માર્કેટની વૉલેટિલિટી ચાલુ રહેશે, રોકાણકારો પ્રૉફિટ બુકિંગ ચાલુ રાખશે

15 March, 2021 08:55 AM IST  |  Mumbai | Jayesh Chitalia

માર્કેટની વૉલેટિલિટી ચાલુ રહેશે, રોકાણકારો પ્રૉફિટ બુકિંગ ચાલુ રાખશે

માર્કેટ

ગયા સોમવારે બજારની શરૂઆત તો ધડાકાભેર થઈ હતી અને સેન્સેક્સ ૫૦૦ પૉઇન્ટ ઉપર વધી ગયો હતો, જોકે ગ્લોબલ સંકેત અને પ્રૉફિટ બુકિંગની અસરે બજાર ઉપરથી મહત્તમ પાછું ફરી માત્ર ૩૬ પૉઇન્ટના વધારા સાથે ૫૦,૦૦૦ની ઉપરનું લેવલ જાળવી બંધ રહ્યું હતું, નિફ્ટી કેવળ ૧૮ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. ફેબ્રુઆરીમાં મ્યુચ્યુઅલ ફન્ડસે આશરે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા, જ્યારે માર્ચમાં સોમવાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ૫૦૦૦ કરોડ રૂપિયા સુધીનું રોકાણ પાછું ખેંચ્યું હતું. ભારતીય અર્થતંત્ર સારી કામગીરી બજાવશે એવી આશા વધી રહેલા બિઝનેસ પરથી ફલિત થાય છે. વૅક્સિનની ઝુંબેશ તેમાં ઇમ્યુનિટી પુરવાનું કામ કરે છે. મંગળવારે પણ આમ તો વધઘટની બાબતે સોમવારનું પુનરાવર્તન થયું હતું, જોકે તેનો અંત સોમવાર કરતાં જુદો રહ્યો હતો. મંગળવારે બજાર ઊંચે જઈ બંધ રહ્યું હતું. ગ્લોબલ પરિબળોને કારણે આ રિકવરી તથા તેજીનો ટ્રેન્ડ જોવામાં આવ્યો હતો. મૂળભૂત રીતે બૅન્ક અને ફાઇનૅન્શિયલ સ્ટૉક્સમાં જબ્બર ઉછાળો જોવાયો હતો. સેન્સેક્સ ૫૮૪ પૉઇન્ટ વધીને ૫૧,૦૦૦ ઉપર અને નિફ્ટી આંક ૧૪૨ પૉઇન્ટ વધીને ૧૫,૦૦૦ ઉપર બંધ રહ્યો હતો. જોકે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં નફો બુક થતાં ઘટાડો નોંધાયો હતો.

શુક્રવારે માર્કેટની ચિંતા વધારી
બુધવારે પણ તેજીનો દોર ચાલુ રહેતા સેન્સેક્સ ૨૫૦ પૉઇન્ટ અને નિફ્ટી ૭૬ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. જેમાં એચડીએફસી બૅન્ક અને ઇન્ફોસિસે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. નિફ્ટીએ ૧૫,૧૫૦ની ઉપર લેવલ બનાવ્યું હતું. વૉલેટિલિટી ઇન્ડેકસ પણ હળવો થયો હતો. યુએસ અને એશિયન માર્કેટનો સુધારો ભારતીય માર્કેટની રિકવરી આગળ વધારવામાં સહાયરૂપ થયો હતો. શુક્રવારે માર્કેટની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ગ્લોબલ સંકેત અને ખરીદીનો રસ પૉઝિટિવ રહેતા સેન્સેક્સ ૫૨,૦૦૦ તરફ આગળ વધી રહ્યો હતો, જોકે સતત વૉલેટિલિટી બાદ સેન્સેક્સ ૪૮૭ પૉઇન્ટ તૂટીને ૫૦,૭૯૨ બંધ અને નિફ્ટી ૧૪૩ પૉઇન્ટ ઘટીને ૧૫,૦૩૧ બંધ રહ્યો હતો. જોકે આગામી સપ્તાહમાં પાંચ આઇપીઓ ખૂલી રહ્યા હોવાથી સેકન્ડરી માર્કેટમાં પ્રૉફિટ બુકિંગ થવાની શક્યતા ઊંચી છે, આ ઉપરાંત એક સંભાવના આઇપીઓમાં અરજી કરવા ધિરાણ લેતા વર્ગ માટે વ્યાજદર આશરે દોઢથી બે ટકા વધી જવાની છે. ગયા શુક્રવારે ઉત્પાદન ઇન્ડેક્સનો આંકડો ઘટ્યો હતો, જ્યારે ઇન્ફ્લેશનો આંક વધ્યો હતો. આર્થિક ફન્ડામેન્ટલ્સ મુજબ આ બન્ને અહેવાલ નેગેટિવ કહી શકાય. જો આમાં કોરોનાના વધતા વ્યાપ અને સંભવિત લૉકડાઉનને મુદ્દે માર્કેટની ચિંતા વધી શકે અને તેની અસરે વેચવાલી આવી શકે.

