બૅન્કિંગ અને ફાર્માની આગેવાની હેઠળ શૅરબજાર વધુ ૩૨૯ પૉઇન્ટ અપ

11 October, 2025 07:36 AM IST  |  Mumbai | Anil Patel

અમેરિકન સેનેટ દ્વારા બાયોસિક્યૉર ઍક્ટને મંજૂરી મળતાં સિપ્લા, લૉરસ લૅબ, સ્પાર્ક, ડિવીઝ લૅબ, માર્કસન્સ, થાયરોકૅર, નાટકો ફાર્મા, ન્યુલૅન્ડ લૅબ, દિશમાન જેવી સિલેક્ટિવ જાતોમાં ૩થી ૭ ટકા તેજી : વીવર્ક ઇન્ડિયાનું નબળું લિસ્ટિંગ : તાતા કમ્યુનિકેશન્સ તેજીમાં

પ્રતીકાત્મક તસવીર

લાંબી રજા બાજ પૉઝિટિવ ઝોનમાં ખૂલીને દાયકાની ટોચે ગયેલું ચાઇનીઝ શૅરબજાર વળતા દિવસે એક ટકા નજીક ઘટીને બંધ થયું છે, પરંતુ સાઉથ કોરિયન શૅરબજારએ તેજીની જગ્યા લેતાં ગઈ કાલે ૩૬૧૮ નજીક ઑલટાઇમ હાઈ નોંધાવી ૧.૭ ટકા વધી ૩૬૧૦ બંધ આવ્યું છે. તાઇવાનીઝ બજાર રાજમાં હતુ. અન્ય તમામ અગ્રણી એશિયન બજાર શુક્રવારે નરમ હતાં; જેમાં થાઇલૅન્ડ બે ટકા, હૉન્ગકૉન્ગ પોણા બે ટકા, જપાન એક ટકા નજીક, સિંગાપોર સાધારણ તથા ઇન્ડોનેશિયા નહીંવત્ માઇનસ હતું. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસ સામે ફ્લૅટ દેખાયું છે. બિટકૉઇન ૧,૨૧,૫૮૮ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટક્રૂડ અડધા ટકાની નબળાઈમાં ૬૫ ડૉલર નીચે ચાલી ગયું છે. હાજર સોનું ૪૦૦૦ ડૉલરની અંદર ૩૯૯૨ ડૉલર જોવાયું છે. ચાંદી ૫૧ ડૉલરની ઉપર નવી વિક્રમી સપાટી હાંસિલ કરી ચૂકી છે.

ઘરઆંગણે શૅરબજાર ગઈ કાલે મજબૂતી સાથે લગભગ સપાત ચાલમાં જોવાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૯૭ પૉઇન્ટ નીચે ૮૨,૦૭૫ ખૂલીને નીચામાં ૮૨,૦૭૩ થઈ તરત પૉઝિટિવ ઝોનમાં આવી ગયો હતો. લગભગ એકધારી સીધી રેખા જેવી પૅટર્નમાં બજાર ઉપરમાં ૮૨,૬૫૪ બતાવી અંતે ૩૨૯ પૉઇન્ટની આગેકૂચમાં ૮૨,૫૦૧ બંધ થયું છે. નિફ્ટી ઉપરમાં ૨૫,૩૩૧ થઈ ૧૦૩ પૉઇન્ટ વધીને ૨૫,૨૮૫ રહ્યો છે. મેટલ જેવા જૂજ અપવાદ બાદ કરતાં તમામ સેક્ટોરલ્સ વધ્યાં છે. અમેરિકન સેનેટ તરફથી બાયોસિક્યૉર ઍક્ટને લીલી ઝંડી મળતાં ડિવીઝ લૅબ, સિપ્લા, સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, ન્યુલૅન્ડ લૅબ, લૌરસ લૅબ, પિરામલ ફાર્મા, માર્કસન્સ, વૉકહાર્ટ, સ્પાર્ક, થાયરોકૅર, દિશમાન કાર્બો, થાયરોકૅર, નાટકો ફાર્મા ઇત્યાદિ જેવી ચલણી જાતો સહિત ૧૧૯માંથી ૭૭ શૅરના સથવારે હેલ્થકૅર ઇન્ડેક્સ એક ટકો કે ૪૩૬ પૉઇન્ટ વધ્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૭ ટકા, ટેલિકૉમ ૧.૧ ટકા, પાવર યુટિલિટીઝ પોણો એક ટકો, બૅન્કેક્સ એક ટકા, કૅપિટલ ગુડ્સ અડધો ટકો અપ હતો. આઇટી ઇન્ડેક્સ યથાવત્ રહ્યો છે. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૭૩૫ શૅર સામે ૧૦૮૩ જાતો ઘટી છે માર્કેટકૅપ ૧.૬૯ લાખ કરોડ વધીને ૪૬૨.૦૫ લાખ કરોડ રૂપિયા થયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૨૬૪ પૉઇન્ટ કે ૧.૬ ટકા તથા નિફ્ટી ૩૮૫ પૉઇન્ટ કે ૧.૬ ટકા વધ્યો છે.

