અમેરિકા-ચીન વચ્ચે ફરીથી ટકરાવ અને કોવિડ-19 બજારની નવી ચિંતા

05 June, 2025 07:01 AM IST  |  Mumbai | Anil Patel

BSE લિમિટેડ નવી ટોચે, CDSL ૧૦ ટકાની તેજીમાં, મૂડીબજાર સંબંધિત શૅર લાઇમલાઇટમાંઃ સતત બીજા દિવસે ૧૨માંથી ૧૨ સરકારી બૅન્કો નોંધપાત્ર વધારા સાથે બંધ

પ્રતીકાત્મક તસવીર

BSE લિમિટેડ નવી ટોચે, CDSL ૧૦ ટકાની તેજીમાં, મૂડીબજાર સંબંધિત શૅર લાઇમલાઇટમાંઃ સતત બીજા દિવસે ૧૨માંથી ૧૨ સરકારી બૅન્કો નોંધપાત્ર વધારા સાથે બંધ : આઇનોક્સ વિન્ડનો નફો ૩૮૦ ટકા વધ્યો, શૅરમાં પાંચેક ટકાની ખરાબી, આઇનોક્સ ગ્રુપના અન્ય શૅર પણ બગડ્યા : નાયકાની ૧૯૩ ટકાની નફાવૃદ્ધિ શૅરને લાઇમલાઇટમાં લાવી ન શકી, ફોર્સ મોટર્સ ઑલટાઇમ હાઈ બતાવી ૧૦૦૫ રૂપિયા ડૂલ : પ્રોસ્ટર્મ ઇન્ફો સહિત આજે કુલ ૪ મૂડીભરણાં લિસ્ટિંગમાં જશે : LICમાં સુધારાની હૅટ-ટ્રિક, નિવા બુપા હેલ્થ ૧૦ ટકા લથડ્યો 

માર્ચ ક્વૉર્ટરનો GDP ગ્રોથ રેટ ૬.૯ ટકાની એકંદર ધારણા કરતાં સારો, ૭.૪ ટકા આવ્યા પછી હવે રિઝર્વ બૅન્ક રેપો રેટમાં નવા ઘટાડાની ભેટ આપવાની તૈયારીમાં છે જે બજારને અવશ્ય ગમશે. આમેય બજારને તો જેટલું આપો એટલું ઓછું છે. આ સંદર્ભમાં રેટ કટ હાલ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે. હવે નવું શું? નજીકમાં તો બીજું કશું સારું ટ્રીગર દેખાતું નથી. સામે બે ઘડીની મહોબ્બત પછી ચાઇના-અમેરિકા ફરી પાછા ટકરાવના મૂડમાં આવી ગયાં છે. ટ્રમ્પનો ટૅરિફ પ્લાન અમેરિકન અદાલતના વાંધાવચકામાં અટવાઈ પડ્યો છે. એમાંથી રસ્તો કાઢવા ટ્રમ્પ હવે ૧૫૦ દિવસ માટે ૧૫ ટકાની ટૅરિફની યોજના લાગુ કરવા માગે છે. આ ઉપરાંત સ્ટીલ-એલ્યુ. પરની પચીસ ટકાની ટૅરિફ વધારી ૫૦ ટકા કરવાનું નિર્ધાર્યું છે. ભારત માટે આ સારા સમાચાર હરગિજ નથી. ચાઇનાએ રેર અર્થ કે રેર-મિનરલ્સની નિકાસ પર ભારે અંકુશ મૂક્યા છે. એનાથી અમેરિકાનું જે થવું હોય એ થશે, પરંતુ ભારતના ઈ-વેહિકલ્સ ક્ષેત્રે અત્યારથી રોંદણાં શરૂ થઈ ગયાં છે. શોલે ટાઇપ ફિલ્મી ડાયલૉગ બાજીથી પ્રજાને પાનો ચડાવતી આપણી નેતાગીરીની મોટી તકલીફ એ છે કે ચાઇના સામે તેનું મોઢું સાવ સિવાઈ જાય છે. કોરોના-19ના નવા વેરિઅન્ટના કેસમાં ૧૫ ગણો વધારો થઈ ગયો હોવાના અહેવાલ પણ બેશક સારા નથી. PMIની રીતે મૅન્યુફૅક્ચરિંગ કે ફૅક્ટરી ગ્રોથ ત્રણ માસના તળિયે ગયો છે. ઍપલને ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ નહીં નાખવાની ટ્રમ્પે જાણ કરી દીધેલી છે. હવે આપણા કેન્દ્રીય પ્રધાન કહે છે કે ટેસ્લાને ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ નાખવામાં કશો રસ નથી. વિશ્વગુરુની આવી હાલત?

