ટી ૧૨૦૦૦ તરફ ગતિ કરી રહ્યા છે. જોકે આ નેટ બાયર્સ નેટ સેલર્સ ક્યારે બનશે એ કહી શકાય નહીં, તેથી રોકાણકારોએ ખરીદવામાં અને નફો બુક કરવામાં હોંશિયારી રાખવામાં સાર છે.

ગયા સપ્તાહની શરૂઆત પણ પૉઝિટિવ થઈ હતી. કરેક્શનની ધારણા તોડીને બજાર વધતું ચાલ્યું હતું. ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ તેમ જ ગ્લોબલ સંકેતની અસર રૂપે માર્કેટ વધ્યું હતું. સેન્સેક્સ ૩૬૪ પૉઇન્ટના સુધારા સાથે ૩૮૭૯૯ અને નિફટી ૯૫ પૉઇન્ટ ઉછળીને ૧૧૪૬૬ની છ મહિનાની નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા. સ્મૉલ અને મિડ કૅપમાં પણ તેજીનો ટ્રૅન્ડ ચાલુ રહ્યો હતો. મંગળવારનો આરંભ સાધારણ પૉઝિટિવ જ થયો હતો, જોકે ત્યારબાદ સત્ર દરમ્યાન સામાન્ય  વધઘટ સાથે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ ૪૪ પૉઇન્ટ અને નિફ્ટી માત્ર છ પૉઇન્ટ પ્લસ રહ્યા હતા. લાર્જ કૅપ શૅરો ઘટ્યા હતા, જ્યારે સ્મૉલ અને મિડ કૅપ શૅરો સુધર્યા હતા. યુએસ અને ચીન વચ્ચેની વાટાઘાટ અંગે નબળાં સંકેતને લીધે બજારમાં નિરાશા હતી. આમ પણ સતત વધારો બજાર પચાવી શકે એમ નહીં હોવાથી કંઈક અંશે નફો ઘર કરાયો હોવાનું પણ બન્યું હતું.

સેન્સેક્સ ૩૯૦૦૦ને પાર

બુધવારે માર્કેટની શરૂઆત ઠંડી થઈ હતી. સત્ર દરમ્યાન સાધારણ વધઘટ ચાલતી રહી, કિંતુ અંતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જોરે સેન્સેક્સ ૨૩૦ પૉઇન્ટ પ્લસ સાથે ૩૯૦૦૦ને પાર કરી ગયો હતો અને નિફ્ટી ૭૭ પૉઇન્ટ પ્લસ સાથે ૧૧૫૦૦ને પાર કરી ગયો હતો. સ્મૉલ કૅપ તેમ જ મિડ કૅપની રૅલી પણ ચાલુ રહી હતી. બજારના સુધારાનું મુખ્ય કારણ યુરોપ અને  યુએસના સકારાત્મક સંકેત હતું, જ્યાં વધુ પૅકેજ આપવાની ચર્ચા છે. પ્રવાહિતાના જોરે ચાલી રહેલા બજારને દોડવા માટે ઢાળ મળી રહ્યો હોવાનું પ્રતિત થાય છે.

ઇન્ડેકસ નવી ઊંચાઈ તરફ

ગુરુવારે બજારની શરૂઆત સાથે સુધારો આગળ વધ્યો હતો. આ દિવસે રિઅલ્ટી સ્ટૉકસ જોરમાં હતા. સ્ટેમ્પ ડયુટીના ઘટાડાની જાહેરાતને પગલે આ સુધારો હતો. સરકાર કોવિડને ધ્યાનમાં રાખી વધુ સુધારા કરશે એવી આશા પણ વધી રહી છે. આ દિવસે મોટેપાયે પ્રોફિટ બુકિંગ થવાનું કારણ પણ હતું. તેમ છતાં અંતમાં બજાર સાધારણ વધારા સાથે બંધ રહ્યું હતું, પરંતુ શુક્રવારે બજારને નવું જોર પ્રાપ્ત થયું હોય તેમ શરૂઆત જ ઉછાળાથી કરી, જાણે સેન્સેક્સે હવે ૪૦૦૦૦ તરફ જવાની યાત્રા શરૂ કરી હતી અને સપ્ટેમ્બરના આરંભમાં ત્યાં પહોંચી જવાનો હોય એવો માહોલ બની ગયો હતો. નિફટી ૧૨૦૦૦ તરફ જવા ઉપડયો હતો. સરકાર અનલૉકના ચોથા તબક્કામાં વધુ છૂટછાટ જાહેર કરે તેવી શક્યતાના સંકેત બહાર આવતા આ ઉછાળો આવ્યો હોવાની ચર્ચા હતી. ટ્રેનો, મોલ્સ, થિયેટર્સ વગેરે કાર્યરત કરવાની સંભાવના છે. આ બધી છૂટછાટ આર્થિક ગતિવિધિને વેગ આપશે એવી  આશા ચોકકસ રાખી શકાય. બૅન્ક સ્ટૉકસના સુધારાનો મોટો ફાળો રહ્યો હતો. સેન્સેક્સ ૩૫૩ પૉઇન્ટ વધીને ૩૯૪૬૭ પૉઇન્ટ અને નિફટી ૮૮ પૉઇન્ટ પ્લસ સાથે ૧૧૬૪૭ બંધ રહ્યા હતા. સ્મૉલ કૅપ તેમ જ મિડ કૅપમાં સુધારાએ ગતિ જાળવી રાખી હતી.

ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારત ટોચે

છેલ્લા એક વર્ષમાં અને છેલ્લા ક્વૉર્ટરમાં પણ વિદેશી રોકાણનો પ્રવાહ ભારતીય માર્કેટમાં સૌથી ઊંચો રહ્યો હોવાનું નોંધાયું છે. ઇમર્જિંગ માર્કેટ્સ યાદીમાં ભારતમાં આવેલો રોકાણપ્રવાહ સૌથી ઊંચો રહ્યો છે.  વિતેલા ક્વૉર્ટરમાં ફોરેન ઇન્વેસ્ટરોનું રોકાણ એક અબજ ડૉલર પહોંચી ગયું હતું. આ બાબત ભારતીય અર્થતંત્રની રિકવરીમાં રહેલી વિદેશી રોકાણકારોની આશા અને વિશ્વાસ ગણાય છે. અલબત્ત, તેમના દેશોની પ્રવાહિતાની સરળ સ્થિતિ પણ કારણભૂત કહી શકાય. ક્યાંક ભારતીય સ્ટૉકસ મોંઘા થયા હોવાનો મત વ્યક્ત થાય છે તો ક્યાંક આ મોંઘા ભાવે પણ ફોરેન બાયર્સ સતત ખરીદી કરતા રહ્યા છે. જોકે ભારતીય નાના-સામાન્ય ઇન્વેસ્ટરોએ આમાંથી કેટલીક શીખ લેવાની જરૂર છે. આ મોટા રોકાણકારો વેચાણ કરશે ત્યારે પણ આવી જ રીતે મોટેપાયે અને સતત કરશે એવું બની શકે છે. તેમની હોલ્ડિંગક્ષમતા પણ મજબૂત અને લાંબા ગાળાની હોય છે, જેથી નાના રોકાણકારોએ પોતે ઊંચા ભાવે ખરીદતી વખતે પોતાની હોલ્ડિંગક્ષમતા ધ્યાનમાં રાખવી.

ભારતીય અર્થતંત્રની વિશેષતા

ઇમર્જિંગ માર્કેટસમાં ભારતીય માર્કેટથી વધુ આકર્ષક માર્કેટ હાલ કોઈ નજરે પડતું નથી એવું નિષ્ણાતો માને છે, જેના પુરાવા રૂપે ૨૦૦૭થી વિવિધ વિદેશી બજારોના લેવલનો અભ્યાસ કરાયો છે. આમાંથી કેટલાંક માર્કેટ ઑલ ટાઈમ નીચેના લેવલે છે, જ્યારે રશિયા, બ્રાઝિલ અને ભારત સિવાય કોઈ માર્કેટ ઝડપથી રિકવરી પામ્યાં નથી, આ ત્રણમાં પણ ભારત સૌથી મોટું અર્થતંત્ર છે. વધુમાં રશિયા અને બ્રાઝિલ ભારત જેવું ડાઇવર્સિફાઇડ ઇકૉનૉમી નથી, પરિણામે ભારતીય માર્કેટને વિદેશી રોકાણનો પ્રવાહ વધુ મળી રહ્યો છે અને મળશે એવો આશાવાદ પણ છે. આ વખતે ભારતમાં ચોમાસું પણ સારું રહ્યું છે અને ગ્રામ્ય ક્ષેત્રે આર્થિક પ્રવૃત્તિ પણ વેગ પકડી રહી છે. 

