શુગર મિલોએ નવી સીઝન માટે ૧૨ લાખ ટન ખાંડના ફૉર્વર્ડ વેપાર કર્યા

16 September, 2021 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી સીઝનમાં ઓપન જનરલ લાઇસન્સ હેઠળ ૫૦થી ૬૦ લાખ ટન નિકાસ થઈ શકે

પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક ખાંડના ઊંચા ભાવનો મોટો લાભ ભારતીય શુગર મિલોને અત્યારથી જ મળી રહ્યો છે, જેને પગલે આટલાં વર્ષોમાં પહેલી વાર ભારતીય શુગર મિલોએ હજી નવી સીઝન શરૂ થાય એ પહેલાં જ ૧૨ લાખ ટન ખાંડના નિકાસ માટેના ફૉર્વર્ડ વેપારો કરી લીધા છે.
નૅશનલ ફેડરેશન ઑફ કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીના મૅનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાઇકાનાવરે જણાવ્યું હતું કે નવી સીઝન શરૂ થાય એ પહેલાં આટલી માત્રામાં નિકાસ વેપારો પહેલી વાર થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સબસિડી આપવામાં આવે એની રાહ જોયા વિના જ ઓપન જનરલ લાઇસન્સ હેઠળ શુગર મિલોએ ફૉર્વર્ડ વેપારો કર્યા છે.
વિશ્વમાં બ્રાઝિલ અને થાઇલૅન્ડ ખાંડની નિકાસમાગ પૂરી કરવામાં નિષ્ફળ જાય એવી સંભાવના હોવાથી ભારતીય ખાંડની માગ વધી છે. નાઇકાનાવારે જણાવ્યું હતું કે જો ખાંડની નિકાસની વર્તમાન સ્થિતિ જોતાં અને નવી સીઝનની શરૂઆતમાં જો સારા વેપારો થશે તો આપણે ઓપન જનરલ લાઇસન્સ હેઠળ જ ૫૦થી ૬૦ લાખ ટન ખાંડની નિકાસ કરી શકીએ એવી સંભાવના છે.
ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશને તાજેતરમાં જ નવી સીઝનમાં કુલ ૬૦ લાખ ટન ખાંડની નિકાસ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
બ્રાઝિલની ખાંડ માર્ચ મહિનાથી શરૂ થતી હોય છે, જેને પગલે ભારતીય શુગર મિલો માટે ઑક્ટોબરથી જાન્યુઆરી મહિનાનો સમયગાળો ગોલ્ડન સમય હોય છે અને આ સમયમાં જ નિકાસ સારી માત્રામાં થાય એવો અંદાજ છે.
વૈશ્વિક બજારમાં કાચી ખાંડની માગ વધારે રહે છે અને ભારતીય મિલોને પણ કાચી ખાંડમાં ખર્ચ ઓછો પડતો હોવાથી એની નિકાસ વધારે થાય એવી ધારણા છે.

business news