દેશમાં ખાંડનું ઉત્પાદન સીઝનના પહેલા બે મહિનામાં ૧૦ ટકા વધ્યું

04 December, 2021 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્ડિયન શુગર મિલ્સ અસોસિએશનના આંકડાઓ પ્રમાણે દેશમાં ૩૦ નવેમ્બર સુધીમાં ૪૧૬ શુગર મિલોએ કુલ ૪૭.૨૧ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ખાંડનું ઉત્પાદન ચાલુ સીઝનના પહેલા બે મહિના દરમ્યાન ગત વર્ષની તુલનાએ ૧૦ ટકા વધ્યું છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશનના આંકડાઓ પ્રમાણે દેશમાં ૩૦ નવેમ્બર સુધીમાં ૪૧૬ શુગર મિલોએ કુલ ૪૭.૨૧ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે આજ સમયે ૪૩.૦૨ લાખ ટનનું થયું હતું. ગત વર્ષે આજ સમયે ૪૦૯ શુગર મિલો ચાલુ હતી.
ઉત્તર પ્રદેશમાં કુલ ૧૦૧ શુગર મિલોએ ૧૦.૩૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૧૨.૬૫ લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે ગત વર્ષે ૧૧૧ શુગર મિલો ચાલુ હતી.
મહારાષ્ટ્રમાં ૧૭૨ શુગર મિલોએ ૨૦.૩૪ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે જે ગત વર્ષે ૧૫.૭૯ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્રમાં ગત વર્ષે ૧૫૮ શુગર મિલો ચાલુ હતી જેની તુલનાએ આ વર્ષે વધારે મિલો ચાલુ થઈ છે. કર્ણાટકમાં ૬૬ શુગર મિલોએ ૧૨.૭૬ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે જે ગત વર્ષે ૬૩ શુગર મિલોએ ૧૧.૧૧ લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું.
ગુજરાતમાં ૧૫ શુગર મિલોએ કુલ ૧.૬૬ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૧.૬૫ લાખ ટનનું થયું હતું. આમ ગુજરાતમાં ઉત્પાદન જળવાઈ રહ્યું છે.
ગુજરાત સિવાયના દેશનાં અન્ય રાજ્યોમાં કુલ ૬૨ શુગર મિલો હાલ ચાલુ છે અને આ મિલોએ ૨.૦૬ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૧.૮૨ લાખ ટન ઉત્પાદન થયું હતું.
ઈસ્માના અંદાજ પ્રમાણે ઑક્ટોબર મહિનામાં મિલોએ કુલ ૨૪.૫૦ લાખ ટન ખાંડનું વેચાણ કર્યું છે, જેની સામે સરકારે કુલ ૨૪ લાખ ટનનો ક્વોટા જાહેર કર્યો હતો. ગત વર્ષે ઑક્ટોબરમાં ૨૨.૭૩ લાખ ટન ખાંડનું વેચાણ થયું હતું.

business news