ખાદ્ય તેલની ટૅરિફ વૅલ્યુમાં ૨૭૫ ડૉલર સુધીનો ઘટાડો થયો

02 July, 2022 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક પામતેલ-સોયાતેલના ભાવ પખવાડિયામાં ઝડપથી તૂટ્યા હોવાથી ટૅરિફ વધુ ઘટી

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારમાં પામતેલ-સોયાતેલનાં ભાવમાં ઝડપી ઘટાડો થવાને પગલે કેન્દ્ર સરકારે ચાલુ મહિનાના પહેલા પખવાડિયા માટે ખાદ્ય તેલની આયાત ટૅરિફ વૅલ્યુમાં પણ ૨૭૫ ડૉલર પ્રતિ ટનનો ઘટાડો કર્યો છે. ખાદ્ય તેલની ટૅરિફ વૅલ્યુમાં ચાલુ વર્ષમાં પ્રથમ વાર આટલો મોટો ઘટાડો થયો છે જેને પગલે આયાત પડતરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય કસ્ટમ વિભાગના નોટિફિકેશન મુજબ ક્રૂડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૨૧૯ ડૉલરનો ઘટાડો કરીને ૧૪૦૧ ડૉલર પ્રતિ ટન કરી છે, જે અગાઉ ૧૬૨૦ ડૉલર પ્રતિ ટન હતી. ક્રૂડ પામતેલની ડ્યુટીમાં આટલો ઘટાડો થતાં અસરકાર રીતે પ્રતિ ટન ૯૫૦.૯૫ રૂપિયાનો ઘટાડો થઈને ૬૦૮૩.૪૯ રૂપિયા પ્રતિ ટન થઈ છે, જ્યારે પામોલીનની અસરકાર ડ્યુટીમાં ૨૩૭૭.૩૮ રૂપિયા પ્રતિ ટન ઘટીને ૧૬૮૦૪.૫૧ રૂપિયા પ્રતિ ટન થઈ છે. ક્રૂડ પામોલીનની ટૅરિફ વૅલ્યુમાં ૨૧૯ ડૉલરનો ઘટાડો થઈને ૧૫૪૫ ડૉલર પ્રતિ ટન થઈ છે. જ્યારે રિફાઇન્ડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૨૭૫ ડૉલરનો ઘટાડો થઈને ૧૪૮૨ ડૉલર પ્રતિ ટનની ટૅરિફ વૅલ્યુ થઈ છે.

સોયાબીનની ટૅરિફ વૅલ્યુમાં ૨૫૯ ડૉલર પ્રતિ ટનનો ઘટાડો કરીને ૧૫૭૨ ડૉલર પ્રતિ ટનની કરી છે જેને કારણે ઘરઆંગણે સોયાબીનની અસરકારક ડ્યુટીમાં પ્રતિ ટન ૧૧૨૪.૬૪ રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો થઈને ૬૮૨૬.૦૨ રૂપિયા થઈ છે.

તેલીબિયાંનાં વિવિધ સંગઠનો દ્વારા એક બાજુ કેન્દ્ર સરકાર સમક્ષ ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં વધારો કરવાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ કસ્ટમ વિભાગ ટૅરિફ વૅલ્યુમાં ઘટાડો કરતું હોવાથી સરેરાશ ખાદ્ય તેલની આયાત પડતર નીચી આવી ગઈ છે.

business news