દેશના જીડીપીના સકારાત્મક દરને લીધે રોકાણકારોનું માનસ સુધર્યું

02 March, 2021 09:50 AM IST  |  Mumbai | Stock Talk

દેશના જીડીપીના સકારાત્મક દરને લીધે રોકાણકારોનું માનસ સુધર્યું

શૅર માર્કેટ

અમેરિકન બજારમાં ગયા ગુરુવારે આવેલા તીવ્ર ઘટાડાની પાછળ-પાછળ શુક્રવારે બજાર સુધર્યું હતું, જેની અસર સોમવારે ભારતીય બજાર પર જોવા મળી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઇડને આર્થિક રાહતના પૅકેજ પર હસ્તાક્ષર કર્યા, જેને પગલે વૈશ્વિક બજારે રાહતનો શ્વાસ લીધો હતો. પરિણામે સોમવારે ભારતમાં એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૭૪૯.૮૫ પૉઇન્ટ (૧.૫૩ ટકા) વધીને ૪૯,૮૪૯.૮૪ અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૯૩ પૉઇન્ટ (૧.૩૩ ટકા) વધીને ૧૪,૭૨૨.૧૫ બંધ રહ્યો હતો. ભારતનો ઑક્ટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરનો જીડીપી (કુલ રાષ્ટ્રીય પેદાશ)નો વૃદ્ધિદર પાછલાં બે ક્વૉર્ટરની તુલનાએ ઘણો સુધરીને પૉઝિટિવ (૦.૪ ટકા) આવ્યો છે. દેશનો ફેબ્રુઆરી મહિનાનો પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ પણ ૫૦ની ઉપર રહ્યો છે, જે વૃદ્ધિ દર્શાવે છે. ઉપરાંત, જીએસટીનું ફેબ્રુઆરીનું કલેક્શન ૧,૧૩,૧૪૩ કરોડ રૂપિયા થયું છે, જે સતત પાંચમા મહિને ૧ લાખ કરોડ રૂપિયાની ઉપર રહ્યું છે. એ પરિબળો પણ બજાર માટે સકારાત્મક રહ્યાં હતાં.

સેન્સેક્સનો સુધારો મુખ્યત્વે એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્ક, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ, લાર્સન ઍન્ડ ટુબ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આભારી હતો. ૭૫૦ પૉઇન્ટના સુધારામાં લગભગ ૩૬૬ પૉઇન્ટનો સુધારો આ સ્ટૉક્સના ભાવની વૃદ્ધિને કારણે આવ્યો હતો. ખાનગી બૅન્કોમાંથી કોટક બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્કઅને એચડીએફસી બૅન્ક અનુક્રમે ૩.૫૩ ટકા, ૧.૭૭ ટકા અને ૧.૫૯ ટકા વધ્યા હતા.

પાવરગ્રિડ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ અને ટાઇટન ૩થી ૬ ટકાની વૃદ્ધિ સાથે સેન્સેક્સમાં વધેલા મુખ્ય શૅર હતા.

મુખ્ય ઇન્ડેક્સમાં માત્ર ભારતી ઍરટેલ ઘટ્યો

સેન્સેક્સના ૩૦માંથી ફક્ત એક શૅર - ભારતી ઍરટેલ ઘટ્યો હતો. એમાં ૪.૪૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. નિફ્ટી-૫૦માં પણ ઘટનાર શૅર ફક્ત ભારતી ઍરટેલનો હતો. રિલાયન્સે જિયોમાં પહેલી માર્ચથી ફ્રી હૅન્ડસેટ સાથે બે વર્ષનો અનલિમિટેડ ટોકિંગનો અને પ્રતિ દિવસ બે જીબીનો ડેટાનો પ્લાન ૧૯૯૯ રૂપિયામાં જાહેર કર્યો હોવાથી ભારતી ઍરટેલના શૅરના ભાવ પર વિપરીત અસર થઈ હોવાનું મનાય છે.

નિફ્ટી મીડિયા સર્વાધિક વધ્યો

સેક્ટોરલ દૃષ્ટિએ એનએસઈ પર નિફ્ટી મીડિયા (૪.૩૧ ટકા), નિફ્ટી સીપીએસઈ (૩.૯૨ ટકા), નિફ્ટી ઑટો (૨.૩૮ ટકા), નિફ્ટી કૉમોડિટીઝ (૨.૨૮ ટકા), નિફ્ટી એનર્જી (૧.૯૭ ટકા), નિફ્ટી મેટલ (૧.૯૪ ટકા), નિફ્ટી ઇન્ફ્રા (૧.૫૮ ટકા), નિફ્ટી ફાર્મા (૧.૩૮ ટકા), નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક (૧.૩૬ ટકા) અને નિફ્ટી રિયાલ્ટી (૧.૩૩ ટકા) વધ્યા હતા.