સેન્સેક્સ સોમવારે આરંભથી અંત સુધી લગભગ રેડ ઝોનમાં રહી ૭૭ પૉઇન્ટ ઘટી ૮૧,૩૭૪ તથા નિફ્ટી ૩૪ પૉઇન્ટની કમજોરીમાં ૨૪,૭૧૬ બંધ થયો છે. બજાર આગલા બંધથી ૨૩૭ પૉઇન્ટ જેવી નરમાઈમાં ૮૧,૨૧૪ ખૂલી નીચામાં ૮૦,૬૫૩ દેખાયું હતું. ત્યાંથી ક્રમશઃ સુધારો દાખવી શૅરઆંક ઉપરમાં ૮૧,૪૭૪ વટાવી ગયો હતો. માર્કેટ બ્રેડ્થ નહીંવત્ પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૫૨૯ શૅર સામે ૧૪૦૨ જાતો ઘટી હતી. બજારનું માર્કેટ ૬૮,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૪૪૫.૦૧ લાખ કરોડ રૂપિયા જોવાયું છે.

એશિયા ખાતે ચાઇના અને થાઇળૅન્ડ રજામાં હતાં. ઇન્ડોનેશિયા તથા તાઇવાન દોઢ ટકાથી વધુ, જપાન સવા ટકાથી વધુ તો હૉન્ગકૉન્ગ અડધા ટકાથી વધુ માઇનસ હતું. સાઉથ કોરિયા નહીંવત સુધર્યું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા જેવું નીચે જણાયું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સવા ટકાના ઘટાડામાં ૧,૦૪,૩૦૪ ડૉલર રનિંગમાં દેખાયો છે. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૨૦,૫૯૧ થયા બાદ નીચામાં ૧,૧૮,૬૭૨ બતાવી રનિંગમાં ૮૬૦ પૉઇન્ટની ખરાબીમાં ૧,૧૮,૮૩૦ ચાલતું હતું. બ્રેન્ટ ક્રૂડ પોણાચાર ટકા ઊછળી રનિંગમાં ૬૫ ડૉલર વટાવી ગયું છે. ગોલ્ડ હાજર તેમ જ વાયદો પણ પોણા બે-બે ટકા વધ્યા છે.

બૉન્ડ ઇશ્યુને ભારે સફળતા પૉર્ટ‍્સથી અદાણી પોર્ટ્સ ટૉપ ગેઇનર બની

અદાણી પોર્ટ્સ તરફથી વાર્ષિક પોણાઆઠ ટકાના કૂપન રેટ અર્થાત વ્યાજદરવાળો ૫૦૦૦ કરોડનો ૧૫ વર્ષની મુદત માટેનો બૉન્ડ ઇશ્યુ સફળતાપૂર્વક પાર પડી ગયો છે, કેમ કે આ સમગ્ર બૉન્ડ ઇશ્યુને કોઈ જ લેનાર નહીં મળતાં છેવટે સરકારી કંપની એલઆઇસીએ આખો ઇશ્યુ પોતે ભરી દીધો છે. બોલો આનાથી બીજી સફળતા ગૌતમ બાબુને કેવી જોઈએ? આ સફળતાથી હરખાઈને અદાણી પોર્ટ્સ ગઈ કાલે પોણાબે ગણા વૉલ્યુમે બે ટકાથી વધુ ઊચકાઈ ૧૪૬૩ના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. અન્યમાં મહિન્દ્ર દોઢ ટકો, પાવરગ્રીડ તથા હિન્દુસ્તાન યુનિલીવર એક ટકો, એટર્નલ એક ટકા નજીક, તાતા કન્ઝ્યુમર સવા ટકો પ્લસ હતા.

