વાવાઝોડાને પગલે ઉનાળુ મકાઈના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ

14 May, 2022 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અસાની વાવાઝોડાની અસરે બિહાર અને પશ્ચિમ બંગાળમાં મકાઈના પાકને નુકસાન થશે

વાવાઝોડાને પગલે ઉનાળુ મકાઈના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ

દેશમાં મકાઈના ભાવ આસમાની ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે ત્યારે વાતાવરણમાં આવેલા બદલાવ અને અસાની વાવાઝોડાની સંભવિત અસરને પગલે મકાઈનાં ઉત્પાદન ઉપર પણ અસર થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળમાં મકાઈની કાપણીનો અત્યારે સમય છે અને વાવાઝોડાની અસર મોટી થાય તેવી ધારણા છે તેમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું.
ગુલબર્ગામાં એપ્રિલ મહિનામાં મકાઈના ભાવ ઘટીને ૨૧૫૦ રૂપિયા ઉપર પહોંચ્યા હતા, જે ફરી અત્યારે વધીને ૨૨૫૦ રૂપિયાની સપાટી પર પહોંચી ગયા છે. ગત વર્ષે આ જ સમયે મકાઈના ભાવ ક્વિન્ટલના ૧૫૦૦ રૂપિયા જેવા હતા.
મકાઈના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં બિહારમાં વરસાદને કારણે મકાઈના ભાવને ટેકો મળી રહ્યો છે અને આવકો પણ ઓછી થઈ રહી છે. બિહારમાં દૈનિક મકાઈની આવક ૧થી ૧.૨૦ લાખ ગૂણીની થઈ રહી હતી, જે હવે ઘટીને ૭૦ હજાર ગૂણીએ આવી ગઈ છે. જેને પગલે મકાઈના ભાવને ટેકો મળી રહ્યો છે.
અસાની વાવાઝોડાની અસર ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં થઈ રહી  છે. મકાઈના ઊભા પાકને ખુલ્લું વાતાવરણ મળે તે જરૂરી છે, પરંતુ અત્યારે વાદળછાયું વાતાવરણ અને વરસાદ પણ આવી રહ્યો છે જેને પગલે બંગાળમાં પણ મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ છે. વાવાઝોડાને પગલે બંગાળમાં નવી મકાઈની આવકો પણ વિલંબમાં પડે તેવી સંભાવના છે.
ટ્રેડરો કહે છે કે બિહારમાં સરેરાશ મકાઈનો પાક આ વર્ષે ઓછો છે અને વાવેતર મોડા થાય હોવાથી હવે કાપણી પણ થોડી મોડી થાય તેવી ધારણા છે. આગામી એક-બે સપ્તાહ બાદ આવકો પીક પકડે તેવી સંભાવના દેખાઈ રહી છે. વાવાઝોડાની આગામી દિવસોમાં કેટલી અસર થાય છે તેના ઉપર બજારનો વધારે આધાર રહેલો છે.
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના બીજા આગોતરા અંદાજ મુજબ દેશમાં મકાઈનું ઉત્પાદન ચાલુ વર્ષે રવિ સિઝનમાં ૯૮.૩ લાખ ટનનું થાય તેવો અંદાજ છે, જે અગાઉના વર્ષે ૧૦૦.૯ લાખ ટનનું થયું હતું. એનબીએચસીએ મકાઈના પાકનો અંદાજ ૯૮.૩ લાખ ટનનો મૂક્યો છે.

business news