તાતા કમ્યુનિકેશન્સનાં પરિણામ ૧૫મીએ છે. શૅર ગઈ કાલે ૧૪૨ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૧૯૪૮ થઈ સવાદસ ટકા કે ૧૭૪ રૂપિયાની તેજીમાં ૧૮૭૧ બંધ આપી એ-ગ્રુપ ખાતે ઝળક્યો છે. TCS તરફથી ડેટા સેન્ટર્સના મામલે મહત્ત્વાકાંક્ષી ગ્રોથ પ્લાન હાથ ધરવાની જાહેરાત થતાં આ શૅરમાં તેજી આવી હતી. સુબેક્સ લિમિટેડ પણ ૧૧ ગણા વૉલ્યુમે દસ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩.૧૭ થઈ ત્યાં રહી છે. કેપીએનર્જી ૯.૮ ટકા તથા રેડિંગ્ટન આઠ ટકા ઊછળી હતી. એલિકૉન એ​ન્જિનિય​રિંગ ૧૦ ગણા કામકાજે ૮ ટકા તૂટી ૫૫૬ બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. એસ્ટ્રા માઇક્રો છ ટકા, હિન્દુસ્તાન કૉપર ૫.૪ ટકા, ગ્રેફાઇટ ઇન્ડિયા ૪.૫ ટકા, HEG લિમિટેડ ચાર ટકા ડૂલ થઈ હતી. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ પાવર ૯.૪ ટકાના જમ્પમાં ૪૮ ઉપર તો રિલાયન્સ ઇન્ફ્રા પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૪૧ બંધ થઈ છે. આગલા દિવસે ૫૦૦ પ્લસનો ઉછાળો બતાવનાર MCX નજીવા ઘટાડે ૮૬૮૯ રહી છે. BSE લિમિટેડ ૨.૪ ટકાની આગેકૂચમાં ૨૩૮૫ વટાવી ગઈ  છે. સાઉથ ઇન્ડિયન બૅન્ક ૧૦ ગણા કામકાજે ૩૪ ઉપરની નવી ઐતિહાસિક ટૉપ બનાવી ૧૦.૪ ટકાના જોરમાં ૩૪ જોવાઈ છે. પરિણામ ૧૬મીએ જાહેર થવાનાં છે. 

બૅન્કિંગના ૪૧માંથી ૩૭ શૅર પ્લસ, પીએસયુ બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ

જૅપનીઝ સુમિટોમોમિત્સુઇ બૅન્કિંગ કૉર્પોરેશન તરફથી યસ બૅન્કમાં સવા ચોવીસ ટકા જેવો હિસ્સો હસ્તગત કરાયા પછી ક્રિસીલ, ઇકરા, કૅર તેમ જ ઇન્ડિયા રેટિંગ્સ જેવી રેટિંગ એજન્સી દ્વારા યસ બૅન્કનું રેટિંગ અપગ્રેડ કરીને માઇનસ BB કરવામાં આવ્યું છે જે માર્ચ ૨૦ પછીનું બેસ્ટ રેટિંગ છે. બૅન્કનો બિઝનેસ આઉટલૂક પણ પૉઝિટિવ આવ્યો છે. સરવાળે ભાવમાં કરન્ટ શરૂ થયો છે. શૅર ગઈ કાલે પાંચ ગણા કામકાજે ૨૪.૩૦ની ઐતિહાસિક ટૉપ બનાવી સાત ટકાની મજબૂતીમાં ૨૪ બંધ થયો છે. ૧૨ માર્ચના રોજ અહીં ૧૬ની બૉટમ બની હતી.

