22 August, 2025 06:59 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાકિસ્તાની શૅરબજાર નવી ટૉપ સાથે દોઢ લાખને પાર : ચાઇના રૅર અર્થની સપ્લાય પૂર્વવત્ થવાની ધારણામાં ઑટો શૅરની સવારી આગળ વધી : ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની વાટાઘાટોને પગલે ડિફેન્સ શૅરમાં પીછેહઠ : રૉ-કૉટનની આયાત-જકાત રદ થતાં કૉટન ટેક્સટાઇલ શૅરમાં સિલેક્ટિવ ફૅન્સી : બ્લુસ્ટોન જ્વેલરી ડિસ્કાઉન્ટમાં ખૂલી ધારણા કરતાં સારો લિસ્ટિંગ ગેઇન આપવામાં સફળ : મારુતિ, આઇશર, TVS મોટર, અશોક લેલૅન્ડ, હ્યુન્દાઇ મોટર નવા શિખરે : ગઈ કાલે ખૂલેલા મેઇન બોર્ડનાં ચારેક ભરણાં પ્રથમ દિવસે જ છલકાઈ ગયાં
ભારતની મુકાલાતે આવેલા ચાઇનીઝ વિદેશપ્રધાન તરફથી રૅર અર્થ મૅગ્નેટ, ફર્ટિલાઇઝર્સ તથા ટનેલ બોરિંગ મશીન્સની નિકાસ ઉપરના અંકુશ હળવા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મતલબ કે ચીન-ભારત વચ્ચેના તનાવભર્યા સંબંધના સ્થાને હવે પરસ્પર પ્રેમ અને ઉષ્માભર્યો માહોલ જોવાશે એવી આશા જાગી છે. હિન્દી-ચીની ભાઈ-ભાઈના જયકારા ક્યારે શરૂ થાય છે એ જોવું રહ્યું દરમ્યાન GSTના સૂચિત રીસ્ટ્રક્ચરિંગથી સ્થાનિક મોગને નવું જોમ મળવાની વાતો થવા માંડી છે. મૉર્ગન સ્ટૅનલીવાળાએ તો આગામી ૬થી ૯ માસમાં નિફ્ટી ૩૦,૦૦૦ જવાની શક્યતા દર્શાવી દીધી છે. આ બધાને પરિણામે બજાર બંધથી ૪૫ પૉઇન્ટ જેવો પરચૂરણ વધી ૮૧,૩૧૯ ખૂલ્યા બાદ ગઈ કાલે ૩૭૧ પૉઇન્ટની આગેકૂચમાં ૮૧,૬૪૪ બંધ થયો છે. નિફ્ટી ઉપરમાં ૨૫,૦૧૩ બતાવી ૧૦૪ પૉઇન્ટ વધી ૨૪,૯૮૧ થયો છે. બજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં હતું. શૅરઆંક નીચામાં ૮૧,૩૧૫ અને ઉપરમાં ૮૧,૭૫૬ થયો છે. બજાજ આરંભથી અંત સુધી પૉઝિટિવમાં ૮૧,૭૫૬ દેખાયો હતો. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકા જેવા સુધારા સામે એકાદ ટકા જેવો મજબૂત હતો. બન્ને બજારનાં લગભગ તમામ ઇન્ડાઇસિસ વધ્યાં છે. આગલા દિવસે સવાચાર ટકા કે ૨૨૯૬ પૉઇન્ટની તેજી દાખવનાર ઑટો બેન્ચમાર્ક ચાઇન્ઝ મહેરની થીમ પાછળ મંગળવારે ૮૧૭ પૉઇન્ટ કે દોઢ ટકા વધુ આગળ વધ્યો છે. રિલાયન્સની આગેવાની હેઠળ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢ ટકા ઊંચકાયો હતો. FMCG બેન્ચમાર્ક ૮૧માંથી ૬૩ શૅરના સથવારે એક ટકા વધ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ એક ટકા, એનર્જી ઇન્ડેક્સ દોઢ ટકા, મેટલ ઇન્ડેક્સ પોણો ટકો, પાવર તથા