બજારની ચાલ સામે સવાલ
શૅરબજાર જે ચાલ હાલ કેટલાક સમયથી ચાલી રહ્યું છે તે સવાલ અને શંકા ઉઠાવે છે એની આપણે સતત ચર્ચા કરતાં રહ્યા છીએ, જેના પુરાવા જુદા-જુદા છે. તાજેતરમાં વધુ એક પુરાવો સામે આવ્યો. બજારમાં ચાલી રહેલી અણધારી-આડેધડ વધઘટમાં કેટલાક સ્ટૉક્સ પણ વિચિત્ર વલણ બતાવે છે. આ વિષયમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)ના ચોક્કસ વર્ગે સેબી સમક્ષ સવાલ ઉઠાવ્યા છે, જેમાં ખાસ કરીને આઠ બલ્ક ડીલ્સ સામે મુદ્દા રજૂ કરાયા છે. આ બલ્ક ડીલ્સમાં એચડીએફસી લાઇફ, અૅરટેલ, હિન્દુસ્તાન લીવર, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, એસબીઆઇ લાઇફ અને કોટક મહિન્દ્ર બૅન્કનો સમાવેશ થાય છે. એફપીઆઇ વર્ગે સેબીને આવી ડીલ્સના ડેટા વેરિફાઇ કરવા અનુરોધ કર્યો છે તેમ જ બ્લૉક અને બલ્ક ડીલ્સ માટેના નિયમોમાં સુધારાની માગણી કરી છે. રોકાણકાર વર્ગે આમાં સમજવાનું એ છે કે ચોક્કસ બલ્ક ડીલ્સના કારણે પણ અમુક સ્ટૉક્સમાં ભાવની મોટી વધઘટ થાય છે, જેને ફન્ડામેન્ટલ્સ સાથે સીધો કોઈ સંબંધ નથી, આવા સ્ટૉકસ પ્રત્યે સમજણ વિના ખેંચાઈ જવામાં ભેરવાઈ જવાનું જોખમ ઊભું થઈ શકે છે.

બાયબેક બની શકે બેસ્ટ બાય
શૅરબજારમાં ધ્યાન આપવા જેવી બીજી મહત્ત્વની બાબત છે કંપનીઓના પ્રમોટર્સ. સંખ્યાબંધ કંપનીઓના પ્રમોટર્સ તેમની કંપનીમાં હિસ્સો વધારી રહ્યા છે. તાજેતરના સમયની તેજીને ધ્યાનમાં રાખી આ પ્રમોટર્સ પોતાની કંપનીમાં સ્ટેક વધારી રહ્યા છે. આવા સ્ટૉક્સ પર ધ્યાન આપવું જોઈએ. થોડા સમય પહેલાં ટીસીએસમાં બાયબેક થયું હતું, એ પછી એ શૅરનો ભાવ નોંધપાત્ર વધતો રહ્યો છે, જેને જોઈ બાયબેકમાં શૅર સુપરત કરી દેનારા ઘણા શૅરધારકો પસ્તાઈ રહ્યા છે. તાજતેરમાં જે કંપનીઓમાં પ્રમોટર્સ દ્વારા શૅર-હિસ્સો વધારાયો છે તેમાં આદિત્ય બિરલા કૅપિટલ, ગેબ્રિયલ ઇન્ડિયા, મોતીલાલ ઓસવાલ ફાઇ., વર્ધમાન ટેક્સટાઇલ્સ, અલેમ્બિક ફાર્માનો સમાવેશ થાય છે.