દરમ્યાન ગઈ કાલે પીએસયુ બૅન્ક નિફ્ટી ઉપરમાં ૭૭૨૨ બતાવી ૧.૭ ટકાની તેજીમાં ૭૬૯૫ તથા બૅન્ક નિફ્ટી પોણા ટકાની આગેકૂચમાં ૫૬,૬૧૦ બંધ થયો છે બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૭ શૅર વધ્યા હતા. બારમાંથી બાર સરકારી બૅન્કો પ્લસ હતી. સ્ટેટ બૅન્ક ૮૮૪ની વિક્રમી સપાટી નોંધાવી ૨.૨ ટકા વધીને ૮૮૧ બંધ થઈ છે. એનું માર્કેટકૅપ આઠ લાખ કરોડને વટાવી ૮.૧૩ લાખ કરોડ નજીક ગયું છે. ઇન્ડિયન બૅન્ક તેજી જાળવી રાખતાં ૧.૧ ટકો વધીને ૭૭૫ની નવી ટોચે બંધ હતી. પીએનબી ત્રણ ગણા વૉલ્યુમે અઢી ટકા વધીને ૧૧૭ના શિખરે ગઈ છે. ખાનગી સેક્ટરમાં આરબીએલ બૅન્ક ૨૯૩ની નવી મ​લ્ટિયર ટૉપ નોંધાવીને ૧.૪ ટકા વધી ૨૯૧ હતી. યસ બૅન્ક ઉપરાંત નોંધપાત્ર વધારામાં ગઈ કાલે સાઉથ ઇન્ડિયન બૅન્ક ૧૦.૧ ટકા, યુરો બૅન્ક સાડાત્રણ ટકા, પંજાબ સિંધ બૅન્ક અઢી ટકા, આઇઓબી ૨.૭ ટકા, જેકે બૅન્ક ૪.૪ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૨.૩ ટકા, સૂર્યોદય બૅન્ક દોઢ ટકા, સેન્ટ્રલ બૅન્ક બે ટકા, બંધન બૅન્ક ૩.૬ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૨.૮ ટકા મજબૂત હતી. ઇન્ડ્સઇન્ડ બૅન્ક બે ટકા વધીને ૭૬૩ રહી છે.

બૅન્કિંગની હૂંફ સાથે જિન્દલ ફોટો ૧.૧૮ ટકા, JSW હો​લ્ડિંગ્સ પાંચ ટકા, ઇન્ડો થાઇ સિક્યૉરિટીઝ ૪.૯ ટકા, કેસ્ટ વેન્યર્સ ૫.૫ ટકા, એસ. જી. ફીનસર્વ ૩.૬ ટકા, અરમાન ફાઇનૅન્સ ૪.૩ ટકા, પ્રુડેન્ટ કૉર્પોરેટ બે ટકા પ્લસમાં આપી ફાઇનૅન્સ બેન્ચમાર્ક અડધો ટકો વધ્યો છે. એના ૧૮૧માંથી ૧૨૫ શૅર વધ્યા હતા. મનપ્પુરમ ૩ ટકા તથા મુથૂટ ફાઇનૅન્સ ૨.૯ ટકા નરમ થયા છે. 

કૅનેરા HSBCમાં પ્રીમિયમ ઝીરો થયું, તાતા કૅપિટલનું લિસ્ટિંગ સોમવારે

મેઇન બોર્ડમાં ગઈ કાલે કૅનેરા HSBC લાઇફ ઇન્શ્યૉરન્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૬ની અપરબૅન્ડમાં ૨૫૧૭ કરોડ પ્લસનો ઇશ્યુ પ્રથમ દિવસે ૧૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઝીરો થઈ ગયું છે. તો SME સેગમેન્ટમાં સુરતની સિહોરા ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૬૬ના ભાવનો ૧૦૦૩ લાખનો BSE SME IPO ૩૦ ટકા તથા લુધિયાણાની એસ. કે. મિનરલ્સ ઍન્ડ એધેસિવ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ની અપર બૅન્ડમાં ૪૧૧૫ લાખનો BSE SME ઇશ્યુ ૧૩ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં કામકાજ નથી.