ટ્રમ્પ તરફથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પરની આયાતજકાત પચીસ ટકાથી વધારી ૫૦ ટકા કરવાની હિલચાલ હાથ ધરાઈ છે એના લીધે મેટલ શૅરોમાં માનસ બગડ્યું છે. JSW સ્ટીલ, તાતા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિન્ક સવાથી દોઢ ટકો ઘટ્યા છે. રેર અર્થ ઉપરના ચાઇનીઝ અંકુશના લીધે અહીં ઈ-વેહિકલ્સ ઉત્પાદકો તકલીફમાં આવશે એ વાતને બજાજ ઑટો તથા ટીવીએસ મોટર્સ તરફથી અનુમોદન મળ્યું છે. સાલુ, ચાઇના ગજબ છે, એ આપણા નેતાઓની જેમ ભાષણબાજી કરતું નથી, ફિલ્મી ડાયલૉગબાજીમાં પડતું નથી, ચૂપચાપ સીધો અટૅક કરે છે. ગઈ કાલે હીરો મોટોકૉર્પ પોણાબે ટકા ખરડાઈ નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો છે. તાતા મોટર્સ, બજાજ ઑટો, ટીવીએસ મોટર્સ, મારુતિ જેવાં કાઉન્ટર અડધાથી એક ટકો ડાઉન હતાં. ઓલા સવાપાંચ ટકાની મજબૂતીમાં ૫૪ નજીક બંધ રહી એ નવાઈ છે. ચાઇના સાથે ટ્રમ્પે ટકરાવ શરૂ કરતાં આઇટી શૅરમાં નબળાઈ જોવાઈ છે. ટેક મહિન્દ્ર દોઢ ટકો ઘટી સેન્સેક્સમાં ટૉપ લૂઝર હતો. ટીસીએસ, ઇન્ફી, HCL ટેક્નૉ, વિપ્રો સાધારણથી પોણો ટકો ઘટ્યા છે. આઇટી બેન્ચમાર્ક અડધા ટકાથી વધુ નરમ હતો. રિલાયન્સ અડધા ટકાની નબળાઈમાં ૧૪૧૪ બંધ આવ્યો છે.  

એસ્ટ્રાઝેનેકા ૪૮ ટકાની નફાવૃદ્ધિમાં ૧૩૫૦ ઊછળી નવા શિખરે

મલ્ટિનૅશનલ એસ્ટ્રાઝેનેકા ફાર્માનો ત્રિમાસિક નફો ૪૮ ટકા વધીને ૫૮ કરોડ રૂપિયા આવતાં શૅર ૬૮ ગણા વૉલ્યુમે ૯૪૭૭ના બેસ્ટ લેવલે જઈ ૧૭ ટકા કે ૧૩૫૦ રૂપિયાની તેજીમાં ૯૩૧૬ બંધ આપી ‘એ’ ગ્રુપમાં બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. અન્યમાં થીરૂમલાઇ કેમિકલ્સ સાડાઆઠ ટકા, યસ બૅન્ક ૮.૪ ટકા, સ્ટર્લિંગ વિલ્સન સવાઆઠ ટકા મજબૂત હતી. રિલાયન્સ ઇન્ફ્રા ૩૫૯ની ટોચે જઈ ૭.૯ ટકા ઊચકાઈ ૩૫૭ રહી છે. આઇનોક્સ વિન્ડનો નેટ ત્રિમાસિક નફો ૩૮૦ ટકા ઊછળી ૧૯૦ કરોડ આવતાં શૅર પ્રારંભિક સુધારામાં ૨૦૧ થયા બાદ પાંચેક ટકા ગગડી ૧૮૫ બંધ થયો છે. એમાં ૩૩.૮ ટકા હિસ્સો ધરાવતી મુખ્ય પ્રમોટર આઇનોક્સ વિન્ડ એનર્જી સવાચાર ટકા કે ૩૯૮ રૂપિયા ખરડાઈ ૧૧,૦૬૧ બંધ થઈ છે.

