આર્થિક પૅકેજની આશામાં શૅરબજારમાં નીચલા મથાળે ખરીદી

25 March, 2020 10:43 AM IST  |  Mumbai | Stock Talk

આર્થિક પૅકેજની આશામાં શૅરબજારમાં નીચલા મથાળે ખરીદી

બીએસઈ

વૈશ્વિક બજારોમાં ફેડરલ રિઝર્વ દ્વારા સોમવારે સાંજે જાહેર કરવામાં આવેલા અદ્વિતીય પૅકેજને કારણે અને અમેરિકન સેનેટ પણ એક જંગી પૅકેજ તરફ આગળ વધી રહ્યું હોવાના સતત ઘટી રહેલા બજારમાં આશાનું કિરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં પૅકેજ જાહેર કરવામાં આવશે એવા સંકેત અને નાણાપ્રધાને આજે ટૅક્સ ફાઇલ કરવામાં આપેલી છૂટછાટને લીધે ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી હતી. વળી સોમવારે બજારમાં જોવા મળેલી વિક્રમી વેચવાલી પછી આજે નીચા મથાળે પણ ખરીદીનો દોરીસંચાર થયો હતો.

સત્રના અંતે સેન્સેક્સ ૬૯૨.૭૯ પૉઇન્ટ કે ૨.૬૭ ટકા વધી ૨૬૬૭૪ અને નિફ્ટી ૧૯૦.૮૦ પૉઇન્ટ કે ૨.૫૧ ટકા વધી ૭૮૦૧ બંધ રહ્યા હતા. જોકે સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં ખરીદીનું પ્રમાણ ઓછું હતું. આ ઉપરાંત બજારમાં વધેલા કરતાં ઘટેલા શૅરોની સંખ્યા વધારે હતી, એટલે એમ કહી શકાય કે બજારમાં રિકવરી માટે કેટલીક પસંદગીના ક્ષેત્રોમાં કે હેવીવેઇટ કંપનીઓમાં જ ખરીદી જોવા મળી હતી. જોકે આજના ઉછાળામાં પણ વિદેશી સંસ્થાઓનું વેચાણ ચાલુ રહ્યું હતું. વિદેશી સંસ્થાઓએ આજે ૨૧૫૩ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા.

આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર આઇટી, ફાર્મા, પ્રાઇવેટ બૅન્ક સહિત ૧૦ ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી હતી. માત્ર રીઅલ એસ્ટેટ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૫ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૮૭૩ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૭૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૪૦૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૧૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૦૮૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૭૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૪૪૯માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૦૫ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૫૬ ટકા વધ્યા હતા. મંગળવારે  બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧,૮૨,૭૭૦ કરોડ વધી   ૧૦૩.૬૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

કન્ઝ્યુમર ગુડ્સમાં તેજી

સોમવારે ભારે વેચવાલીના કારણે ૧૦.૬ ટકા ઘટેલા નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સની કંપનીઓમાં આજે ખરીદી જોવા મળી હતી. આજે ઇન્ડેક્સ ૩.૨૪ ટકા વધ્યો હતો. આ ક્ષેત્રની કંપનીઓમાં બ્રિટાનિયા ૧૦.૭૪ ટકા, ગ્લેક્સો ૮.૩૯ ટકા, નેસ્લે ૫.૪૩ ટકા, ગોદરેજ કન્ઝ્યુમર ૩.૨૯ ટકા મેરીકો ૨.૭૮ ટકા અને કોલગેટ પામોલિવ ૧.૭૬ ટકા વધ્યા હતા. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનીલીવર આજે ૮.૩૪ ટકા વધી હતી. કંપનીએ ર્ક હાઈજીન પ્રોડક્ટ બ્રૅન્ડ વીવોશ ખરીદવાની જાહેરાત કરી હતી અને તેના કારણે શૅરમાં તેજીનો કરન્ટ હતો.

ફાર્મા શૅરોમાં પણ ખરીદી

નિફ્ટી ફાર્મા કંપનીઓનો ઇન્ડેક્સ સોમવારે ૭.૪૭ ટકા ઘટ્યો હતો, પણ આજે તેમાં નીચા મથાળે ખરીદી હતી. ઇન્ડેક્સ આજે ૨.૭૮ ટકા વધ્યો હતો. કંપનીઓમાં ઓરોબિંદો ફાર્મા ૧૦.૯૯ ટકા, સ્ટ્રાઈડસ ફાર્મા ૮.૭૬ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૩.૫૦ ટકા, સનફાર્મા ૩.૪૧ ટકા અને ડીવીસ લૅબ ૩.૨૭ ટકા વધ્યા હતા.

business news bombay stock exchange national stock exchange sensex nifty