થાણેની રુબિકૉન રિસર્ચનો એકના શૅરદીઠ ૪૮૫ની અપરબૅન્ડમાં ૧૩૭૭ કરોડ પ્લસનો મેઇનબોર્ડનો ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ અઢી ગણો  ભરાયો છે. ૧૦૦વાળું પ્રીમિયમ હાલ ૧૧૧ ચાલે છે. જ્યારે કૅનેરા રોબિકો ઍસેટ મૅનેજમેન્ટ કંપનીનો ૧૦ના શૅરદીઠ ૧૩૨૬ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ બીજા દિવસના અંતે ૪૫ ટકા ભરાયો છે. એમાં ૩૦ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. 
દરમ્યાન બેન્ગલુરુની વીવર્ક ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૬૪૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થયા બાદ ગગડી ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ગઈ કાલે ૬૪૬ ખૂલી ઉપરમાં ૬૪૯ અને નીચામાં ૬૧૪ થઈને અંતે ૬૩૨ બંધ થતાં એમાં અઢી ટકા લિસ્ટિંગ-લૉસ મળી છે. તાતા કૅપિટલનો ૧૦ના શૅરદીઠ ૩૨૬ના ભાવનો ઇશ્યુ સોમવારે લિસ્ટિંગમાં જવાનો છે. કુલ ૧૫,૫૧૨ કરોડનો આ મેગા ઇશ્યુ રીટેલમાં ૧.૧ ગણા અને HNIમાં બે ગણા નજીકના પ્રતિસાદ સહિત કુલ ૧.૯૬ ગણો ભરાયો હતો. સામે એલ. જી. ઇલેક્ટ્રૉનિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૪૦ના ભાવનો ૧૧,૬૦૭ કરોડનો ઇશ્યુ કુલ ૫૪ ગણાથી વધુ પ્રતિસાદ મેળવી ગયો છે જે એક વિક્રમ છે. આ ભરણું રીટેલમાં સાડા ત્રણ ગણાથી વધુ તથા HNI પોર્શનમાં ૨૨.૪ ગણો છલકાયો હતો. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ વધતું રહી હાલ ૪૨૫ થઈ ગયું છે એનું લિસ્ટિંગ મંગળવારે થવાનું છે.

સિપ્લા નિફ્ટીમાં ટૉપ ગેઇનર, ફાર્મા શૅરમાં સિલે​ક્ટિવ ફૅન્સી

સિપ્લાનાં પરિણામ ૩૦ ઑક્ટોબરે છે. રિઝલ્ટ નબળાં રહેવાની ધારણા રખાય છે, પરંતુ શૅર ગઈ કાલે ઉપરમાં ૧૫૬૯ થઈ ૩.૨ ટકા વધીને નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. સેન્સેક્સમાં સ્ટેટ બૅન્ક નવા શિખર સાથે ૨.૨ ટકા વધીને ૮૮૧ બંધમાં બેસ્ટ ગેઇનર બની બજારને ૬૫ પૉઇન્ટ ફ‍ળ્યો છે. ઍ​ક્સિસ બૅન્ક ૧.૧ ટકા HDFC બૅન્ક ૦.૪ ટકા, ICICI બૅન્ક ૦.૩ ટકા પ્લસ હતી. આ ચારેય બૅન્ક થકી બજારને કુલ ૧૭૦ પૉઇન્ટનો ફાયદો ગઈ કાલે થયો હતો. મારુતિ સુઝુકીનાં પરિણામ ૩૧મીએ આવશે. શૅર પોણાબે ટકા કે ૨૭૫ રૂપિયા વધીને ૧૬,૨૫૨ બંધ થયો છે. આઇશર એક ટકા, બજાજ ઑટો દોઢ ટકા તથા મહિન્દ્ર સાધારણ પ્લસ હતા. તાતા મોટર્સ નજીવો ઘટ્યો છે. અન્યમાં ભારત ઇલે. એક ટકા, NTPC એક ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકા, ONGC સવા ટકો, પાવર ગ્રીડ એક ટકા, અદાણી પોર્ટ્સ ૦.૯ ટકા પ્લસ હતા. એટર્નલ ૩૫૦ની નવી ટોચે જઈને ૦.૯ ટકા વધી ૩૪૮ રહ્યો છે.

રિલાયન્સનાં રિઝલ્ટ ૧૭મીએ જાહેર થશે. શૅર નહીંવત્ વધી ૧૩૮૨ બંધ થયો છે. જિયો ફાઇનૅન્સ સાધારણ સુધર્યો હતો. એનાં પરિણામ ૧૬મીએ આવશે. આગલા દિવસની હીરો તાતાસ્ટીલ ગઈ કાલે દોઢ ટકો ઘટીને ૧૭૪ બંધ આવ્યો છે. નેગેટિવ બાયસમાં ધારણા મુજબ ઢીલાં પરિણામ રજૂ કરનારી TCSમાં વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી એકંદર બુલિશ વ્યુ જારી થયો છે. આગામી ૧૨ મહિનામાં ભાવ ૩૫૧૭ થવાની ધારણા અપાઈ છે. શૅર ગઈ કાલે ૩૦૭૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૩૦૦૬ થઈ ૧.૧ ટકા ઘટી ૩૦૨૮ બંધ આવ્યો છે. ટેક મહિન્દ્ર અડધો ટકો નરમ હતો. વિપ્રો એક ટકો વધ્યો છે. રિઝલ્ટ ૧૬મીએ આવવાનાં છે. લાટિમ અડધો ટકો વધીને ૫૪૬૯ રહ્યો છે. ઇન્ફી સાધારણ વધ્યો હતો. તો HCL ટેક્નો. અડધા ટકા જેવો પ્લસ હતો.

