દેશમાં ખાંડનું ઉત્પાદન સીઝનના બે મહિનામાં નજીવું વધીને ૪૯ લાખ ટન થયું

03 December, 2022 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં ખાંડનું ૨૦ લાખ ટન અને યુપીમાં ૧૧ લાખ ટનનું ઉત્પાદન

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ખાંડનું ઉત્પાદનનના સીઝનના પહેલા બે મહિનાના અંતે સરેરાશ ગત વર્ષ જેટલું કે માત્ર નામપૂરતું વધીને ૪૮ લાખ ટનનું થયું છે. ખાસ કરીને યુ.પી.માં ઉત્પાદનમાં વધારો થયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં જળવાઈ રહ્યું છે.
ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશનના આંકડાઓ મુજબ દેશમાં ૩૦ નવેમ્બર સુધીમાં ખાંડનું કુલ ઉત્પાદન ૪૭.૯૦ લાખ ટનનું થયું છે, જે ગત વર્ષે આ જ સમયે ૪૭.૨૦ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. દેશમાં આ વર્ષે ૪૩૪ શુગર મિલો કાર્યરત છે જે  ગત વર્ષે આજ સમયે ૪૧૬ શુગર મિલો કાર્યરત હતી.
દેશમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય એવા મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧૭૩ શુગર મિલોએ ૨૦ લાખ ટનનું કર્યું છે, જે ગત વર્ષે આજ સમયે ૨૦.૩ લાખ ટનનું થયું હતું. ઉત્તર પ્રદેશમાં ૧૧.૨ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૧૦.૪ લાખ ટનનું થયું હતું. આમ ખાંડના ઉત્પાદનમાં મામૂલી વધારો થયો છે. યુ.પી.માં અત્યારે ૧૦૪ શુગર મિલોમાં પિલાણ ચાલુ છે. કર્ણાટકમાં કુલ ૭૦ મિલોએ ૧૨.૧ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૬૬ શુગર મિલોએ ૧૨.૮ લાખ ટન ખાંડનું  ઉત્પાદન કર્યું હતું. 
ગુજરાતમાં ૧૫ મિલે ૧.૫૦ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૧.૬૦ લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું.
દેશમાં શુગર મિલોની પિલાણ સીઝન આ વર્ષે થોડી મોડી શરૂ થઈ હોવાથી ચાલુ મહિનામાં ઉત્પાદનના આંકડાઓ વધીને આવે તેવી ધારણા છે. વળી સરકારે નિકાસ ક્વોટા પણ ફાળવી દીધો હોવાથી હવે મિલો ઉત્પાદન વધારશે. દેશની ઑઇલ માર્કેટિંગ કંપનીએ ચાલુ સીઝન વર્ષ માટે અત્યાર સુધીમાં બે તબક્કે કુલ ૪૬૦ કરોડ લીટર ઇથેનોલની સપ્લાય માટે ક્વોટા ફાળવ્યો છે, જ્યારે ત્રીજા તબક્કામાં ૧૩૯ કરોડ લીટરનો ક્વોટા ફાળવે તેવી ધારણા છે.

business news