ટેલિકૉમ કંપનીઓને પણ ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મળવી જોઈએ

03 July, 2020 02:30 PM IST  |  Mumbai | Mumbai correspondent

ટેલિકૉમ કંપનીઓને પણ ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મળવી જોઈએ

ફાઈલ તસવીર

ટેલિકૉમ કંપનીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારો એનો અમલ કરવા તૈયાર થાય તો જ કંપનીઓને લાભ મળી શકે એમ છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનું તારણ છે કે દેશના જીડીપીમાં ૬.૫ ટકાનું યોગદાન આપતા ટેલિકૉમ ક્ષેત્ર પરનું ટૅક્સનું માળખું ભેદભાવ ભર્યું છે અને તેમને ચીન કે અન્ય દેશોમાં જે રાહત મળે છે એવી રાહતો ભારતમાં મળતી નથી.

ભારતમાં ટેલિકૉમ ટાવરના ખર્ચમાં ઇનપુટ ટૅક્સ ક્રેડિટ અને સ્પેક્ટ્રમ ચાર્જિસ માટે ચૂકવેલા જીએસટીમાં રિફંડનો લાભ કંપનીઓને મળતો નથી. ચીનમાં આ લાભ આપવામાં આવે છે. આ રિપોર્ટ હજી જાહેર કરવામાં આવ્યો નથી, પણ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર કંપનીઓને રિફંડ અને ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો લાભ આપવામાં આવે તો તેમને મોટો લાભ થઈ શકે છે અને તેમનો રોકડપ્રવાહ પણ વધી શકે છે.

ચીનમાં વૅલ્યુ એડેડ ટૅક્સ સિસ્ટમમાં ગયા વર્ષે ફેરફાર કરવામાં આવ્યા હતા અને કેટલાક ચૅમ્પિયન ઉદ્યોગોને ૧૦ ટકા ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો લાભ આપવામાં આવ્યો હતો. ટેલિકૉમ ક્ષેત્રને ચીન ચૅમ્પિયન ઉદ્યોગમાં ગણે છે અને ભારતે પણ આવી જ રીતે વિચારણા કરવી જોઈએ અને ક્રેડિટનો લાભ મળવો જોઈએ.
માર્ચ સુધીમાં ભારતમાં ટેલિકૉમ કંપનીઓની ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની ઇનપુટ ટૅક્સ ક્રેડિટની માગ ઊભી છે. ભારતમાં કંપનીઓ લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જિસ અને અન્ય ચીજો પર ૨૯થી ૩૨ ટકા જેટલો જીએસટી ભરે છે. શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, મલેશિયા અને બાંગલા દેશમાં સૌથી વધુ ટૅક્સ ૨૫ ટકા છે. ટેલિકૉમ કંપનીઓનો આરોપ છે કે કેન્દ્ર સરકાર ભેદભાવભર્યું વર્તન કરે છે. કંપનીઓને ટેકો આપવાના બદલે વધારે ટૅક્સ વસૂલ કરે છે અને ઉપરથી એમાં ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો લાભ મળતો નથી.

ભારતમાં ટેલિકૉમ કંપનીઓ માટે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે. તીવ્ર સ્પર્ધા અને નીચા ટૅરિફના કારણે કંપનીઓનો નફો ઘટી રહ્યો છે. બીજી તરફ કંપનીઓને ટેલિકૉમ ટાવર, ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવી ચીજો સ્થાપવા માટે ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મળતી નથી. કંપનીઓને આ રાહત નહીં મળતી હોવાથી તેઓ ટૅક્સ ભરે છે, નહીં તો એની ક્રેડિટ મળે છે અને નહીં કે રિફંડ અને એટલે જ તેમની રોકડ ફસાયેલી પડી રહી છે.

business news