ખાંડનું ઉત્પાદન નવી સીઝનમાં પણ ૩૫૫ લાખ ટન થવાની છે સંભાવના

24 May, 2022 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેરડીનું ઉત્પાદન વધશે, પરંતુ કુલ ૫૦ લાખ ટન ખાંડ ઇથેનૉલમાં જશે

ખાંડનું ઉત્પાદન નવી સીઝનમાં પણ ૩૫૫ લાખ ટન થવાની છે સંભાવના

દેશમાં પહેલી ઑક્ટોબરથી શરૂ થનાર આગામી નવી ખાંડ સીઝન વર્ષમાં પણ ખાંડનું ઉત્પાદન ચાલુ વર્ષ જેટલું જ જળવાઈ રહે એવી ધારણા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં ૨૦૨૨-’૨૩ (ઑક્ટોબર-સપ્ટેમ્બર)માં ખાંડનું ઉત્પાદન લગભગ ૩૫૫ લાખ ટન પર યથાવત જોવા મળે છે.

‘આવતા વર્ષે ઉત્પાદનમાં વધારો જોવા મળે છે, પરંતુ વધારાની ૧૫ લાખ ટન જે ઇથેનૉલ ઉત્પાદન માટે વાળવામાં આવશે,’ અધિકારીએ આજે ચોથી ઑલ ઇન્ડિયા શુગર ટ્રેડ અસોસિએશન શુગર અને ઇથેનૉલ કોન્કલેવમાં હાજરી આપતી વખતે જણાવ્યું હતું. ઇથેનૉલ તરફ ડાયવર્ઝન પહેલાં આ સીઝનમાં ખાંડનું ઉત્પાદન ૩૯૦ લાખ ટનનું હતું અને ૨૦૨૨-૨૩માં એ વધીને ૪૦૫થી ૪૧૦ લાખ ટનની આસપાસ જોવા મળે છે.

ચાલુ સીઝનમાં ઇથેનૉલના ઉત્પાદન માટે ૩૫ ટન જેટલી ખાંડને ડાયવર્ટ કરવામાં આવી છે અને ૨૦૨૨-૨૩માં ૫૦ લાખ ટન ખાંડને ડાયવર્ટ કરવામાં આવી શકે છે. આ વર્ષે સામાન્ય દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગાહીને પગલે ખાંડના ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જૂન-સપ્ટેમ્બર દરમિયાન લાંબા ગાળાની સરેરાશના ૯૯ ટકા પર સામાન્ય દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સારો વરસાદ અને ડેમનાં પાણીનું સ્તર આ વધારાને ટેકો આપશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

business news