રોકાણમાંથી નિશ્ચિત રકમનો ઉપાડ કરવા માટે ઉપયોગી થતો સિસ્ટમૅટિક વિધડ્રૉવલ પ્લાન

02 March, 2023 12:13 PM IST  |  Mumbai | Amit Trivedi

રોકાણકાર મ્યુચ્યુઅલ ફન્ડમાંથી મળનારું ડિવિડન્ડ આવા વખતે કામ આવે એવો વિચાર કરે એ સમજી શકાય છે, પરંતુ ડિવિડન્ડ કેટલું આવે એ નિશ્ચિત હોતું નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ઘરની કમાનાર વ્યક્તિનું કામકાજ બંધ થઈ જાય અને ઘરની આવક બંધ થઈ જાય એવું ક્યારેક બનતું હોય છે. આવી સ્થિતિમાં પણ ઘરના ખર્ચ તો ચાલુ જ રહે છે. આ બ્રેક સ્વેચ્છાએ લીધેલો હોઈ શકે છે અથવા તો નોકરી પરથી છટણી થઈ હોવાને લીધે અથવા નિવૃત્તિને કારણે આવેલો હોઈ શકે છે. ક્યારેક કોઈ વ્યક્તિએ પોતાની અથવા પરિવારજનની કોઈ બીમારીને લીધે બ્રેક લેવો પડી શકે છે તો ક્યારેક ઉચ્ચ શિક્ષણ માટે જવાને લીધે અથવા અન્ય કોઈ પણ કારણસર બ્રેક લેવાનો નિર્ણય લેવાય છે. 

બ્રેકનું કારણ ગમે એ હોય, ઘરની આવક બંધ થઈ જાય અને ખર્ચ ચાલુ રહે એ હકીકત છે. આવા વખતે પૈસાની જરૂરિયાત રોકાણોમાંથી પૂરી કરવી પડે છે. 

આ સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય એવા ઘણા વિકલ્પો છે. એમાંનો એક ઓછો જાણીતો વિકલ્પ એટલે મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમના સિસ્ટમૅટિક વિધડ્રૉવલ પ્લાન (એસડબ્લ્યુપી)નો છે. કોઈ રોકાણકાર મ્યુચ્યુઅલ ફન્ડમાંથી મળનારું ડિવિડન્ડ આવા વખતે કામ આવે એવો વિચાર કરે એ સમજી શકાય છે, પરંતુ ડિવિડન્ડ કેટલું આવે એ નિશ્ચિત હોતું નથી. ક્યારેક કરવેરાના નિયમોમાં થતા ફેરફારોને લીધે ડિવિડન્ડ કરપાત્ર બની જાય છે. આ જ કારણ છે કે બધાએ એસડબ્લ્યુપી વિશે વિચારવું જોઈએ. 

એસડબ્લ્યુપીની શરૂઆત જ નિયમિતપણે નિશ્ચિત રકમ મળતી રહે એ માટે થઈ છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં મળનારા ડિવિડન્ડના પ્લાનની તુલનાએ એસડબ્લ્યુપીની સ્ટ્રૅટેજી કરવેરાની દૃષ્ટિએ વધારે ઉપયોગી ઠરે છે. આમ થવાનું કારણ એ છે કે ડિવિડન્ડ મળે ત્યારે એની આખેઆખી રકમ કરપાત્ર હોય છે, જ્યારે ઉપાડ એટલે કે વિધડ્રૉવલ કરવામાં આવે ત્યારે ફક્ત કૅપિટલ ગેઇન કરપાત્ર બને છે, ઉપાડાયેલી કૅપિટલ નહીં. વ્યાજની આવક સંબંધે પણ વિચાર કરીએ તો એ આખી આવક કરપાત્ર હોય છે. 

એસડબ્લ્યુપી કઈ રીતે કામ કરે છે?
બધાં જ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં સિસ્ટમૅટિક વ્યવહારોની સુવિધા ઉપલબ્ધ હોય છે. એસડબ્લ્યુપી માટે રોકાણકારે ફન્ડ-હાઉસને આવશ્યક સ્ટૅન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય છે. એ સૂચનાને
આધારે ફન્ડ-હાઉસ કામ કરે છે. સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) અને સિસ્ટમૅટિક વિધડ્રૉવલ પ્લાન (એસડબ્લ્યુપી) એ એનાં ઉદાહરણ છે. 

અહીં એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે અમૃતભાઈને દર મહિને ૫,૦૦૦ રૂપિયાની નિયમિત આવક જોઈએ છે અને તેમની પાસે ૧૦,૦૦,૦૦૦ રૂપિયા છે. એ રકમ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમમાં રોક્યા બાદ તેમણે એસડબ્લ્યુપી માટેનું ફૉર્મ ભરવું પડશે. દર મહિને નિર્ધારિત તારીખે તેમના ખાતામાં તેમની સૂચના મુજબની રકમ સ્કીમમાંથી કાઢીને તેમના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. સ્કીમમાં વળતર મળ્યું હોય કે ન મળ્યું હોય કે પછી ઓછું-વત્તું મળ્યું હોય, એમાંથી નિર્ધારિત રકમ કાઢીને રોકાણકારના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. 

એમ તો મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમના ખાતામાં પૂરતાં નાણાં હોય ત્યાં સુધી કોઈ પણ રકમનો ઉપાડ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે રોકાણમાં મળનારા સંભવિત વળતર કરતાં ઓછી રકમનો ઉપાડ કરવામાં આવવો જોઈએ. દા. ત. તમને સ્કીમમાં વાર્ષિક સાત ટકાના દરે વળતર મળવાની શક્યતા હોય તો ઉપાડની રકમ સાત ટકા કરતાં ઓછી હોવી જોઈએ. ધારો કે કોઈને ફક્ત પાંચ વર્ષ સુધી ઉપાડ કરવાની જરૂર પડવાની હોય તો તેઓ પૂરેપૂરી રકમને પાંચ વર્ષ સુધી ચાલે એટલા પ્રમાણમાં વિભાજિત કરીને ઉપાડ કરી શકે છે. 

અગાઉ કહ્યું એમ નિશ્ચિત આવકનાં રોકાણોમાંથી મળતા વ્યાજની તુલનાએ એસડબ્લ્યુપી કરવેરાની દૃષ્ટિએ વધુ ઉપયોગી સાધન છે. જોકે એમાં ઉપાડનો સમયગાળો ઘણો લાંબો હોવો જરૂરી છે. 

અહીં જણાવવું રહ્યું કે આ ચર્ચા ફક્ત લિક્વિડ અને શૉર્ટ ટર્મ ડેટ ફન્ડના સંદર્ભમાં કરવામાં આવી છે, બીજી કોઈ શ્રેણીના સંદર્ભમાં નહીં. 

business news