સ્વિસ ફ્રાન્કમાં શાનદાર તેજી : રૂપિયો ફરી ૭૧ને પાર

20 January, 2020 10:30 AM IST  |  Mumbai Desk | Biren Vakil

સ્વિસ ફ્રાન્કમાં શાનદાર તેજી : રૂપિયો ફરી ૭૧ને પાર

અમેરિકા-ચીન વચ્ચેની વેપારસમજૂતી થઈ ગઈ છે. ઈરાન ટેન્શન પણ હાલપૂરતું થાળે પડી ગયું છે. ચીનનો વિકાસદર ૩૦ વર્ષની નીચી સપાટી ૬.૧ ટકા થયો છે. ભારતનો વિકાસદર પણ વિવિધ સંસ્થાઓ ઘટાડી રહી છે. જોકે શૅરબજારોમાં તેજીની હરણફાળ જળવાઈ રહી છે. સંખ્યાબંધ શૅરબજારોમાં જોરદાર તેજી છે. ઍપલ, માઇક્રોસૉફ્ટ, ગૂગલ અને ઍમેઝૉન આ ચારેય કંપનીઓ હવે ટ્રિલ્યન ડૉલર કંપની બની ગઈ છે. શૅરબજારોનું કુલ માર્કેટ કૅપ ૮૮ ટ્રિલ્યન થઈ ગયું છે અને વૈશ્વિક જીપીડી પણ ૮૮ ટ્રિલ્યન ડૉલર છે. શૅરબજારોની તેજી લાર્જ કૅપ શૅરો અને ટેક્નૉલૉજી શૅરો પૂરતી સીમિત રહી છે. સ્મોલ કૅપ અને મિડ કૅપ શૅરો તેજીમાં ઘણા પાછળ છે. આ વરસે ટર્નઅરાઉન્ડ સુપર સ્ટાર ટેસ્લા છે જે પાછલાં ત્રણ માસમાં ૧૮૦ ડૉલરથી વધી ૫૫૦ ડૉલર થયો છે. ઘરઆંગણાની વાત કરીએ તો સેન્સેક્સ ૪૨૦૦૦ વટાવી ગયો છે અને ચાર્ટ જોતાં હજી પણ તેજી જળવાય એમ લાગે છે. બ્રેક્ઝિટ મામલે ૩૧ જાન્યુઆરી ડેડલાઇન છે. ૧ ફેબ્રુઆરીએ બજેટ છે એટલે બજારની નજર આગામી થોડાં સપ્તાહ બ્રેક્ઝિટ અને બજેટ પર રહેશે. 

રૂપિયાની વાત કરીએ તો તેજી અટકીને રૂપિયો થોડો ઘટ્યો હતો. રૂપિયો ૭૦.૭૬થી ઘટીને ૭૧.૦૭ બંધ રહ્યો હતો. ઍમેઝૉનના વડા જૅફ બેઝોસની ભારતયાત્રા દરમ્યાન તેમણે ભારતમાં મૂડીરોકાણ અને ભાવિ આયોજનો વિષે આશાસ્પદ સંકેતો આપ્યા હતા. ૨૧મી સદી ભારતની છે એમ કહ્યું હતું. આગામી મહિને અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ભારત આવશે. અમેરિકા અને ભારત વચ્ચે વેપારી મંત્રણાઓ અને દ્વિપક્ષીય મામલે વાતચીત થશે એમ અખબારી અહેવાલો કહે છે. દરમ્યાન મોંઘવારી દરમાં વધારો અને બજેટમાં રાજકોષીય ખાધના લક્ષ્યાંકને કાબૂમાં રાખવા નાણાં મંત્રાલયે ઘણી કવાયત કરવી પડશે એમ મનાય છે. આઇસીઆઇસીઆઇ બૅન્કના ભૂતપૂર્વ વડા અને બ્રિક્સ બૅન્કના વડા એમ.વી. કામથ સરકારમાં કોઈ મોટો હોદ્દો સંભાળે એવી વાતો પણ ચાલે છે.

