કટપીસ ટ્રેન્ડમાં શૅરબજાર ૭૬૯ પૉઇન્ટ પ્લસ વિશ્વબજારોમાં મિશ્ર વલણ

27 May, 2025 07:00 AM IST  |  Mumbai | Anil Patel

BSE લિમિટેડ એક્સ-બોનસમાં ૨૪૮૮ બંધ રહી, આગલા બંધથી બોનસ ઍડ્જસ્ટ કરતાં ૬.૭ ટકાની તેજી : ગાર્ડન રિચ અને ભારત ઇલેક્ટ્રિક નવા શિખરે, પ્રીમિયર એક્સ્પ્લોઝિવ્સ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં : સારા બજારમાં ૬૩ મૂન્સ બૅક-ટુ-બૅક નીચલી સર્કિટમાં પાંચ ટકા ડાઉન

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બજાર કટપીસ ચાલમાં છે. એકાદ-બે દિવસ વધે છે, બે-ત્રણ દિવસ ઘટે છે. સરવાળે વધઘટ ટૂંકી રેન્જમાં સંકડાઈ ગઈ છે. કોઈ ચોક્કસ નજીકનો ટ્રેન્ડ નથી એટલે વધે તો કેમ વધ્યું અને વળતા દિવસે ઘટે તો કેમ ઘટ્યું એના કારણ શોધવા કે આપવા એ કેવળ બાલિશતા છે. વિશ્વબજારોના મિશ્ર વલણ વચ્ચે શુક્રવારે સેન્સેક્સ ૭૬૯ પૉઇન્ટ વધીને ૮૧,૭૨૧ તથા નિફ્ટી ૨૪૩ પૉઇન્ટ ઊચકાઈ ૨૪,૮૫૩ બંધ થયો છે. બજારનો આરંભ આગલા બંધથી નહીંવત્ નબળો હતો. સેન્સેક્સ પંચાવન પૉઇન્ટ નરમ, ૮૦,૯૯૭ ખૂલી એને જ ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ઉપરમાં ૮૧,૯૦૫ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીના એકાદ ટકા જેવા સુધારા સામે ગઈ કાલે બ્રૉડર માર્કેટ પોણો ટકો અને રોકડું અડધો ટકો વધ્યું હતું, પરંતુ સુધારાનો વ્યાપ વધુ હોવાથી પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૭૩૧ શૅરની સામે ૧૧૩૨ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ૨.૮૧ લાખ કરોડ વધીને ૪૪૧.૮૮ લાખ કરોડ રૂપિયા નજીક આવી ગયું છે. આગલા દિવસે દોઢ ટકા બગડેલો FMCG બેન્ચમાર્ક ગઈ કાલે દોઢ ટકો વધ્યો છે. કેટલાક કહેશે મૉન્સૂનના વહેલા આગમનનું આ પરિણામ છે, પરંતુ ચોમાસું વહેલું છે એ વાત તો ક્યારનીય ચર્ચાતી હતી. આ સિવાય ઑઇલ-ગૅસ, પાવર-યુટિલિટીઝ, બૅન્કેક્સ, આઇટી, ફાઇનૅન્સ, એનર્જી, બૅન્ક નિફ્ટી, નિફ્ટી મેટલ જેવા સેક્ટોરલ પોણાથી એક ટકો પ્લસ હતાં. હેલ્થકૅર નહીંવત્ તો નિફ્ટી ફાર્મા અડધા ટકા નજીક ડાઉન હતો એ સિવાય બધુ સુધર્યું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૬૧૦ પૉઇન્ટ કે પોણો ટકો અને નિફ્ટી ૧૬૭ પૉઇન્ટ કે ૦.૭ ટકા ઘટ્યા છે.

એશિયા ખાતે ગઈ કાલે જપાન અને ઇન્ડોનેશિયા અડધા ટકા આસપાસ, હૉન્ગકૉન્ગ અને થાઇલૅન્ડ સાધારણ તો સિંગાપોર નજીવું પ્લસ હતું. સામે ચાઇના એક ટકો, સાઉથ કોરિયા અને તાઇવાન નહીંવત્ નરમ હતા. યુરોપ સાંકડી વધઘટે રનિંગમાં મિશ્ર હતું. બ્રેન્ટ ક્રૂડ ૬૪ ડૉલરની ઉપર ટકેલું હતું. સોનું હાજર અને વાયદો એક ટકો વધેલો હતો. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧,૧૧,૮૮૦ ડૉલરની ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૧,૧૦,૯૫૦ ચાલતો હતો. અહીં હવે નવા શિખરની હારમાળા બનતી જોવાય તો નવાઈ નહીં.