રિયલ્ટી અડધો ટકો, નિફ્ટી મીડિયા સવા ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકા વધ્યો છે. નિફ્ટી ફાર્મા સાધારણ નરમ હતો. યુક્રેન ખાતે શાંતિ સ્થાપના માટે ત્રિપક્ષીય વાટાઘાટનો તખ્તો ગોઠવાતાં ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૦ શૅરની નરમાઈમાં એક ટકા કટ થયો છે. હેવી વેઇટ્સની હૂંફના અભાવે આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી શૅર વધવા છતાં માત્ર ૦.૩ ટકા સુધર્યો છે. બૅન્ક નિફ્ટી પણ આવા જ વલણમાં ૧૨માંથી ૯ શૅર પ્લસ થવા છતાં ફક્ત ૧૩૦ પૉઇન્ટ વધ્યો છે. માર્કેટ બ્રેડ્થ વધુ સ્ટ્રૉન્ગ બનતાં NSE ખાતે વધેલા ૨૦૫૦ શૅરની સામે ૯૩૯ જાતો માઇનસ થઈ છે. માર્કેટકૅપ ૩.૫૯ લાખ કરોડ રૂપિયાના ઉમેરામાં ૪૫૪.૪૦ લાખ કરોડ વટાવી ગયું છે.
પ્રાઇમરી માર્કેટમાં મેઇન બોર્ડની સતત ખોટ કરતી બ્લુસ્ટોન જ્વેલરી એકના શૅરદીઠ ૫૧૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટના બે રૂપિયાના પ્રીમિયમ સામે ગઈ કાલે ડિસ્કાઉન્ટમાં ૫૦૯ નીચે ખૂલી ઉપરમાં ૫૬૪ બનાવી ૫૪૬ બંધ થતાં શૅરદીઠ ૩૭ રૂપિયા કે સવાસાકત ટકાનો લિસ્ટિંગ ગેઇન મળી ગયો છે. SME સેગમેન્ટ ખાતે પૂણેની આઇકોડેક્સ પબ્લિશિંગ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે બિલો-પાર ૮૧.૬૦ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૭૭.૫૫ બંધ થતાં અત્રે ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. આજે બુધવારે રિગલ રિસોર્સિસ અને મહેન્દ્ર રિયલ્ટર્સનાં લિસ્ટિંગ છે. હાલ રિગલમાં ૨૮નું પ્રીમિયમ ચાલે છે.
એશિયા ખાતે સિંગાપોરના પોણા ટકા નજીકના સુધારાને બાદ કરતાં તમામ બજારોનો મંગળવાર વત્તે ઓછે અંશે ખરાબ નીવડ્યો છે. સાઉથ કોરિયા પોણા ટકાથી વધુ, તાઇવાન થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા અડધા ટકા આસપાસ, હૉન્ગકૉન્ગ અને જપાન સાધારણ તેમ જ ચાઇના નામપૂરતા નરમ હતા. યુરોપ ખાતે ફ્રાન્સ રનિંગમાં એક ટકા નજીક તો અન્ય માર્કેટ સાધારણ પ્લસ હતાં. બિટકૉઇન રનિંગમાં અડધા ટકા જેવી કમજોરીમાં ૧,૧૫,૫૭૫ ડૉલર ચાલતો હતો. મારફાડ તેજીમાં પાકિસ્તાની શૅરબજાર છેવટે દોઢ લાખની પાર થયું છે. કરાચી શૅરબજારનો આંક ૧,૪૮,૧૯૬ના આગલા બંધની સામે ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૧,૫૦,૩૨૩ની ઑલટાઇમ હાઈ નોંધાવી રનિંગમાં ૧૫૬૬ પૉઇન્ટ વધી ૧,૪૯,૭૬૨ દેખાતો હતો. એક વર્ષમાં અહીં ૯૦ ટકાની તેજી આવી ચૂકી છે.
નવા શિખર સાથે હ્યુન્દાઇનું માર્કેટકૅપ ૨.૧૦ લાખ કરોડે
તાતા મોટર્સ સાડાત્રણ ટકા વધીને ૭૦૦ના બંધમાં બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. આગલા દિવસે ૧૧૫૫ રૂપિયા ઊછળેલો મારુતિ સુઝુકી ૧૪,૨૬૮ના બેસ્ટ લેવલે જઈને સવા ટકો વધી ૧૪,૨૪૦ રહ્યો છે, હોરો મોટોકૉર્પ ૨૭૬ રૂપિયાની તેજીની ઇનિંગ આગળ ધપાવતાં પોણા ત્રણેક ટકા કે ૧૩૪ રૂપિયા વધીને ૫૧૧૮ થયો છે. બજાજ ઑટો આગલા દિવસે સાડાચાર ટકા ઊંચકાયા પછી અઢી ટકા કે ૨૦૭ની વધુ તેજીમાં ૮૭૯૫ વટાવી ગયો છે. મહિન્દ્ર પોણો ટકો નરમ હતો. આઇશર મોટર્સ એક ટકાથી વધુ કે ૬૪ રૂપિયાની આગેકૂચમાં ૫૯૭૬ની ટોચે બંધ રહ્યો છે. અન્યમાં ટીવીએસ મોટર પણ એક ટકો વધીને ૩૨૫૧ના શિખરે બંધ હતો. અશોક લેલૅન્ડ ૧૩૪ નજીક નવી ટૉપ બનાવી સવા ટકો વધી ૧૩૩ની ઉપર, હ્યુન્દાઇ મોટર ૨૬૨૪ની વિક્રમી સપાટી નોંધાવી સાડાછ ટકા કે ૧૫૮ના જમ્પમાં ૨૫૮૫, એસ્કૉર્ટ્સ ૦.૭ ટકા ઘટી ૩૫૯૮, ઓલા ઇલેક્ટ્રિક પોણાનવ ટકાની તેજીમાં ૪૫ બંધ આવ્યો છે.
રિલાયન્સ બમણા વૉલ્યુમે પોણાત્રણ ટકા વધીને ૧૪૨૦ નજીક બંધ આપી બજારને સર્વાધિક ૨૨૪ પૉઇન્ટ ફળ્યો છે. જિયો ફાઇનૅન્સ અડધો ટકો સુધર્યો છે. અદાણી પોર્ટ્સ ૩.૨ ટકા તો અદાણી એન્ટર ૨.૪ ટકા મજબૂત હતો. અદાણીના અન્ય શૅરમાં અદાણી ગ્રીન સાડાત્રણ ટકા, NDTV પાંચ ટકા, અદાણી પાવર-અદાણી એનર્જી અદાણી ટોટલ, એસીસી પોણાથી સવા ટકો પ્લસ થયા છે. એટર્નલ બે ટકાથી વધુની મજબૂતીમાં ૩૨૧ ઉપર નવી ટોચે બંધ હતો. સ્વિગી અઢી ટકા વધ્યો છે. કોટક બૅન્ક દોઢ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા, ભારતી ઍરટેલ ૦.૯ ટકા, ટેક મહિન્દ્ર પોણાબે ટકા નજીક, નેસ્લે દોઢ ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૪ ટકા, તાતા સ્ટીલ વિપ્રો અને અલ્ટ્રાટેક પોણા ટકા આસપાસ પ્લસ હતા. TCS નહીંવત્ તો ઇન્ફી સાધારણ સુધર્યા હતા.
HDFC બૅન્ક અડધો ટકો ઘટી બજારને સૌથી વધુ ૮૦ પૉઇન્ટ નડ્યો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકા બગડીને નિફ્ટીમાં તો બજાજ ફિનસર્વ એક ટકો ઘટી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યો છે. HCL ટેક્નૉ તથા પાવરગ્રીડ પોણા ટકા આસપાસ, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૦.૭ ટકા, સિપ્લા તથા હિન્દાલ્કો એક-એક ટકો, કોલ ઇન્ડિયા અને ગ્રાસિમ અડધા ટકાથી વધુ, લાર્સન અડધા ટકા જેવો ઢીલો થયો છે.