મુખ્ય કરન્સીમાં પાઉન્ડ, યુરો અને યેનમાં ખાસ હલચલ નથી, પણ સ્વિસ ફ્રાન્કમાં તોફાની તેજી થઈ છે. ફ્રાન્ક ૦.૯૬૦૦થી વધીને ૧.૩૬૦૦ થઈ ગયો છે. ફ્રાન્કે ફરી સેફ હેવન તરીકે સ્થાન મેળવ્યું લાગે છે. સોનાની વાત કરીએ તો ન્યુ યૉર્ક સોનું ૧૫૪૦થી સુધરી ૧૫૫૭ ડૉલર થયું હતું. ગોલ્ડ ઈટીએફમાં હોલ્ડિંગ ૨૯૦૦ ટનની વિક્રમી ઊંચી સપાટીએ છે. સેન્ટ્રલ બૅન્કો અને મોટા હેજ ફન્ડ મૅનેજરો પણ પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો વધારતા જાય છે. શૅરબજારો કે બૉન્ડમાં કરેક્શન આવે તો સોનું હેજ તરીકે કામ આવે. બિટકૉઇનમાં પણ ઈરાન અટૅક પછી તેજી આવી છે. ભાવ ૭૦૦૦થી વધીને ૮૮૦૦ ડૉલર થઈ ગયા છે. સોનું અને બિટકૉઇન બેઉ હવે પોર્ટફોલિયો હેજ અને સેફ હેવન તરીકે હૉટ મની અને સ્માર્ટ મની આકર્ષી રહ્યા છે. બૅન્કો દ્વારા મૉનિટરી ઇઝિંગના ભાગરૂપે નાણાપુરવઠો ચાલુ છે અને હવે સરકારોએ ફિસ્કલ ઇઝિંગ શરૂ કરતાં વધારાનો નાણાપુરવઠો આવશે. મૉનિટરી ઇઝિંગમાં પૈસા બૅન્કોના હાથમાં જાય અને ફિસ્કલ ઇઝિંગમાં પૈસા લોકોના હાથમાં જાય. અમેરિકામાં નવેમ્બરની ચૂંટણી પહેલાં એક ફિસ્કલ સ્ટિમ્યુલસ આવવાની વાતો છે. રાબો બૅન્કે કહ્યું છે કે ૨૦૨૦માં ફેડ વ્યાજદર શૂન્ય કરી નાખશે. આ વિધાન આશ્ચર્યજનક છે, પણ જો સાચું પડે તો શૅરબજારો, સોના-ચાંદી અને કૉમૉડિટીઝમાં ગાંડી તેજી થાય. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ચૂંટણી જીતવા માટે શૅરબજારમાં મોટી તેજી કરવા યથાશક્તિ પ્રયાસ કરે એ સમજાય એવું છે. વાતો ભલે મંદીની થાય, પણ ટ્રમ્પ જીત્યા પછી શૅરબજાર ૫૩ ટકા વધ્યું છે.

ઈરાન મોરચે ઉપરમાં બધું શાંત છે, પણ લિબિયામાં હલચલ દેખાય છે. તાજેતરમાં લિબિયામાં શસ્ત્રો ઠલવાયાં હોવાના સંકેતો મળે છે. ટર્કીએ પોતાનું સૈન્ય લિબિયામાં મોકલ્યું છે. લિબિયામાં કંઈક રંધાતું લાગે છે. હાલપૂરતું રૂપિયાની રેન્જ ૭૦.૭૫-૭૧.૮૭, યુરોની રેન્જ ૧.૧૦-૧.૧૨, ડોલેક્સની રેન્જ ૯૬.૭૦-૯૮.૨૦, પાઉડની રેન્જ ૧.૨૯૦૦-૧.૩૨૦૦ અને યેનની રેન્જ ૧૦૮.૩૦-૧૧૦.૭૦ છે.

business news