કાગળ ઉદ્યોગની કાચા માલની અછતને દૂર કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત

24 November, 2021 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન પેપર મૅન્યુફૅક્ચરર્સ અસોસિયેશને નાણાં મંત્રાલયને બજેટ પૂર્વે કરેલી રજૂઆતમાં કહ્યું છે કે કાગળ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે કાચો માલ સહેલાઈથી મળે એ જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

કાચા માલની અછતનો સામનો કરી રહેલા ભારતીય કાગળ ઉદ્યોગે સરકારને કાગળનો માવો બનાવવા વપરાતાં લાકડાં (પલ્પવૂડ)નું વાવેતર કરવા માટે બગડી ગયેલી વન્યજમીન અને વન્ય ન હોય એવી સરકારી જમીન આપવાનો સરકારને અનુરોધ કર્યો છે. 
ઇન્ડિયન પેપર મૅન્યુફૅક્ચરર્સ અસોસિયેશને નાણાં મંત્રાલયને બજેટ પૂર્વે કરેલી રજૂઆતમાં કહ્યું છે કે કાગળ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે કાચો માલ સહેલાઈથી મળે એ જરૂરી છે. આથી સરકારે પલ્પવૂડનું વાવેતર કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપવી જોઈએ. દેશમાં શિક્ષણનો પ્રસાર થઈ રહ્યો છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાથી કાગળની માગ વધી છે. આવામાં ઉદ્યોગને કાચા માલની તંગી નડે છે. ઉદ્યોગે ગત કેટલાંક વર્ષોમાં આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, પરંતુ કાચા માલની અછત એના વિકાસમાં બાધારૂપ બની રહી છે. 
અસોસિએશને જણાવ્યા મુજબ હાલમાં ભારતીય કાગળ ઉદ્યોગને દર વર્ષે આશરે ૧૧ મિલ્યન ટન લાકડાંની જરૂર પડે છે, જ્યારે ફક્ત ૯ મિલ્યન ટન લાકડું ઉપલબ્ધ થાય છે. હાલના દરે વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં માગનું પ્રમાણ વધીને ૧૫ મિલ્યન ટન થવાની શક્યતા છે. ઉદ્યોગે સ્વબળે આશરે ૧.૨ મિલ્યન હેક્ટરમાં લાકડાં માટે વાવેતર કર્યું છે. ભારતે બગડેલી વન્યજમીનના લગભગ ૨૫-૩૦ મિલ્યન હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવાની જરૂર છે. 

business news