સાર્વત્રિક મજબૂતી સાથે આગલા દિવસે ઑલટાઇમ હાઈ થયેલો મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૯ ટકા નરમ હતો અત્રે સેઇલ ૩.૨ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૨.૭ ટકા, જિન્દલસ્ટીલ ૨.૪ ટકા, NMDC ૨.૧ ટકા, નાલ્કો ૨.૨ ટકા, JSW સ્ટીલ પોણો ટકા ડાઉન હતા. હિન્દુસ્તાન કૉપર સવાયા વૉલ્યુમે ૩૬૫ ઉપર નવી ટૉપ નોંધાવી નીચામાં ૩૪૧ થઈ સાડાપાંચ ટકા ગગડી ૩૪૪ રહ્યો છે.

શ્લોકા ડાઇઝના IPOની મુદત ફરી લંબાવાઈ, ભાવ ઘટાડાયો

ભરૂચની શ્લોકા ડાઇઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપર બૅન્ડમાં ૬૩૫૦ લાખ રૂપિયાનો BSE SME IPO ૩૦ સપ્ટેમ્હકે ખૂલ્યો હતો. એને કુલ માત્ર ૧૮ ટકા પ્રતિસાદ મળતાં ભરણાની મુદત બે દિવસ લંબાવાઈ હતી. અપર બૅન્ડ ઘટાડી ૯૫ રૂપિયા કરવામાં આવી હતી. લંબાવેલી મુદતના અંતે, ૯ ઑક્ટોબરના રોજ ઇશ્યુ માત્ર ૫૮ ટકા જ ભરાયો હતો, સરવાળે ફરી વાર મુદત લંબાવીને ૧૪ ઑક્ટોબર સુધીની કરાઈ છે. ઇશ્યુની પ્રાઇસ ઘટાડી અપર બૅન્ડમાં હવે ૯૧ રૂપિયા થતાં ભરણાની સાઇઝ ૫૭૭૯ લાખ થાય છે, આ ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ ૫૯ ભરાયો છે.

એક વરવી અજાયબી તરીકે ભોપાલની NSB બીપીઓ સોલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૧૨૧ ઉપર ખૂલી ઉપલી સર્કિટમાં ૧૨૭ વટાવી ૧૨૧ બંધ થતાં એમાં ૧૫ પૈસા જેવો લિસ્ટિંગ ગેઇન મળે છે. કંપનીનો BSE SME ઇશ્યુ ૨૩ સપ્ટેમ્બરના રોજ આવ્યો હતો. ભરણું આખરી દિવસે માત્ર ચાર ટકા ભરાતાં ઇશ્યુની પ્રાઇસ બૅન્ડ ઘટાડી ૧૨૧થી ૧૪૦ રૂપિયા કરી મુદત લંબાવી ૭ ઑક્ટોબર કરાઈ હતી. વધારેલી મુદતના અંતે આ ૬૪૧૩ લાખ રૂપિયાનો ઇશ્યુ કુલ ૭૬ ટકા જ ભરાયો હતો. એમાંય રીટેલ પોર્શન માત્ર ૨૧ ટકા તથા HNI પોર્શન ૭૯ ટકા ભરાયા હતા. કશીક કરામતને લઈને QIB પોર્શન ૨૫.૫ ગણો છલકાવી દેવાયો હતો. ૭૬ ટકા રિસ્પૉન્સ જોતાં ખરેખર તો ભરણું ફ્લૉપ ગણી એ રદ થવું જોઈતું હતું, પરંતુ સત્તાવાળાઓની રહેમ નજર કામ કરી જતાં ઇશ્યુ પાર પડેલો ગણી કંપનીને લિસ્ટિંગ આપી દેવાયું છે. ઇશ્યુ બાદ પ્રમોટર્સ હો​લ્ડિંગ નીચું ૩૫ ટકા આસપાસ આવી ગયું હોવાનો અંદાજ છે. QIB અને હાઇનેટવર્થવાળા ખેલાડીઓ પાસે મોટા ભાગનો માલ છે. એટલે આ કાઉન્ટરમાં આગળ ઉપર મોટો ખેલ થશે એ વાત નક્કી છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty