શેરડીના ઉતારા ઘટતાં ખાંડનું ઉત્પાદન ઘટવાનો અંદાજ: યુએસડીએ

26 November, 2022 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ચાલુ ખાંડના સીઝન વર્ષ ૨૦૨૨-’૨૩માં ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૫૮ લાખ ટન જ થવાનો અંદાજ છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ચાલુ ખાંડના સીઝન વર્ષ ૨૦૨૨-’૨૩માં ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૫૮ લાખ ટન જ થવાનો અંદાજ છે એમ અમેરિકાની કૃષિ સંસ્થાએ જણાવ્યું હતું. ભારતીય સંસ્થાઓએ આ અંદાજ ૩૬૦થી ૩૬૫ લાખ ટનનો મૂક્યો છે. જોકે બીજી તરફ ભારતીય ટ્રેડરો અત્યારે વેઇટ ઍન્ડ વૉચની સ્થિતિમાં છે.
અમેરિકન કૃષિ સંસ્થાએ એક યાદીમાં જણાવ્યું હતું કે ભારતમાં ખાંડનું ઉત્પાદન ત્રણ ટકા ઘટીને ૩૫૮ લાખ ટન થવાનો અંદાજ છે. ખાસ કરીને શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે ખાંડનું ઉત્પાદન પણ ઘટશે.
ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ઇસ્મા) દ્વારા શેરડી ઉત્પાદક વિસ્તારનો સર્વે કરીને આ વર્ષનો ખાંડના ઉત્પાદનનો અંદાજ ૩૬૫ લાખ ટનનો મૂક્યો હતો, જેની તુલનાએ અંદાજ ૭ લાખ ટન જેટલો નીચો મૂક્યો છે. અમેરિકના અંદાજ પછી પણ ઇસ્માના પ્રવક્તાએ પોતાનો અંદાજ યથાવત્ રાખવાની વાત કરી હતી.ઑલ ઇન્ડિયા શુગર ટ્રેડર અસોસિએશનના અધિકારીઓ અમેરિકન કૃષિ સંસ્થાના અંદાજ સાથે સહમત થયા હતા અને અસોસિએશનના પ્રમુખ પ્રફુલ વિઠલાણીએ જણાવ્યું હતું કે અમે અમેરિકાના અંદાજો સાથે સહમત છીએ, પરંતુ આ અંદાજમાં પાંચથી છ ટકાનો ફેરફાર જોવા મળી શકે છે. જાન્યુઆરી મહિનાનું અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના દિવસો પાકના અંદાજ માટે અતિ મહત્ત્વના દિવસો હોય છે. આ સમયગાળામાં મૂકવામાં આવેલા અંદાજમાં સૌથી ઓછી ભૂલ પડતી હોય છે.
અમેરિકન કૃષિ સંસ્થાએ વૈશ્વિક ખાંડના ઉત્પાદનનો અંદાજ ૨૮ લાખ ટન વધારીને ૧૮૩૨ લાખ ટનનો મૂક્યો છે. ખાસ કરીને બ્રાઝિલ, ચીન અને રશિયા દ્વારા ઉત્પાદનમાં વધારો અને યુરોપિયન યુનિયન, ભારત અને યુક્રેનમાં ઘટાડો થવાનો અંદાજ મૂક્યો છે.
ભારતીય ખાંડની નિકાસ ભલે ઘટી હોય, પરંતુ વૈશ્વિક ખાંડના આયાત-નિકાસ વેપારો વધે એવી ધારણા છે. બ્રાઝિલ અને થાઇલૅન્ડની નિકાસ આ વર્ષે વધે એવી ધારણા છે.
ભારતનો ખાંડનો વપરાશ ગયા વર્ષ જેટલો જ ૨૯૦ લાખ ટનનો રહેવાનો અંદાજ છે, જ્યારે નિકાસ ૨૦ ટકા ઘટીને ૯૩.૯ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા સીઝન વર્ષમાં ભારતીય ખાંડની નિકાસ ૧૧૭.૩ લાખ ટનની થઈ હતી.
ઇસ્માએ ભારતીય ખાંડના વપરાશનો અંદાજ ૨૭૫ લાખ ટન અને સીઝનના અંતે સ્ટૉક ૭૦ લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો હતો.

business news