બૉમ્બે ઑક્સિજન વૉલ્યુમ સાથે ૪૭૦૩ રૂપિયા ઊછળ્યો
સરકારની ૯૯ ટકા માલિકીની KIOCL (કુદ્રમુખ આયર્ન ઓર)ના પરિણામમાં ખાસ સારા વાટ નથી. કુલ આવક ૧૫૮ કરોડથી ઘટી ૧૦૮ કરોડ થઈ છે, પણ નેટલૉસ ૫૦૭૨ લાખથી ઘટીને ૩૭૭૯ લાખ આવી છે. ગઈ કાલે ભાવ છ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૪૦૧ બંધ થતાં શૅર એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. ડેલ્ટાકૉર્પ ૨૧ ગણા કામકાજે પોણાબાર ટકા ઊછળી ૯૩ વટાવી ગયો છે. રેમન્ડ લાઇફ સ્ટાઇલ સવાદસ ટકા કે ૧૧૨ના જમ્પમાં ૧૨૦૦ થયો છે. ઇન્ફિબીમનો શૅર સવા છ ટકા ઊંચકાઈને ૧૬ રૂપિયા નજીક તો એનો પાર્ટ પેઇડ શૅર સાડાનવ ટકાના જોરમાં સાડાનવ ઉપર બંધ આવ્યો છે. સામે બજાજ હોલ્ડિંગ્સ બમણા કામકાજે પાંચ ટકા કે ૭૧૯ રૂપિયા તૂટી ૧૩,૭૯૮ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ચોલા મંડલમ ફાઇનૅન્સ સવાચાર ટકા, શારદા ક્રૉપકૅમ ચારેક ટકા, ઇથૉસ લિમિટેડ પોણાચાર ટકા અને ન્યુલૅન્ડ લૅબ ૩.૭ ટકા કે ૪૯૪ રૂપિયા ખરડાયો હતો.
રોકડામાં HLE ગ્લાસકોટ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૯૯ નજીક નવી ટોચે બંધ હતો. આલ્ફાલૉજિક ઇન્ડસ્ટ્રીઝ, શર્મા ઇસ્ટ ઇન્ડિયા હૉસ્પિટલ્સ, IFGL રિફ્રેક્ટરીઝ પણ ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ગયો હતો. બૉમ્બે ઑક્સિજન ઇન્વેસ્ટમેન્ટસ ૩૦ ગણા વૉલ્યુમે ૧૯.૩ ટકા કે ૪૭૦૪ રૂપિયાની તેજીમાં ૨૯,૧૨૦ને વટાવી ગયો છે. ફેસવૅલ્યુ ૧૦૦ની છે. શૅરની બુકવૅલ્યુ ૩૫,૦૯૫ રૂપિયાની છે. બોનસ અને/અથવા શૅર-વિભાજન પાકી ગયું છે. ચાઇનીઝ એક્સપોર્ટ કન્ટ્રોલ હળવા બનવાની ગણતરીમાં ખાતર ઉદ્યોગના ૨૩માંથી ૧૭ શૅર ગઈ કાલે વધ્યા હતા. કોઠારી ઇન્ડસ્ટ્રિયલ કૉર્પોરેશન પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૪૨ના શિખરે બંધ હતો. ભાવ વર્ષ પહેલાં માત્ર ૧૫.૩૫ રૂપિયા હતો. ઝુખારી ઍગ્રો સવાચાર ટકા, પારાદીપ ફૉસ્ફેટ્સ ચાર ટકા, GSFC સવાત્રણ ટકા, સ્પીક સવાત્રણ ટકા, ચંબલ ફર્ટિલાઇઝર ૨.૯ ટકા, RCF અઢી ટકા મજબૂત હતા.
