સરહદે તંગદિલીના અહેવાલો વચ્ચે બૅન્કિંગમાં વેચવાલીને લીધે બજારમાં ઘટાડો

19 September, 2020 11:32 AM IST  |  Mumbai | Stock Talk

સરહદે તંગદિલીના અહેવાલો વચ્ચે બૅન્કિંગમાં વેચવાલીને લીધે બજારમાં ઘટાડો

બીએસઈ

અમેરિકન અને યુરોપિયન શૅરબજારમાં ઘટાડો અને તેની સાથે બૅન્કિંગમાં ભારે વેચવાલીના કારણે ગઈ કાલે ભારતીય શૅરબજારમાં ઉપરના મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ભારત અને ચીન સરહદે તંગદિલીના સમાચારો પણ ટીવી ચૅનલ પર આવ્યા હતા જેમાં બન્ને પક્ષે ગોળીબારની ઘટના બની હતી તેના કારણે પણ બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

સેન્સેક્સ ગઈ કાલે ૧૩૪.૦૩ પૉઇન્ટ કે ૦.૩૪ ટકા ઘટી ૩૮૮૪૫.૮૨ અને નિફ્ટી ૧૧.૧૫ પૉઇન્ટ કે ૦.૧૦ ટકા ઘટી ૧૧૫૦૪.૯૫ની સપાટીએ બંધ આવ્યા હતા. સેન્સેક્સ એક તબક્કે ૨૨૧ પૉઇન્ટ વધી ૩૯૨૦૦ થયો હતો અને પછી ઉપરની સપાટીથી ૫૬૫ પૉઇન્ટ ઘટી ૩૮૬૩૫ પૉઇન્ટની નીચી સપાટીએ પટકાયો હતો. નિફ્ટી પણ એક તબક્કે ૭૦ પૉઇન્ટ ઘટેલો હતો. ઇન્ડેક્સ કંપનીઓમાં એચડીએફસી, એચડીએફસી બૅન્ક અને કોટક મહિન્દ્ર બૅન્કના ઘટાડા સામે ભારતી એરટેલ, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બજારને ટેકો આપ્યો હતો.

ગઈ કાલે વિદેશી સંસ્થાઓનું વૉલ્યુમ ઘણું વધારે હતું. તેમણે શૅરબજારમાં ૧૯,૯૩૨ કરોડની ખરીદી અને ૧૯,૭૨૭ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું જે દૈનિક સરેરાશ કરતાં ચારગણું વધારે છે. દિવસના અંતે વિદેશી સંસ્થાઓએ ૨૦૫ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી અને સ્થાનિક સંસ્થાઓએ ૧૦૧ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા.

ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી ફાર્મા અને રીઅલ એસ્ટેટ સહિત પાંચ ક્ષેત્રોમાં વધારો જોવા મળ્યો છે. સામે બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસ સહિત છમાં ઘટાડો જોવા મળ્યો છે. એક્સચેન્જ  ઉપર ૮૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ચાર નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૩૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૦૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૧૬૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૫૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૭૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૧૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૩૨  ટકા  ઘટ્યો હતો અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૨૬ ટકા વધ્યો હતો. શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૪૬૬૬ કરોડ ઘટી ૧૫૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

સાપ્તાહિક ધોરણે બજારમાં સામાન્ય ઘટાડો, સ્મૉલ કૅપ – મિડ કૅપ અને ફાર્મામાં તેજી

વૈશ્વિક બજારમાં વધઘટની સાથે ભારતીય બજારો આ સપ્તાહે સામાન્ય ઘટાડા સાથે બંધ રહી છે. સેન્સેક્સ લગભગ ગત સપ્તાહના સ્તરે જ બંધ રહ્યો છે જ્યારે નિફ્ટીમાં ૦.૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. બૅન્કિંગ શૅરોમાં સતત ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં તીવ્ર વધઘટ જોવા મળી છે. આ સપ્તાહ દરમ્યાન જોકે ફાર્મા અને આઇટી શૅરોએ મેદાન માર્યું છે અને સાથે સાથે સેબીના મલ્ટિકૅપ સ્કીમમાં રોકાણના નવા નિયમોના કારણે સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

આ સપ્તાહે નિફ્ટી ફાર્મા ૮.૯ ટકા, નિફ્ટી આઇટી ૬.૪ ટકા, નિફ્ટી સ્મૉલ કૅપ ૬ ટકા, નિફ્ટી રીઅલ એસ્ટેટ ૫.૫ ટકા, નિફ્ટી મિડ કૅપ ૩.૮ ટકા, નિફ્ટી ઑટો ૨.૬ ટકા વધ્યા છે. સામે નિફ્ટી મેટલ્સ ૦.૯ ટકા, નિફ્ટી એફએમસીજી ૧.૬ ટકા, નિફ્ટી બૅન્ક ૨ ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્કિંગ ઇન્ડેક્સ ૩.૯ ટકા ઘટ્યા છે.