નાયકાએ ૧૯૩ ટકાના વૃદ્ધિદરમાં ૨૦ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો બતાવ્યો છે, પરંતુ શૅર સવાચાર ટકા બગડી ૧૯૪ બંધ આવ્યો છે. MMTC સવાનવ ટકા તૂટી ૭૮ રૂપિયાના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર હતી. ફોર્સ મોટર ૧૧,૭૫૮ની ઑલટાઇમ હાઈ બનાવી પ્રૉફિટ બુકિંગમાં આઠ ટકા કે ૧૦૦૫ના ગાબડામાં ૧૧,૬૩૬ બંધ થઈ છે. આઇનોક્સ ગ્રુપની એક અન્ય કંપની આઇનોક્સ ગ્રીન એનર્જી સાડાછ ટકાની ખરાબીમાં ૧૭૨ની અંદર ઊતરી ગઈ છે. સમ્રાટ ફાર્મા ૧૩૯ લાખના નફામાંથી ૪૦ લાખની ચોખ્ખી ખોટમાં આવતાં ભાવ ૭ ગણા વૉલ્યુમે નીચામાં ૩૩૩ થઈ પોણાબાર ટકા ખરડાઈ ૩૫૦ બંધ રહ્યો છે. નિવા બુપા હેલ્થ જંગી વૉલ્યુમે ૧૦ ટકાના કડાકામાં ૮૩ બંધ થઈ છે. એલઆઇસી પરિણામ બાદ સુધારાની હૅટ-ટ્રિકમાં એક ટકો વધી ૯૬૨ વટાવી જતાં એનું માર્કેટકૅપ ૬.૦૮ લાખ કરોડને આંબી ગયું છે.

રેટ કટની થીમમાં ૪૧માંથી ૩૭ બૅન્ક શૅર વધ્યા, રિયલ્ટી મજબૂત

રિઝર્વ બૅન્કની પૉલિસીમીટનું આઉટકમ ૬ જૂને છે જેમાં રેપો રેટ ફરી એક વાર ૦.૨૫ ટકા ઘટવાના પાકા વરતારા ચાલી રહ્યા છે. રિઝર્વ બૅન્ક તરફથી ઉપરાઉપરી રેટ કટ મારફત કુલ અડધા ટકાનો રેપો રેટ ઘટાડાયો છે. એની સામે બૅન્કોએ વિવિધ લોન પરના ધિરાણદરમાં માંડ ૦.૨૫ ટકા જ ઘટાડ્યા છે એનું શું? સવાલ નહીં પૂછવાનો. ઍની વે, રેટ સેન્સિટિવ સેક્ટરમાં ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૪ ટકા તથા FMCG બેન્ચમાર્ક ૦.૭ ટકા નજીક વધ્યો છે. બૅન્ક નિફ્ટી ૧૫૪ પૉઇન્ટ જેવો નજીવો પ્લસ હતો, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી બૅક-ટુ-બૅક તમામ ૧૨ શૅરની મજબૂતીમાં ૨.૨ ટકા ઊંચકાયો છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આઇઓબી, ઇન્ડિયન બૅન્ક, યુનિયન બૅન્ક જેવી પીએસયુ બૅન્ક સવાચારથી સાડાછ ટકા મજબૂત હતી. ૧૨માંથી ૧૧ શૅર પોણાબે ટકાથી વધુ પ્લસ થયા હતા. બૅન્કિંગ ક્ષેત્રના કુલ ૪૧માંથી ૩૭ શૅર ગઈ કાલે સુધર્યા છે. ભંડોળ ઊભું કરવા માટેની બોર્ડ મીટિંગની પૂર્વસંધ્યાએ યસ બૅન્ક ૮.૪ ટકા ઊછળીને ૨૩ વટાવી ગઈ છે. કરૂર વૈશ્ય બૅન્ક વૉલ્યુમ સાથે આઠેક ટકાની તેજીમાં ૨૪૦ હતી. ઇક્વિટાસ બૅન્ક પાંચ ટકા, ઇસફ બૅન્ક ૪.૬ ટકા નજીક, ઉત્કર્ષ બૅન્ક અને સૂર્યોદય બૅન્ક ૪.૮ ટકા વધી છે. HDFC બૅન્ક ૦.૬ ટકા ઘટી ૧૯૩૩ના બંધમાં બજારને ૭૭ પૉઇન્ટ નડી હતી. કૅપિટલ સ્મૉલ બૅન્ક પોણા ટકાથી વધુ તો કોટક બૅન્ક અડધો ટકો નરમ હતી.

BSE લિમિટેડ ૨૭૩૫ના બેસ્ટ લેવલે જઈ પોણો ટકો વધી ૨૬૯૩ થઈ છે એની ૧૫ ટકા માલિકીની સબસિડિયરી CDSL તગડા વૉલ્યુમ સાથે ૧૫૩ રૂપિયા કે દસ ટકાના જમ્પમાં ૧૬૮૩ બંધ આવી છે. MCX દોઢ ટકા વધી ૬૭૦૫ હતી. કૅપિટલ માર્કેટ રિલેટેડ અન્ય શૅરમાં કેમ્સ લિમિટેડ પાંચ ગણા કામકાજે ૪.૫ ટકા કે ૧૭૮ રૂપિયા ઊંચકાઈ ૪૧૪૦ થઈ છે. કેફીન ટેક્નૉ ૪.૩ ટકા, એન્જલવન ૧૧૦ રૂપિયા કે ૩.૬ ટકા, આનંદ રાઠી વેલ્થ મૅનેજમેન્ટ પાંચ ટકા, ૩૬૦ વન સવાબે ટકા, જેએમ ફાઇનૅન્શ્યલ ૪.૮ ટકા, અરમાન ફાઇનૅન્શ્યલ સાડાપાંચ ટકા, પૈસાલો ડિજિટલ સવાચાર ટકા, નુવામો વેલ્થ બે ટકા વધ્યા હતા.  

લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટમાં ખૂલ્યા બાદ લીલા હોટેલ્સ તથા એજીસ વોપેકમાં સુધારો જોવાયો

શ્લોષ બૅન્ગલોર અર્થાત લીલા હોટેલ્સ ૧૦ના શૅરદીઠ ૪૩૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં બેના પ્રીમિયમ સામે ગઈ કાલે ૪૦૬ ખૂલી નીચામાં ૪૦૪ અને ઉપરમાં ૪૩૯ નજીક જઈ ૪૩૫ બંધ થતાં એમાં નામફૂરતો લિસ્ટિંગ ગેઇન હતો. જ્યારે એજીસ વોપેક ટર્મિનલ્સ ૧૦ના શૅરદીઠ ૨૩૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં છેલ્લે બોલાતા એક રૂપિયાના ડિસ્કાઉન્ટ સામે ૨૨૦ ખૂલી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૪૨ નજીક જઈ ત્યાં જ બંધ થતાં એમાં ત્રણ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મેઇન બોર્ડમાં પ્રોસ્ટર્મ ઇન્ફો તથા SMEમાં એસ્ટોનિઆ લૅબ્સ, નિકિતા પેપર્સ તથા બ્લુ વૉટર લૉજિસ્ટિકલનું લિસ્ટિંગ આજે થવાનું છે. હાલમાં પ્રોસ્ટર્મ ઇન્ફોમાં ગ્રે માર્કેટ ખાતે ૧૭વાળું પ્રીમિયમ ઘટીને ૧૪ જેવું બોલાય છે.

SME સેગમેન્ટમાં થ્રી-બી ફિલ્મ્સનો ૧૦ના શૅરદીઠ ૫૦ના ભાવનો ૩૩૭૫ લાખનો ઇશ્યુ આજે, મંગળવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં ૧.૩ ગણું ભરાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ત્રણ આસપાસ ટકેલું છે. બુધવારે ગુજરાતના વેરાવળના શાપર ખાતેની ગંગા બાથ ફિટિંગ્સ ૧૦ના શૅરદીઠ ૪૯ના ભાવથી ૩૨૬૫ લાખનો NSE SME ઇશ્યુ કરવાની છે. અગાઉ માંડ ૨૧થી ૩૧ લાખનો નફો કરતી આ કંપનીએ છેલ્લા દોઢ વર્ષમાં જબરો નફો બતાવ્યો છે. ગત વર્ષના પ્રથમ નવ માસમાં ૪૫૩ લાખ નફો કર્યો છે જે આગલા વર્ષના ૨૪૮ લાખ કરતાં ક્યાંય વધુ છે. આવક ૩૨ કરોડ રહી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં કંપનીએ ૩૧ કરોડ નજીકની આવક પર ફક્ત ૩૧ લાખ નેટ નફો કર્યો હતો. મતલબ કે ઇશ્યુ લાવવાનો હોવાથી હિસાબી જાદુગીરી થાય એટલી આ કંપનીએ કરેલી છે. ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી.

તાજેતરમાં લિસ્ટેડ થયેલી યુનિફાઇડ ડેટા ૩૧૫ની ટૉપ બતાવી સવા ટકો ઘટી ૩૦૫ હતી. બોરણા વીવ્ઝ પોણો ટકો ઘટી ૨૨૧ તથા બેલરાઇઝ ઇન્ડ. એક ટકા ઘટીને ૯૩ બંધ થઈ છે.  

share market stock market gdp sensex nifty Tarrif donald trump china ipo bombay stock exchange national stock exchange business news reserve bank of india