ઑગસ્ટની એફઆઇઆઇની કમાલ

ભારતીય સ્ટૉક માર્કેટની વર્તમાન તેજીનો મોટો આધાર પ્રવાહિતા છે અને તે પણ મુખ્યત્ત્વે વિદેશી રોકાણકારોની. યુએસ સહિત અનેકવિધ દેશોએ કોરોનાના આ  સમયમાં જંગી રાહત-પ્રોત્સાહન પૅકેજ જાહેર કર્યા હોવાથી જે-તે દેશોમાં પ્રવાહિતાનું જોર અને જોમ વધ્યું છે, જેને કારણે ભારતીય સ્ટૉકસમાં સતત ખરીદી વધી છે. હાલમાં એક મહિનામાં એફઆઇઆઇના પસંદગીના સ્ટૉકસમાં ૯૦ ટકા જેટલી ભાવવૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા ૧૧૮ મહિનામાં એટલે કે ૨૦૧૦ના ઑકટોબર બાદથી આ ઑગસ્ટમાં એફઆઇઆઇની ખરીદી સૌથી ઊંચી રહી છે. આ ૨૧ ઑગસ્ટ સુધીમાં એફઆઇઆઇ તરફથી ૫.૪૩ અબજ ડૉલરનું નેટ રોકાણ અહીં થયું છે, જે અગાઉ ઑકટોબર ૨૦૧૦માં ૬.૪૨ અબજ ડૉલર હતું. ઑગસ્ટ પહેલાંના ત્રણ મહિનામાં એફઆઇઆઇનું રોકાણ ભારતીય સ્ટૉકસમાં ૪૩,૦૦૦ કરોડ રૂપિયા ઉપર હતું, જે એકલા ઑગસ્ટમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયા થયું છે. 

એફઆઇઆઇ વિશે આવો મત પણ છે

જોકે વિદેશી રોકાણકારોનો આ પ્રવાહ સેકન્ડરી માર્કેટ કરતાં પ્રાઇમરીમાં વધુ આવ્યો હોવાનું  કહેવાય છે. આ ગ્લોબલ ઇન્વસ્ટરો હાલ ભારત કોવિડ-19ની સમસ્યાનો સામનો કઈ રીતે પાર પાડે છે એનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. આ સમસ્યા સાથે ભારતીય અર્થતત્રનો વિકાસ કઈ  ગતિથી થઈ રહ્યો છે, કેવાં પગલાં લેવાઈ રહ્યાં છે તેનો અભ્યાસ પણ કરાઈ રહ્યો છે. આ રોકાણકારો જે ઝડપથી આવી રહ્યા છે તેટલી ઝડપથી નફો પણ બુક કરતા જશે એવું માનવામાં ખોટું નથી.

તેજી વધે તો સાવચેતી વધારો

આ સપ્તાહમાં કરેક્શન ન આવે તો રોકાણકારોએ એકદમથી સજાગ થઈ જવું જોઈશે. કારણ કે  બજાર તેની પાત્રતા કરતાં વધુપડતું વધી ગયું છે. હાલ મહત્તમ પ્રવાહિતા અને  ઊંચા આશાવાદે  તેજી આગળ વધી રહી  છે, આ તેજી વધે તેમ સાવચેતી પણ વધારવી પડશે અને નફો ઘર કરી લેવામાં શાણપણ રહેશે. બાકી મોટા કરેક્શનમાં જ ખરીદી કરવી. કોવિડનો ભય માથે લટકે છે એ યાદ રાખવું જોઈશે. આ સાથે કોવિડની વેક્સિન માટે પણ આશા વધી રહી છે. કોવિડ બાદ માર્કેટ વધ્યું ભલે હોય, પરંતુ બજારને બદલે સ્ટૉક સ્પેસિફિક રહેવામાં જ શાણપણ ગણાશે. 

બજાર માટે સારા-બુરા સમાચાર સંકેત

રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસના અભિપ્રાય મુજબ વર્તમાન સંજોગોમાં વિકાસદરનો અંદાજ મૂકવાનું તેમ જ ફુગાવાના દરની ધારણા કરવાનું કઠિન બન્યું છે. ગવર્નરે ગ્રોથની દિશામાં પગલાં લેવાનું ચાલુ રાખવા વિશે સંકેત આપ્યો છે.

નાણાંપ્રધાને ઑટો ઉદ્યોગને જીએસટીમાં રાહત આપવાનો નિર્દેશ કર્યો છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange jayesh chitalia