બ્રૉડર માર્કેટમાં પણ સમાન વૃદ્ધિ

બીએસઈ મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં મુખ્ય ઇન્ડેક્સની વૃદ્ધિની આસપાસ જ વધારો થયો હતો. મિડ કૅપમાં ૧.૪૬ ટકા અને સ્મૉલ કૅપમાં ૧.૬૧ ટકાની વૃદ્ધિ થઈ હતી. બીએસઈ પર સેક્ટોરલ દૃષ્ટિએ મુખ્ય ઘટાડો ટેલિકૉમ (૩.૪૧ ટકા) આવ્યો હતો. ટેલિકૉમના ઘટેલા સ્ટૉક્સમાં ભારતી ઍરટેલ ઉપરાંત ઑનમોબાઇલ (૩.૩૪ ટકા), આઇડિયા (૨.૨૯ ટકા), ઇન્ડસટાવર (૧.૯૬ ટકા) અને તેજસનેટ (૧.૬૯ ટકા) સામેલ હતા.
નવીન ફ્લોરાઇન ઇન્ટરનૅશનલ, ગુજરાત ગૅસ, આઇઆરસીટીસી અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીસમાં વૉલ્યુમ ૧૦૦ ટકા કરતાં વધારે વધ્યું હતું. બીએસઈ પર એમઆરપીએલ, તાતા પાવર અને એનબીસીસી સહિતના ૨૫૦ કરતાં વધુ સ્ટૉક્સ બાવન સપ્તાહની નવી ટોચે
પહોંચ્યા હતા.

બીએસઈ પર ‘એ’ ગ્રુપમાં નૅશનલ ફર્ટિલાઇઝર્સ, રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ અને એમએમટીસીમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. દીપક ફર્ટિલાઇઝર્સ ઍન્ડ પેટ્રોકેમિકલ્સ અને એનબીસીસીમાં અનુક્રમે ૧૫.૧૩ અને ૧૪.૩૫ ટકાની વૃદ્ધિ થઈ હતી. ‘બી’ ગ્રુપમાં વર્ધમાન હોલ્ડિંગ, રેલટેલ, ગ્રેવિટા ઇન્ડિયા, પૌષાક અને ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ ટીઆરવીમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.

રોકાણકારોની સંપત્તિમાં ૨.૯૫ લાખ કરોડનો વધારો

બીએસઈ પર સોમવારે દિવસના અંતે માર્કેટ કૅપ ૨૦૩.૭૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે શુક્રવારે ૨૦૦.૮૧ લાખ કરોડ રૂપિયા હતું. આમ એમાં ૨.૯૫ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં બેઝિક મટીરિયલ્સ ૨.૯૧ ટકા, સીડીજીએસ ૨.૦૭ ટકા, એનર્જી ૧.૨૭ ટકા, એફએમસીજી ૧.૦૬ ટકા, ફાઇનૅન્સ ૧.૬૧ ટકા, હેલ્થકૅર ૧.૩૩ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૬૯ ટકા, આઇટી ૧.૨૪ ટકા, યુટિલિટીઝ ૨.૫૯ ટકા, ઑટો ૨.૩૨ ટકા, બૅન્કેક્સ ૧.૬૩ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૪૭ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૫૯ ટકા, મેટલ ૨.૦૮ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૧.૯૩ ટકા, પાવર ૨.૦૫ ટકા, રિયલ્ટી ૧.૩૬ ટકા અને ટેક ૦.૭૮ ટકા વધ્યા હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ ૨,૭૨,૭૯૫.૭૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૨,૯૯૦ સોદાઓમાં ૨૧,૯૮,૧૯૫ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૩,૨૮,૭૬૮ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૬.૫૯ કરોડ રૂપિયાના ૩૮ સોદામાં ૫૭ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૬૬,૭૪૯ સોદામાં ૧૯,૯૨,૬૬૫ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૫૨,૧૧૮.૪૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૬૨૦૩ સોદામાં ૨,૦૫,૪૭૩ કૉન્ટ્રૅક્ટ સાથે ૨૦,૬૭૦.૬૮ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર હરામી ક્રૉસ તરીકે ઓળખાતી પૅટર્ન રચાઈ હોવાથી બજારની દશાવિહોણી સ્થિતિનો અંદાજ વિશ્લેષકોએ
કાઢ્યો છે. નિફ્ટી જો ૧૪,૭૦૦ની ઉપર બંધ આવે તો ૧૪,૯૦૦ અને ૧૫,૦૦૦ સુધી જઈ શકે છે. નીચામાં ૧૪,૬૦૦ અને પછી ૧૪,૫૦૦ના સ્તરે સપોર્ટ છે.

વૈશ્વિક બજારો

સોમવારે યુરોપિયન સ્ટૉક્સ વધ્યા હતા અને બૉન્ડ માર્કેટ શાંત પડી હતી. અમેરિકામાં જાહેર થયેલા આર્થિક પૅકેજને કારણે ક્રૂડના ભાવ ઊંચા ગયા છે અને બૉન્ડની ઊપજ ઘટી છે. નિક્કી-૨૨૫માં ૨.૪૧ ટકા અને હૅન્ગસેંગમાં ૧.૬૩ ટકાની વૃદ્ધિ થઈ હતી.

બજાર કેવું રહેશે?

મંગળવારે ૧૪,૮૩૦ની સપાટી તૂટે તો વૃદ્ધિ જળવાઈ રહેશે. ૧૪,૬૦૦ની નીચે બજાર નરમાશ તરફ ધકેલાશે એવો અંદાજ છે. ટ્રેડરોને સાવચેતીપૂર્વક કામકાજ કરવાની સલાહ આપવામાં આવી છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange