પૅકેજની શૅરબજાર ઉપર કોઈ અસર નહીં : ભારે વેચવાલી વચ્ચે થયો જબરદસ્ત ઘટાડો

31 March, 2020 11:18 AM IST  |  Mumbai | Stock Talk

પૅકેજની શૅરબજાર ઉપર કોઈ અસર નહીં : ભારે વેચવાલી વચ્ચે થયો જબરદસ્ત ઘટાડો

બીએસઈ

શુક્રવારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પૅકેજ જાહેર કર્યું અને તેના અગાઉ કેન્દ્ર સરકારે કોરોના વાઇરસની અસરથી નબળા વર્ગના લોકો ઉપર માઠી અસર ખાળવા માટે પૅકેજ જાહેર કર્યું હતું. આ પછી બજારમાં થોડી રાહત મળશે એવી અપેક્ષા ખોટી ઠરી છે. સોમવારથી બજારમાં ફરી વેચવાલી ચાલુ થઈ ગઈ છે. વૈશ્વિક અને સ્થાનિક રીતે વાઇરસની અસર વધી રહી છે અને તેના કારણે આર્થિક પ્રવૃત્તિ ઉપર મોટો ફટકો પડશે એ હવે વધુને વધુ નિશ્ચિત થઈ ગયું છે. એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વિદેશી સંસ્થાઓ દ્વારા શૅરબજારમાં ભારે વેચવાલી કરવામાં આવી હતી અને તેની અસર પણ બજાર ઉપર જોવા મળી હતી.

શુક્રવારે અમેરિકન શૅરબજાર અને આજે એશિયા અને યુરોપના શૅરબજારમાં ઘટાડો ફરી શરૂ થયો હતો અને તેની પણ માનસ ઉપર અસર જોવા મળી રહી હતી. દિવસના અંતે સેન્સેક્સ ૧૩૭૫.૨૭ પૉઇન્ટ કે ૪.૬૧ ટકા ઘટી ૨૮૪૪૦.૩૨ અને નિફ્ટી ૩૭૯.૧૫ પૉઇન્ટ કે ૪.૩૮ ટકા ઘટી ૮૨૮૧.૧૦ની સપાટીએ બંધ આવ્યા હતા. બૅન્કિંગ સિવાય અગ્રણી નાણાકીય સેવાઓ આપતી કંપની બજાજ ફાઇનૅન્સ ૧૧.૯૫ ટકા, એચડીએફસી ૧૦.૯૨ ટકા ઘટી હતી. તો તાતા સ્ટીલ ૮.૩૬ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૧૧ ટકા અને ટીસીએસ ૨.૩૩ ટકા ઘટ્યા હતા.

સતત ૨૩ દિવસ સુધી વેચવાલી કર્યા બાદ શુક્રવારે વિદેશી સંસ્થાઓએ સામાન્ય ખરીદી કરી હતી એટલે બજારમાં એવો ઉત્સાહ હતો કે હવે તેમની વેચવાલી પૂર્ણ થઈ અને નીચા મથાળે ખરીદી નીકળશે, પણ આજે ફરી વિદેશી સંસ્થાઓએ ૪૩૬૩ કરોડ રૂપિયાની જંગી વેચવાલી કરતાં બજારમાં નિરાશા જોવા મળી રહી હતી. ચાર દિવસથી મજબૂત જોવા મળી રહેલા બૅન્કિંગ શૅરમાં ભારે વેચવાલી હતી અને એવું લાગી રહ્યું હતું કે સામાન્ય ઉછાળા પછી વિદેશી સંસ્થાઓ તેમાં પ્રોફિટ બુક કરી રહી છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર ખાનગી બૅન્કો, નાણાકીય સેવાઓ, ઑટો સહિત નવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા અને એફએમસીજી વધ્યા હતા. એક્સચેન્જ ઉપર ૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૨૨૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૬૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૨૫ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૨૫ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૩૨૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૭૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૯૧માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૭૫ અને મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૧૩ ટકા ઘટ્યા હતા. સોમવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન ૨,૮૫,૨૭૧ કરોડ ઘટી  ૧૦૯.૬૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

બૅન્કિંગમાં ફરી વેચાણ

ગત સપ્તાહે ચાર સ્તરમાં ૧૮.૦૪ ટકા વધી જનારા નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સમાં આજે ૬.૦૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સરકારી બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૬૪ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૫૮ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૩.૦૫ ટકા, કૅનેરા બૅન્ક ૩.૦૫ ટકા, યુનિયન બૅન્ક ૨.૭૪ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૨૫ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૨.૦૨ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૬૪ ટકા અને યુકો બૅન્ક ૧.૬૪ ટકા ઘટ્યા હતા.

