શૅર બજારનો 5 વર્ષનો સૌથી ખરાબ દિવસ: એક દિવસમાં 6.84 લાખ કરોડ રૂપિયા સાફ

11 March, 2020 07:34 AM IST  |  Mumbai | Stock Talk

શૅર બજારનો 5 વર્ષનો સૌથી ખરાબ દિવસ: એક દિવસમાં 6.84 લાખ કરોડ રૂપિયા સાફ

શૅર બજાર

સતત બે બ્લૅક ફ્રાઇડે પછી સોમવાર ભારતીય શૅરબજાર માટે વધારે ઘાતક નીવડ્યો હતો. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ૬.૮૪ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. એક જ દિવસમાં સેન્સેક્સ ૧૯૪૨ પૉઇન્ટ ઘટ્યો હતો, જે ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો છે. કોરોના વાઇરસને કારણે બજારો ફેબ્રુઆરીના મધ્યથી ઘટવાનું શરૂ થયું હતું, પણ ક્રૂડ ઑઇલના ભાવ એક જ દિવસમાં ૩૦ ટકા ઘટી જતાં બજારમાં જે વેચવાલી આવી એનાથી કોઈ બાકાત રહી શક્યું નથી.

ભારતના સૌથી વધુ ધનિક મુકેશ અંબાણીની રિલાયન્સના શૅર ૧૨.૪ ટકા ઘટ્યા હતા, છેલ્લા એક દાયકામાં સૌથી મોટો ઘટાડો. કંપનીમાં રોકાણકારોએ એક લાખ કરોડ જેટલી રકમ ગુમાવી છે અને એની સાથે રિલાયન્સ હવે દેશની સૌથી મૂલ્યવાન કંપની પણ રહી નથી. એક તબક્કે ૧૦ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કૅપ ધરાવતી આ કંપનીના શૅર હવે ૩૦ ટકા જેટલા ઘટી ગયા છે. કંપનીનું મૂલ્ય ૭.૦૫ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. પ્રથમ ક્રમે તાતા કન્સલ્ટન્સી આવી ગઈ છે જેનું બજારમૂલ્ય ૭.૪૦ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

નરમ ક્રૂડ ઑઇલના ભાવ ભારતીય અર્થતંત્ર માટે સામાન્ય રીતે સારા ગણવામાં આવે છે. ભારત એની જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ આયાત કરે છે, પણ સોમવારે ભારતીય રૂપિયો પણ ૭૪ ડૉલરની સપાટી પાર કરી ગયો હતો, કારણ કે વિદેશી સંસ્થાઓ સતત ભારતીય બજારમાં વેચવાલી કરી રહી છે. ડૉલરનો પ્રવાહ દેશની બહાર જઈ રહ્યો છે. સોમવારે વિદેશી સંસ્થાઓએ લગભગ એક અબજ ડૉલરના શૅર વેચ્યા હતા અને ચાલુ મહિનામાં લગભગ તેમનું વેચાણ ૪ અબજ ડૉલરની સપાટીએ છે.

એક જ દિવસમાં ધનકુબેરોના ૨૩૮.૫ અબજ ડૉલર સ્વાહા

ગયા સપ્તાહે બજાર બંધ રહ્યું ત્યારે વિશ્વના સૌથી વધુ ધનિકોની સંપત્તિમાં ૪૪૪ અબજ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો હતો, પણ કોરોના વાઇરસને કારણે આર્થિક મંદી પછી વૈશ્વિક શૅરબજાર માટે સોમવાર વધુ ઘાતક નીવડ્યો છે. ભારતીય શૅરબજારમાં એક જ દિવસમાં ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નહીં હોય એવો ઘટાડો જોવા મળ્યો, તો ક્રૂડ ઑઇલના ભાવ એક જ દિવસમાં છેલ્લાં ૩૦ વર્ષમાં ક્યારેય ઘટ્યા નહીં હોય એટલા ઘટ્યા હતા. અમેરિકન શૅરબજારમાં પણ એક જ દિવસનો સૌથી મોટો ઘટાડો સોમવારે જોવા મળ્યો છે. આની સાથે વિશ્વના ધનકુબેરોની સંપત્તિમાં પણ જંગી ઘટાડો જોવા મળ્યો છે.

બ્લૂમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ અનુસાર સોમવારે એક જ દિવસમાં વિશ્વના સૌથી વધુ મોટા ૫૦૦ ધનિકોની સંપત્તિમાં ૨૩૮.૫ અબજ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઇન્ડેક્સની રચના ૨૦૧૬માં થઈ હતી અને એ પછી આ સૌથી મોટો ઘટાડો છે. અત્યાર સુધીમાં ૨૦૨૦માં આવેલી મંદીને કારણે ટોચના ૫૦૦ અબજોપતિઓની સંપત્તિમાંથી ૫૦૦ અબજ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. 

business news sensex nifty bombay stock exchange national news