જીડીપી ઊંચા દરની ધારણા
ક્રિસિલે ૧૧ ટકા જેવા ઊંચા જીડીપી દરની ધારણા મૂક્યા બાદ ઓર્ગેનાઈઝેશન ઑફ ઇકૉનૉમિક કો-ઓપરેશન અૅન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી)એ વળી ૨૦૨૧-૨૨ માટે ભારતનો જીડીપી દર ઝડપથી વધીને ૧૨.૬ ટકા રહેવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ સંગઠને તેના ઇન્ટરિમ આઉટલુક રીપોર્ટમાં ભારતની ઇકૉનૉમી વિશ્વમાં સૌથી વધુ ઝડપી વિકસતી ઇકૉનૉમી રહેશે એવી આશા દર્શાવી છે. આ અહેવાલ માર્કેટ માટે ગુડ ન્યુઝ ચોક્કસ કહી શકાય અને તેનો લાભ લેવા લાંબા ગાળાના અભિગમ સાથે રોકાણ પ્લાન કરવું જોઈએ. જોકે આને સાર્થક કરવા ભારત સરકારે પણ તેની યોજનાઓના નક્કર અમલીકરણ કરવાના આવશે. આ ઉપરાંત વધુ એક સારા અહેવાલ એ હતા કે માર્ચમાં જીએસટી કલેક્શન રેકૉર્ડ ઊંચાઈએ જવાની ધારણા છે. આર્થિક રિકવરીની ગતિવિધિ માટે આ પરિબળો સમજને વાલે કો ઇશારા કાફી જેવા છે.

ફન્ડ્સમાં પણ પ્રૉફિટ બુકિંગ
દરમ્યાન માર્કેટમાં એક તરફ નિયમિત ધોરણે પ્રૉફિટ બુકિંગ પણ ચાલી રહ્યું છે. સીધા માર્કેટ ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડ મારફત પણ નફો બુક કરાઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં મ્યુચ્યુઅલ ફન્ડસની ઇક્વિટી યોજનાઓમાં સતત આઠમા મહિને ભંડોળ બહાર ગયું છે, અર્થાત રિડમ્પશન ચાલુ રહ્યું છે. ફેબ્રુઆરીમાં આ રિડમ્પશનની રકમ ૪૫૦૦ કરોડ રૂપિયાથી વધુ હતી, જે જાન્યુઆરીમાં ૯૨૦૦ કરોડ રૂપિયાથી વધુ હતી. માત્ર ઇક્વિટી જ નહીં, ડેટ ફન્ડમાંથી પણ લોકો બહાર નીકળી રહ્યા છે. અલબત્ત, ઘણાખરા રોકાણકારો પ્રૉફિટ લઈને તેને અન્ય સાધનોમાં રોકી રહ્યા હોવાનું પણ જોવાય છે. રિબેલેન્સિંગ અથવા રિલૉકેટિંગ ઑફ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે જે સારી નિશાની પણ ગણાય.

હવે ધ્યાનમાં શું રાખવું?
બજારમાં વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખતા સતત વેચવાલી અને કડાકા આવતા રહે એવી શક્યતા જણાતી નથી. હા, માર્કેટ વૉલેટાઇલ અવશ્ય રહેશે. બાકી ઘટના કે સમાચાર આધારિત વધઘટ થાય એ સહજ છે, તે ટૂંકા ગાળાની બાબત હશે. બૅન્ક અને ફાઇનૅન્શિયલ સ્ટૉક્સ, ફાર્મા અને આઇટી સ્ટૉક્સ મુખ્યત્વે પિકચરમાં રહેશે, ઇકૉનૉમી ઝડપ પકડી રહી છે, તેમ છતાં તેની સાથે કોરોનાના ભયની ચોક્કસ અનિશ્ચિતતા પણ જોડાયેલી છે અને રહેશે એ યાદ રાખવું. ભારતીય બજાર ગ્લોબલ સંજોગો અને ક્રૂડના ભાવને વધુ ફોલો કરશે, તેથી રોકાણકારોએ આ વિષય પર ધ્યાન રાખવું જરૂરી બનશે. આ સાથે પોર્ટફોલિયો રિસફલિંગ પણ આવશ્યક જણાય છે. નવા ઇશ્યુઓને ચોક્કસ તક બનાવી શકાય.

sensex nifty national stock exchange bombay stock exchange business news jayesh chitalia