કરબચત અને કરમુક્ત આવકના લાભ માટે ઉપયોગી થતી સુકન્યા સમૃદ્ધિ યોજના

04 May, 2021 01:01 PM IST  |  Mumbai | Paresh Kapasi

દીકરીના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરનારા દરેક માતા-પિતાએ સરકારની નાની બચતની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’માં રોકાણ કરવાનો વિચાર કરવો જોઈએ. સરકારે ૨૦૧૫માં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત શરૂ કરેલી આ યોજના આજની તારીખે કરમુક્ત આવકની દૃષ્ટિએ ઘણી ઉપયોગી છે.

પ્રતીકાત્મક તસવીર

દીકરીના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરનારા દરેક માતા-પિતાએ સરકારની નાની બચતની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’માં રોકાણ કરવાનો વિચાર કરવો જોઈએ. સરકારે ૨૦૧૫માં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત શરૂ કરેલી આ યોજના આજની તારીખે કરમુક્ત આવકની દૃષ્ટિએ ઘણી ઉપયોગી છે. એમાં કરબચત અને કરમુક્ત આવકના લાભ ઉપરાંત ઊંચા વ્યાજનો ફાયદો પણ થાય છે. યોજનાનો ઉદ્દેશ કન્યાના શિક્ષણ અને લગ્ન માટેનો ખર્ચ પૂરો કરવામાં મદદરૂપ થવાનો છે.

આ યોજના હેઠળ કન્યાનાં માતા-પિતા કે કાનૂની વાલી ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવતી વખતે કન્યાની ઉંમર ૧૦ વર્ષ કરતાં ઓછી હોવી જરૂરી છે. એક કન્યાના નામે ફક્ત એક ખાતું ખોલાવી શકાય છે અને પરિવારમાં બે કન્યા હોય તો બે ખાતાં ખોલાવી શકાય છે. જો બે કે ત્રણ જોડિયાં કન્યાઓ જન્મી હોય તો દરેક કન્યા માટે એક-એક ખાતું ખોલાવી શકાય છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દરેક નાણાકીય વર્ષમાં લઘુતમ ૨૫૦ રૂપિયા અને મહત્તમ ૧.૫ લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. ૧૫ વર્ષ સુધી રકમ જમા કરાવવાની હોય છે. 

કન્યાની ઉંમર ૨૧ વર્ષની થાય ત્યાં સુધીની અથવા તો ૧૮ વર્ષની ઉંમર પછી એ જ્યારે પણ લગ્ન કરે ત્યાં સુધીની તેની પાકતી મુદત હોય છે. જે ખાતામાં એક વર્ષમાં ૨૫૦ રૂપિયા કરતાં ઓછી રકમ જમા કરવામાં આવે તો એ અકાઉન્ટ ‘ડિફોલ્ટેડ અકાઉન્ટ’ ગણાય છે. ડિફોલ્ટેડ અકાઉન્ટ પાછું ખોલાવવું હોય તો જેટલાં વર્ષ બંધ રહ્યું હોય એટલાં વર્ષ માટે દરેક વર્ષ દીઠ ૫૦ રૂપિયા વત્તા ૨૫૦ રૂપિયાની લઘુતમ રકમ જમા કરાવવી પડે છે. 

નોંધનીય છે કે ૧૮ વર્ષની ઉંમર પછી કન્યા પોતાનું ખાતું જાતે સંભાળી શકે છે. એ માટે તેણે સંબંધિત પોસ્ટ ઑફિસ કે બૅન્કમાં આવશ્યક દસ્તાવેજો સુપરત કરવા પડે છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું જેના નામે હોય એ કન્યાને ગંભીર બીમારી થાય અથવા એના વાલીનું મૃત્યુ થાય એ સંજોગોમાં ખાતું મુદત પૂર્વે બંધ કરી શકાય છે. 

કન્યા ૧૮ વર્ષની થાય અથવા ૧૦મું ધોરણ પાસ કરે ત્યાર બાદ એ પોતાના ખાતામાંથી નાણાંનો ઉપાડ કરી શકે છે. કન્યાનાં લગ્ન માટે અથવા ઉચ્ચ શિક્ષણ માટે પાછલા નાણાકીય વર્ષના અંતે જેટલી સિલક હોય એના ૫૦ ટકા જેટલી રકમનો ઉપાડ કરી શકાય છે. આ ઉપાડ વર્ષમાં એકવાર અથવા તો હપ્તામાં પાંચ વર્ષ સુધી કરી શકાય છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના લોકપ્રિય હોવાનું કારણ એ છે કે એને ‘ટ્રિપલ ઈ - EEE’  (એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ)શ્રેણીમાં રાખવામાં આવી છે, અર્થાત્ રોકાણની રકમ, રોકાણ પર મળતું વ્યાજ અને પાકતી મુદતે મળતી કુલ રકમ એ ત્રણે તબક્કે નાણાં કરમુક્ત રહે છે. 

આ યોજનાનો ઘણો મોટો લાભ એ છે કે તેનું ખાતું એકથી બીજી બૅન્કમાં અથવા એકથી બીજી પોસ્ટ ઑફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. 
સરકાર બીજી બધી બચત યોજનાઓની જેમ આ યોજનાના વ્યાજદરની પણ દર ત્રણ મહિને સમીક્ષા કરે છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટર માટે આ યોજનાનો વ્યાજદર વાર્ષિક ૭.૬ ટકા રાખવામાં આવ્યો છે. સરકારની આ યોજના હોવાને કારણે તેમાં કોઈ જોખમ નથી. 

સવાલ તમારા…
મારી દીકરી એક વર્ષની છે. શું મારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવું જોઈએ?
હા. આ યોજના આકર્ષક છે. જો કોઈ વ્યક્તિ પોતાની દીકરી માટે પંદર વર્ષ સુધી દર વર્ષે ૧.૫ લાખ રૂપિયા જમા કરાવે તો કન્યા ૨૧ વર્ષની થાય ત્યારે વર્તમાન વ્યાજદરના હિસાબે ૬૧,૩૭,૨૬૦.૯૨ રૂપિયા મળે છે. આ રકમમાં ૨૧,૦૦,૦૦૦ રૂપિયા વ્યક્તિએ જમા કરેલા અને ૪૦,૩૭,૨૬૦.૯૨ રૂપિયા તેના પર મળેલા વ્યાજના હોય છે. કરમુક્તિના લાભને જોતાં પણ આ ખાતું ખોલાવવા જેવું છે. 

business news