સ્વિગી ડિલિવરી માટે ટીવીએસનાં ઇલેક્ટ્રિક સ્કૂટર વાપરશે

14 January, 2022 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવીએસ મોટર કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે સ્વિગી ડિલિવરી પ્લૅટફૉર્મ સાથે સહયોગ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ટીવીએસ મોટર કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે સ્વિગી ડિલિવરી પ્લૅટફૉર્મ સાથે સહયોગ કર્યો છે. આ ભાગીદારીના ભાગરૂપે સ્વિગી ડિલિવરી કરવા માટે ટીવીએસનાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરશે. બન્ને કંપનીઓએ કરેલા કરાર મુજબ આવશ્યકતા મુજબની પ્રોડક્ટ વિકસાવવામાં આવશે તથા નાણાંની ચુકવણીના ફ્લેક્સિબલ વિકલ્પો આપવામાં આવશે. 
ટીવીએસ કંપની વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં પોતાનાં આઇક્યુબ ઇલેક્ટ્રિક વાહનો દેશનાં તમામ મોટાં શહેરો સુધી પહોંચાડવા માગે છે. હાલમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર દિલ્હી, બૅન્ગલોર, ચેન્નઈ, પુણે, કોચી અને કોઇમ્બતુર સહિતનાં ૩૩ શહેરોમાં ઉપલબ્ધ છે. 
સ્વિગીના વાઇસ પ્રેસિડન્ટ (ઑપરેશન્સ) મિહિર શાહે જણાવ્યું છે કે કંપની ૨૦૨૫ સુધીમાં દરરોજ આઠ લાખ કિલોમીટરના અંતર સુધીની ડિલિવરી માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાનું લક્ષ્ય ધરાવે છે. 
ટીવીએસ સાથેના આ પ્રયોગને પગલે ડિલિવરી માટેની જરૂરિયાતોને સમજવામાં આવશે અને ડિલિવરીનું કાર્ય પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવશે, એમ શાહે કહ્યું હતું.

business news swiggy