સનફ્લાવર તેલની આયાત ડિસેમ્બરમાં બમણાથી પણ વધુ વધી

13 January, 2022 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં ડિસેમ્બર મહિનામાં ખાદ્ય તેલની આયાત સરેરાશ આગલા મહિનાની તુલનાએ સાત ટકા વધી છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ડિસેમ્બર મહિનામાં ખાદ્ય તેલની આયાત સરેરાશ આગલા મહિનાની તુલનાએ સાત ટકા વધી છે. ખાસ કરીને સનફ્લાવર તેલની આયાત આગલા મહિનાની તુલનાએ બમણી થઈ ગઈ હોવાથી કુલ આયાત વધી ગઈ છે. જ્યારે રિફાઇન્ડ પામોલીનની આયાતમાં અડધાથી પણ વધુનો ઘટાડો થયો છે.
સૉલ્વન્ટ  એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે દેશમાં ડિસેમ્બર મહિનામાં ખાદ્ય તેલની કુલ આયાત ૧૨.૧૬ લાખ ટનની થઈ છે, જે આગલા મહિને ૧૧.૩૮ લાખ ટનની થઈ હતી. આમ આયાતમાં સાત ટકાનો વધારો થયો છે.
દેશમાં રિફાઇન્ડ પામતેલની આયાત ડ્યુટીમાં ફેરફાર બાદ ઘટી ગઈ છે. ડિસેમ્બરમાં માત્ર ૨૪,૦૦૦ ટનની આયાત થઈ છે જે આગલા મહિનને ૫૮,૦૦૦ ટનથી પણ વધુ થઈ હતી. ડિસેમ્બરમાં રિફાઇન્ડ પામોલીનના આયાત ભાવ સરેરાશ ૧૩૭૫ ડૉલર અને ક્રૂડ પામતેલના ૧૪૨૦ ડૉલર પ્રતિ ટનના ભાવ રહ્યા છે. આગલા મહિના કરતાં ૧૫થી ૨૦ ડૉલરનો ઘટાડો થયો છે. જોકે ચાલુ સીઝનના પહેલા બે મહિનામાં રિફાઇન્ડ પામતેલની કુલ ૮૨,૨૬૭ ટનની આયાત થઈ છે, જે ગત વર્ષે આ બે મહિના દરમિયાન માત્ર ૧૨,૯૦૦ ટનની થઈ હતી. આમ ઑલઓવર આયાત વધી છે.
દેશમાં ચાલુ સીઝન વર્ષના પહેલા બે મહિના નવેમ્બર-ડિસેમ્બરમાં ખાદ્ય તેલની મળીને કુલ ૨૩.૫૫ લાખ ટનની આયાત થઈ છે, જે આગલા મહિના દરમિયાન ૨૪.૧૧ લાખ ટનની થઈ હતી. આમ બે મહિનાની આયાત ગત વર્ષની તુલનાએ મામૂલી ઘટી છે.
પોર્ટ પર સ્ટૉકની સ્થિતિ
દેશમાં વિવિધ પોર્ટ પર પહેલી જાન્યુઆરીના રોજ ખાદ્ય તેલનો કુલ ૫.૮૦ લાખ ટનનો સ્ટૉક હતો, જેમાં ક્રૂડ પામતેલનો ૨.૨૫ લાખ ટન, રિફાઇન્ડ પામોલીનનો ૯૦,૦૦૦ ટન અને સોયાતેલનો ૧.૬૦ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે. સનફ્લાવર તેલનો ૯૫,૦૦૦ ટન અને રાયડા તેલનો ૧૦,૦૦૦ ટનનો સ્ટૉક પડ્યો છે. જ્યારે પાઇપલાઇનમાં ૧૧.૪૦ લાખ ટનનો સ્ટૉક છે. આમ ડિસેમ્બરની તુલનાએ જાન્યુઆરીની શરૂઆતનો સ્ટૉક ૬૦,૦૦૦ ટન
વધ્યો છે.

business news