ખાનગી બૅન્કોમાં બંધન બૅન્ક ૧૩.૫૧ ટકા, ફેડરલ બૅન્ક ૮.૪૪ ટકા, એચડીએફસી બૅન્ક ૭.૯૬ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૭.૬૭ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૭.૨૯ ટકા, આરબીએલ બૅન્ક ૬.૧૭ ટકા, યસ બૅન્ક ૫.૮૭ ટકા અને સિટી યુનિયન બૅન્ક ૫.૧૪ ટકા ઘટીને બંધ આવ્યા હતા. જોકે ફિક્સ ડિપોઝિટનું ક્રેડિટ રેટિંગ સ્થિર રહેતા ઇન્ડસઇન્ડ બૅન્કના શૅર ૦.૧૩ ટકા વધી ૪૧૧.૫૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ખાંડ ઉત્પાદકોના શૅર વધ્યા

કોરોના વાઇરસના કારણે ખાંડ ઉત્પાદક કંપનીઓને સરકારે સેનેટાઈઝર બનાવવાની છૂટ આપી હોવાથી અને ઉત્પાદકોએ તેનું ઝડપથી કાર્ય ચાલુ કર્યું હોવાના અહેવાલ વચ્ચે આજે ખાંડ ઉત્પાદકોના શૅરમાં ભારે ખરીદી જોવા મળી હતી. કેસીપી સુગર આજે ૨૦ ટકા, ઇઆઇડી પેરી ૧૦.૧૩ ટકા, બલરામપુર ચીની ૧૦ ટકા, શ્રી રેણુકા સુગર ૯.૮૭ ટકા શક્તિ સુગર ૭.૬૯ ટકા, દ્વારિકેશ સુગર ૫ ટકા, ધામપુર ૪.૯૯ ટકા, ત્રિવેણી એન્જિનિયરિંગ ૪.૯૭ ટકા, સિમ્ભોલી સુગર ૪.૮૭ અને રાણા સુગર ૪.૫૮ ટકા વધ્યા હતા.

ઑટો કંપનીઓમાં ભારે વેચવાલી

નિફ્ટી ઑટો ઇન્ડેક્સ આજે ૫.૪૬ ટકા ઘટ્યો હતો. આજે ઘટેલા શૅરોમાં બોશ લિમિટેડ ૮.૩૭ ટકા ઘટી ૯૧૦૦, ભારત ફોર્જ ૬.૮૨ ટકા ઘટી ૨૪૬.૧૦, આઇશર મોટર્સ ૬.૫૩ ટકા ઘટી ૧૩,૩૮૪.૯૫, મારુતિ સુઝુકી ૬.૧૬ ટકા ઘટી ૪૩૬૦, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર ૫.૯૪ ટકા ઘટી ૨૭૭, હીરો મોટો કોર્પ ૫.૭૩ ટકા ઘટી ૧૫૬૬, મધરસન સુમી ૪.૨ ટકા ઘટી ૬૦.૫, તાતા મોટર્સ ૩.૨૫ ટકા ઘટી ૬૮.૪૦, ટીવીએસ મોટર્સ ૨.૬૬ ટકા ઘટી ૮૦.૪, બજાજ ઑટો ૨.૫૧ ટકા ઘટી ૨૦૦૨ અને અશોક લેલેન્ડ ૧.૩૯ ટકા ઘટી ૪૨.૭૦ રૂપિયા બંધ આવ્યા હતા.

અન્ય કંપનીઓમાં વધઘટ

લુપીનના શૅર અમેરિકાના ડ્રગ રૅગ્યુલેટરના અહેવાલ બાદ વૃદ્ધિ જોવા મળી હતી અને શૅર ૨.૩૯ ટકા વધીને બંધ આવ્યા હતા. સન ફાર્માના શૅર ૧.૩૩ ટકા ઘટી ૩૩૩.૬૫ રૂપિયા બંધ આવ્યા હતા. કંપનીના હાલોલ પ્લાન્ટમાં અમેરિકન ડ્રગ રૅગ્યુલેટર તરફથી રિપોર્ટમાં નબળાઈઓ મળી આવી છે અને તેથી નિકાસ ઉપર અસર પડી શકે એવી ધારણાએ શૅરના ભાવ ઘટ્યા હતા.

એબોટ ઇન્ડિયાના શૅર આજે ૮.૯૭ ટકા વધી ૧૫,૪૦૦ રૂપિયા બંધ આવ્યો હતો. કોરોના વાઇરસની ઓળખ માટેની કીટને મંજૂરી મળી હોવાથી શૅરમાં ઉછાળો જોવા મળ્યો છે. ડેલ્ટા કોર્પના શૅર આજે ૫ ટકાની તેજીની સર્કિટ સાથે ૬૨.૪૫ રૂપિયા બંધ રહ્યા હતા. કંપનીએ ૧૦૦ના ભાવે શૅરનું બાયબેક કરવાની જાહેરાત કરી હોવાથી શૅરના ભાવમાં ઉછાળો આવ્યો હતો. 

sensex nifty bombay stock exchange national stock exchange business news