સરકારે રો-કૉટન અર્થાત્ રૂની આયાત ઉપરની ૧૧ ટકા ડ્યુટી સપ્ટેમ્બરના અંત સુધી રદ કરી છે. એના પગલે કૉટન ટેક્સટાઇલ શૅરમાં પસંદગીયુક્ત ઝમક વરતાઈ છે. વર્ધમાન ટેક્સટાઇલ ૨૭ ગણા કામકાજે ઉપરમાં ૪૪૭ વટાવી સવાછ ટકા ઊછળી ૪૩૪ થયો છે. રેમન્ડ લાઇફ સ્ટાઇલ સવાદસ ટકા, મિન્ડા ઇન્ડિયા ૧૦ ટકા, વર્ધમાન પૉલિ ૧૯.૩ ટકા, મોદી પ્રેડ નવ ટકા, ઇન્ડોકાઉન્ટ પોણાઆઠ ટકા, લંબોધરા ટેક્સટાઇલ્સ સાડાસાત ટકા, અંબિકા કૉટન પોણાછ ટકા, શિવા મિલ્સ સાડાપાંચ ટકા, નાહર સ્પિનિંગ સવાપાંચ ટકા ઊંચકાયો છે. અરવિંદ લિમિટેડ ચારેક ટકાની મજબૂતીમાં ૩૦૫ થયો છે.
જયપુરની મંગલ ઇલેક્ટ્રિકલનો ૪૦૦ કરોડનો ઇશ્યુ આજે
આજે બુધવારે મેઇન બોર્ડમાં જયપુરની મંગલ ઇલેક્ટ્રિકલ ૧૦ના શૅરદીઠ ૫૬૧ની અપર બૅન્ડમાં ૪૦૦ કરોડનું ભરણું કરવાની છે. વીજ વિતરણ માટે પાવર સેક્ટરમાં વપરાતા ટ્રાન્સફૉર્મર્સ બનાવતી ૧૭ વર્ષ જૂની આ કંપનીએ ગયા વર્ષે બાવીસ ટકા વધારામાં ૫૫૧ કરોડની આવક ઉપર ૧૨૬ ટકાના વૃદ્ધિદરથી ૪૭૩૧ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું ૯૨ કરોડથી વધી ૧૪૯ કરોડ વટાવી ગયું છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે ૧૭થી પ્રીમિયમ શરૂ થયું છે.
દરમ્યાન ગઈ કાલે કુલ પાંચ ઇશ્યુ મૂડીબજારમાં આવ્યા છે. એમાંથી મેઇન બોર્ડમાં ૪ ભરણાં ખૂલ્યાં છે. એમાં હાઈ પ્રોફાઇલ હાઇપવાળી વિક્રમ સોલરનો ૧૦ના શૅરદીઠ ૩૩૨ની અપર બૅન્ડ સાથે કુલ ૨૦૭૯ કરોડ પ્લસનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧.૬ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૪૭ ચાલે છે. મુંબઇના વિક્રોલી ખાતેની જેમ ઍરોમેટિક્સનો બેના શૅરદીઠ ૩૨૫ની અપર બૅન્ડમાં ૪૫૧ કરોડનો ઇશ્યુ કુલ એક ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટી હાલ ૨૪ છે. ગુજરાતના કાલાવાડ (જામનગર) ખાતેની શ્રીજી શિપિંગ ગ્લોબલનો ૧૦ના શૅરદીઠ ૨૫૨ની અપર બૅન્ડમાં ૪૧૧ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૨.૧ ગણો ભરાયો છે. પ્રીમિયમ હાલ ૩૦ બોલાય છે. મહારાષ્ટ્રના અંબરનાથ ખાતેની પટેલ રીટેલ ૧૦ના શૅરદીઠ ૨૫૫ની અપરબૅન્ડમાં આશરે ૨૪૩ કરોડનો IPO લાવી છે જે પ્રથમ દિવસે કુલ ૬.૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધી ૪૬ થયું છે. SME કંપની LGT બિઝનેસ કનેક્શન્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૭ના ભાવનો ૨૮૦૯ લાખનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૨૧ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.