પ્રાઇમરી માર્કેટમાં બોલરાઇઝનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૨૧૫૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૪૩ ગણો પ્રતિસાદ મેળવી પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સુધરતું રહી હાલ ૨૦ થઈ ગયું છે. બોરણા વીવ્ઝમાં રેટ ૪૦ ક્વોટ થાય છે. ઘર ક્રેડિટ ઍન્ડ કૅપિટલનો ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવનો ૨૫૬૬ લાખનો SME IPO કુલ ૧૦૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૧૮ બોલાવા માંડ્યું છે. મુંબઈના દિંડોશી ખાતેની યુનિફાઇડ ડેટા-ટેકનો ૧૦ના શૅરદીઠ ૨૭૩ના ભાવનો ૧૪,૪૪૭ લાખ રૂપિયાનો પ્યૉર OFS SME IPO બીજા દિવસના અંતે ૫.૮ ગણો છલકાયો છે. પ્રીમિયમ ઘટીને ૧૧૦ ચાલે છે.

શ્લોષ બૅન્ગલોર અર્થાત લીલા હોટેલ્સનો ૧૦ના શૅરદીઠ ૪૩૫ની અપર બૅન્ડ સાથે ૩૫૦૦ કરોડનો ઇશ્યુ સોમવારે ખૂલશે. કંપનીએ છેલ્લાં ત્રણમાંથી બે વર્ષ ખોટ કરી હોવાથી QIB પોર્શન ૭૫ ટકા રાખવાની ફરજ પડી છે. કંપનીનું દેવું ૩૯૦૯ કરોડનું છે. ગયા વર્ષે ૧૪૦૬ કરોડની આવક પર ૪૭ કરોડના નફાના ધોરણે ઇશ્યુ પ્રાઇસ ૨૦૦નો પી/ઇ સૂચવે છે. કંપનીની રિઝર્વ અગાઉ ૨૯૦૦ કરોડ માઇનસ હતી એ ગયા વર્ષે ૩૨૮૦ કરોડ પ્લસ કેવી રીતે થઈ ગઈ એ પણ મોટો સવાલ છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધી ૧૭ થયું છે જે ઇશ્યુમાં ફૅન્સી જમાવવાની એક પ્રકારની રમત લાગે છે.

આવકમાં ૧૭ ટકા વધારાના હરખમાં મામા અર્થવાળી હોનેસા ૨૦ ટકા વધી

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૯ અને નિફ્ટીના ૫૦માંથી ૪૮ શૅર વધ્યા છે. સનફાર્માનો નફો ૧૯ ટકા ઘટીને ૨૧૫૪ કરોડ આવતાં શૅર બમણા વૉલ્યુમે બે ટકાથી વધુના ઘટાડે ૧૬૮૩ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ગ્રાસિમ અડધો ટકો નરમ હતી. ઝોમાટોવાળી એટર્નલ સાડાત્રણ ટકાથી વધુ ઝળકી ૨૩૭ના બંધમાં બન્ને બજારમાં બેસ્ટ પર્ફોર્મર બની છે. એની હરીફ સ્વિગી પોણાત્રણ ટકા વધી છે. અન્યમાં પાવર ગ્રીડ, આઇટીસી, નેસ્લે, બજાજ ફીનસર્વ, ઍક્સિસ બેન્ક, અદાણી પોર્ટ્સ, કોટક બૅન્ક, જિયો ફાઇનૅન્સ, SBI લાઇફ, અદાણી એન્ટરપ્રાઇઝ, ટ્રેન્ટ, અપોલો હૉસ્પિટલ્સ, શ્રીરામ ફાઇનૅન્સ દોઢથી અઢી ટકા મજબૂત હતી. HDFC લાઇફ ૭૮૧ના શિખરે જઈ સવાત્રણ ટકા વધી ૭૮૦ બંધ થઈ છે. ભારત ઇલેક્ટ્રિક ૩૯૦ની નવી ટૉપ દેખાડી નજીવા સુધારે ૩૮૪ નજીક સરકી છે. રિલાયન્સ સવા ટકો વધી ૧૪૨૬ના બંધમાં બજારને ૯૯ પૉઇન્ટ તો HDFC બૅન્ક ૦.૭ ટકા વધી ૧૯૩૩ના બંધમાં ૮૭ પૉઇન્ટ ફળી છે. ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકાની આગેકૂચમાં ૭૯૩ હતી. લાર્સન ૧.૪ ટકા વધી ૩૬૦૦ રહી છે. ઇન્ફી અને ટીસીએસ એક-એક ટકો તથા ટેક મહિન્દ્ર પોણો ટકો પ્લસ હતી. વિપ્રો અડધા ટકાથી વધુ સુધારામાં જોવાઈ છે.

