પીપીઈ કિટના કચરામાંથી મોલ્ડેડ પ્લાસ્ટિકની ઉપયોગી વસ્તુઓ બનાવવાનો સફળ પ્રયોગ

25 September, 2021 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીએસઆઇઆરે નિવેદનમાં જણાવ્યા મુજબ આ પ્રાયોગિક પ્રયોગ હવે દેશભરમાં મૂકી શકાય એવો છે

પ્રતીકાત્મક તસવીર

કોવિડના રોગચાળાની અસરમાંથી બહાર આવીને કંઈક નક્કર કરવાની દિશામાં હવે કામ થવા લાગ્યું છે. હાલમાં સીએસઆઇઆર-નૅશનલ કેમિકલ લેબોરેટરી (સીએસઆઇઆર-એનસીએલ), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા અન્ય અનેક કંપનીઓએ પીપીઈ કિટના કચરામાંથી ઉપયોગી મોલ્ડેડ પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

સીએસઆઇઆરે નિવેદનમાં જણાવ્યા મુજબ આ પ્રાયોગિક પ્રયોગ હવે દેશભરમાં મૂકી શકાય એવો છે, જેથી પીપીઈના કચરાનો ઉપયોગ સલામત તથા ઉપયોગી વસ્તુઓનું નિર્માણ કરવા માટે થઈ શકે.

નોંધનીય છે કે કોરોના રોગચાળા દરમ્યાન પીપીઈ કિટ, માસ્ક, ગ્લવ્ઝ વગેરે જેવી એક વખત વાપરીને નાખી દેવાના પ્લાસ્ટિકની વસ્તુઓનો ઘણા મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. મે મહિનામાં દરરોજ આવો લગભગ ૨૦૦ ટન કરતાં વધુ કચરો થતો હતો.

અત્યાર સુધી પીપીઈ કિટના કચરાનો નિકાલ સેન્ટ્રલ વેસ્ટ મૅનેજમેન્ટનાં સ્થળોએ થતો હતો, જેમાં એ વસ્તુને સળગાવી દેવાતી હતી. આ ઉપાય કરવામાં ઘણી ઊર્જા વપરાય છે અને હાનિકારક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન થાય છે.

ઉક્ત વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સીએસઆઇઆર-એનસીએલ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરીને પ્રાયોગિક ધોરણે ઉક્ત પ્રયોગ કર્યો છે.

પુણેના શહેરી વિસ્તારમાં ૧૦૦ કિલો કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાનો આ પ્રયોગ થયો હતો.

business news