બૅન્કિંગ શૅરોમાં ભારે વધઘટ, દિવસના અંતે ઘટાડો

બૅન્કિંગ શૅરોમાં ગઈ કાલે ફરી ઘટાડો જોવા મળ્યો હતો પણ એ પહેલાં ટ્રેડિંગ દરમ્યાન તેમાં ભારે વધઘટ જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક એક તબક્કે આગલા બંધથી ૧૪૯ પૉઇન્ટ વધ્યો હતો પછી એક તબક્કે ૫૩૬ પૉઇન્ટ ઘટી ગયો હતો. સત્રના અંતે નિફ્ટી બૅન્ક ૧.૩૦ ટકા ઘટીને બંધ આવ્યો હતો. ગઈ કાલે નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૧.૧૯ ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૧.૬૨ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

સરકારી બૅન્કોમાં જમ્મુ અૅન્ડ કાશ્મીર બૅન્ક ૪.૧૧ ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૧૩ ટકા, યુનિયન બૅન્ક ૨.૭૩ ટકા, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૪૭ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૨.૧૧ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૦૯ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૨૮ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૨૧ ટકા, યુકો બૅન્ક ૧.૧૩ ટકા, કૅનરા બૅન્ક ૧ ટકા અને ઇન્ડિયન ઓવરસીઝ ૦.૫ ટકા ઘટીને બંધ આવ્યા છે. ખાનગી બૅન્કોમાં બંધન બૅન્ક ૨.૯૮ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૨.૫ ટકા, એચડીએફસી બૅન્ક ૨.૨૮ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૮૫ ટકા, આરબીએલ બૅન્ક ૧.૬૩ ટકા, ફેડરલ બૅન્ક ૦.૯૫ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૧૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૦૪ ટકા ઘટીને બંધ આવ્યા હતા. માત્ર સિટી યુનિયન બૅન્ક ૧.૦૨ ટકા અને એક્સીસ બૅન્ક ૦.૬ ટકા વધ્યા હતા.

ફાર્મામાં વિક્રમી તેજી

ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૪.૯૮ ટકા વધ્યો હતો અને આ સ્પ્તાહે તે ૮.૯ ટકા જેટલો ઉછળ્યો છે. સતત ચાર દિવસથી ખરીદીના સહારે ફાર્મા કંપનીઓમાં તેજી જોવા મળી રહી છે. બીએસઈ ઉપર હેલ્થકેર ઇન્ડેક્સ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ગઈ કાલે ફાર્મા શૅરોમાં સિપ્લા ૭.૧૧ ટકા, લુપીન ૪.૫૨ ટકા વધ્યા હતા. એરોસોલ બનાવતી વૈશ્વિક કંપનીએ પોતાનું ઉત્પાદન કેટલીક ક્ષતિઓના કારણે બંધ કર્યું હોવાથી ભારતમાં અગ્રણી કંપનીઓ સિપ્લા અને લુપીનના શૅર ગઈ કાલે ઉછળ્યા હતા. ડૉ. રેડ્ડીઝના શૅરમાં સતત ત્રીજા દિવસે ઉછાળો ચાલુ રહ્યો હતો. ગઈ કાલે શૅરના ભાવ ૧૦.૩૬ ટકા વધ્યા હતા. કંપનીએ અમેરિકામાં તેની સામે ચાલી રહેલા કેસમાં સમાધાનની જાહેરાત કરી હોવાથી શૅરના ભાવ ઉછળ્યા હતા.

આ સિવાય ડીવીઝ લેબ ૪.૨ ટકા, કેડિલા હેલ્થ ૩.૮૯ ટકા, ઓરોબિંદો ફાર્મા ૨.૭૯ ટકા, બાયોકોન ૨.૫૬ ટકા, સન ફાર્મા ૨.૩૧ ટકા, ટોરેન્ટ ફાર્મા ૦.૯૨ ટકા અને આલ્કેમ લેબ ૦.૪૯ ટકા વધ્યા હતા.

રિલાયન્સના શૅરોમાં તીવ્ર વધઘટ

ગઈ કાલે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના શૅરમાં ભારે વધઘટ જોવા મળી હતી. ગુરુવારે ૨૨૯૯.૩૫ બંધ આવેલો શૅર ગઈ કાલે વધીને ૨૩૧૯.૬૦ થઈ દિવસમાં એક તબક્કે ઘટી ૨૨૭૭.૦૫ થઈ ગયો હતો એની સાથે બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, પણ છેલ્લી ઘડીએ આવેલી ખરીદીથી શૅર ૨૩૦૫.૫ રૂપિયા બંધ આવ્યો હતો જે આગલા દિવસ કરતાં ૦.૨૭ ટકાનો વધારો સૂચવે છે. ગઈ કાલે બીએસઈ ઉપર શૅરમાં સૌથી વધુ વૉલ્યુમ જોવા મળ્યું હતું.

અન્ય શૅરોમાં વધઘટ

હિન્દુસ્તાન કોપર અને હિન્દાલ્કોએ કોપર કોન્સન્ટ્રેટ ખરીદવા માટે કરાર કર્યા હતા. આ કરારના કારણે ગઈ કાલે હિન્દાલ્કોના શૅર ૨.૧૬ ટકા વધ્યા હતા. ડિબેન્ચર થકી ૪૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની જાહેરાત કરતાં હિન્દુસ્તાંક ઝીંકના શૅર ૧.૧૬ ટકા ઘટ્યા હતા. ૪૬૨ કરોડનો ઓર્ડર મળતા સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારના શૅર ૧.૮૩ ટકા વધ્યા હતા. કમર્શિયલ વાહનોનું વેચાણ વધી રહ્યું છે એવી આશા સાથે અશોક લેલેન્ડના શૅર છેલ્લા બે મહિનામાં ૬૧ ટકા જેટલા વધી ગયા છે. ગઈ કાલે શૅરનો ભાવ ૧.૭૯ ટકા વધી ૭૯.૭૦ની સપાટીએ પહોંચ્યો હતો. 

sensex nifty bombay stock exchange national stock exchange business news