મામા અર્થવાળી હોનેસાનો નેટ નફો ૧૮ ટકા ઘટી પચીસ કરોડ નોંધાયો છે. ગ્રોસ પ્રૉફિટ પણ ૧૭.૬ ટકા ડાઉન થયો છે. સામે આવક ૧૩ ટકા વધી ૫૩૩ કરોડ વટાવી ગઈ છે અને એના હરખમાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી ૧૯.૯ ટકા ઊછળી ૩૩૦ બંધ આવ્યો છે. વૉલ્યુમ બાવન ગણું હતું. અનિલ અંબાણીની રિલાયન્સ પાવર ૩૯૬ કરોડની ત્રિમાસિક ખોટમાંથી ૧૨૨ કરોડના નફામાં આવ્યા પછી ડિમાન્ડમાં આવી છે. શૅર ગઈ કાલે ચારેક ગણા કામકાજે સાડાસોળ ટકાના જમ્પમાં બાવન નજીક બંધ થયો છે. વીનસ પાઇપ્સનાં રિઝલ્ટ ૨૬મીએ છે. શૅર ગઈ કાલે ૧૩ ગણા વૉલ્યુમે ૧૧.૬ ટકા કે ૧૫૧ રૂપિયાની તેજીમાં ૧૪૪૫ બંધ થયો છે. બે મહિના પૂર્વે, ૧લી એપ્રિલે અહીં ૯૬૯નું બૉટમ દેખાયું હતું.

અશોક લેલૅન્ડનું શૅરદીઠ એક બોનસ, નફામાં ૩૨ ટકાની વૃદ્ધિ

BSE લિમિટેડ એક શૅરદીઠ બે બોનસમાં એક્સ-બોનસ થતાં ૨૩૫૮ ખૂલી નીચામાં ૨૩૩૫ અને ઉપરમાં ૨૪૮૮ બતાવી ત્યાં જ ૨૪૮૮ બંધ થઈ છે. શૅર આગલા દિવસે ૬૯૯૬ બંધ થયો હતો એને એક્સ-બોનસમાં ફેરવીએ તો આગલો બંધ ૨૩૩૨ બેસે છે. આ ધોરણે શૅર ગઈ કાલે ૬.૭ ટકા વધીને બંધ આવ્યો એમ કહી શકાય, જિંદલ પોલિના નાશિક પ્લાન્ટની આગ ચાલુ રહી હોવાના અહેવાલે શૅર નીચામાં ૬૧૮ થઈ એક ટકો ઘટી ૬૩૭ નીચે જોવાયો છે. ગ્રેવિટા ઇન્ડિયા પોણાપાંચ ટકા ખરડાઈ ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. પરિણામનો વસવસો વધતાં GMM ફોડલર વધુ સવાચાર ટકા ડૂલ થઈ છે. એજીસ લૉજિસ્ટિક્સ ૪ ટકાથી વધુ તો કૅપ્લીન પૉઇન્ટ ૪ ટકા નજીક સાફ થઈ છે. બે દિવસના તગડા જમ્પ બાદ તાતા ટેલિ નામપૂરતી ઘટી ૭૬.૭૫ બંધ હતી.

ડિફેન્સ કંપની પ્રીમિયર એક્સ્પ્લોઝિવ્સ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૫૪૬ થઈ છે. GOCL કૉર્પ સાડાત્રણ ટકા કપાઈ હતી. ગાર્ડન રિચ ૨૮૯૮ના બેસ્ટ લેવલ બાદ એક ટકો વધી ૨૭૮૨ રહી છે. કોચીન શિપયાર્ડ અડધો ટકો અને માઝગાવ ડૉક નજીવી સુધરી છે. પારસ ડિફેન્સ સવા ટકો વધી છે. ડેટા પેટર્ન્સ પોણો ટકો નરમ હતી. એસ્ટ્રા માઇક્રો અઢી ટકા, અપોલો માઇક્રો આઠ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ દોઢ ટકો, ઍક્સિસ કેડસ સાડાત્રણ ટકા ડાઉન હતી. સિકા ઇન્ટર પ્લાન્ટ પોણાપાંચ ટકા ઊચકાઈ ૮૧૩ વટાવી ગઈ છે.

અશોક લેલૅન્ડનો નફો ૩૨ ટકા વધી ૧૧૩૦ કરોડ થયો છે. કંપનીએ શૅરદીઠ એકના પ્રમાણમાં બોનસ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૨૪૩ વટાવી ૦.૪ ટકાના મામૂલી સુધારામાં ૨૩૯ બંધ રહ્યો છે. વૉલ્યુમ ૩ ગણું હતું. સેલોવર્લ્ડ પરિણામ પૂર્વે અડધો ટકો સુધરી ૬૧૬ બંધ હતો. આવક ૧૫ ટકા વધી છે, નફો નજીવો ઘટ્યો છે, અસર સોમવારે દેખાશે. એમક્યૉર ફાર્મા પરિણામ બહેતર આવતાં ૧૦ ટકા ઊછળી ૧૨૮૮ વટાવી ગઈ છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange