શૅરબજારને નિરાશ કરે એવાં પરિબળોને લીધે કરેક્શન સામે રિકવરી હારી જાય છે

23 March, 2026 09:31 AM IST  |  Mumbai | Jayesh Chitalia

યુદ્ધ, ક્રૂડ, રૂપિયો, એનર્જી, FIIની સતત વેચવાલી એટલે શૅરબજાર પર પડતી મિસાઇલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સતત ગ્લોબલ અસ્થિરતા, ડૉલર સામે તૂટતો રૂપિયો, ક્રૂડના વધતા ભાવ, એનર્જી  સપ્લાયની વૈશ્વિક સમસ્યા, યુદ્ધ વિસ્તરવાનાં નિવેદનો અને સંકેતો, આક્રમણો, મોંઘવારી વધવાનાં એંધાણ, ફેલાતાં જતાં ભય અને અનિ​શ્ચિતતા... ઓહ માય ગૉડ, બજારને મંદીમાં ધકેલતાં રહે અને ભાવોને તોડતાં રહે એવાં ઢગલાબંધ મજબૂત કારણો હાજર છે. આમાં શૅરબજારનો ટ્રેન્ડ નિરાશાજનક રહે એ સહજ છે. તેમ છતાં આ બધા વચ્ચે આશાઓ પણ છે, પરંતુ આ આશાઓ નિરાશા વચ્ચે દબાઈ બેઠી હોવાથી દેખાતી નથી

ઈરાન યુદ્ધે વિશ્વનાં ઘણાં પરિમાણો બદલી નાખ્યાં છે. આ સંજોગોમાં એનર્જી યુદ્ધ પણ ફેલાઈ ગયું છે. મોંઘવારી વધતાં વ્યાજદરમાં કાપ મૂકવાનું અને પ્રવાહિતા વધારવાનું કઠિન બની શકે છે. રૂપિયાની નબળાઈ ફૉરેન ઇન્વેસ્ટર્સને ભારતીય માર્કેટમાં સતત નેટ વેચવાલ બનાવી રહી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો ટેકો ટૂંકો પડે છે. જોકે ભવિષ્યમાં આ સ્થાનિક રોકાણકારોને લાભ થવાની આશા રાખી શકાય. હાલ વૉલેટિલિટી વધવાની શકયતા ઊંચી છે. સ્ટૉક્સ, બૉન્ડ્સ, ક્રિપ્ટો અને અન્ય અસેટ્સ પણ વૉલેટાઇલ રહેશે.

વધવા કરતાં તૂટવામાં દમદાર

વીતેલા સપ્તાહની શરૂઆત આશ્ચર્યકારક થઈ. ગયા સોમવારે બજાર ૧૦૦૦ પૉઇન્ટ્સ વધીને ૭૫ હજાર ઉપર અને નિફ્ટી ૨૩ હજાર ઉપર ગયો. મંગળવારે બજાર ફરી રિકવર થતાં સેન્સેક્સ ૫૦૦ ઉપર વધીને ૭૬ હજાર પાર અને નિફ્ટી ૨૩,૫૦૦ પાર થયો. બુધવારે રિકવરી આગળ વધતાં સેન્સેક્સ ૬૦૦ અને નિફ્ટી ૨૦૦ પ્લસ રહ્યાં. શું બજારનો બૂરો સમય પૂરો થયો? એવી ચર્ચા ફરતી થઈ. જોકે ગુરુવારે માર્કેટની ચાલ પાછી કથળી અને જબ્બર મોટું કરેક્શન આવ્યું, જેમાં સેન્સેક્સમાં અઢી હજાર પૉઇન્ટ્સનું અને નિફ્ટીમાં ૭૦૦ પૉઇન્ટ્સનું ગાબડું પડી ગયું હતું. દેશમાં ગૂઢીપાડવાના શુભ દિવસે માર્કેટે અશુભ કામગીરી બજાવી નિરાશાની હવા વધારી દીધી હતી, કેમ કે સોમથી બુધવારના ત્રણ દિવસમાં જેટલી રિકવરી થઈ હતી એ એક જ દિવસમાં ધોવાઈ ગઈ હતી. જોકે શુક્રવારે પુનઃ રિકવરી જોવાઈ હતી જે આમ તો સાધારણ હતી, પરંતુ હાલ તો કરેક્શન અટકે તો ય આનંદ થાય એવો માહોલ છે. વીતેલા સપ્તાહના ભારેમાં ભારે કડાકામાં બ્રેન્ટ ક્રૂડના ભાવનો ઉછાળો, યુએસ ઉપરાંત એસિયન માર્કેટની નબળાઈ, એફઆઇઆઇની નેટ વેચવાલી, વૉલેટિલિટી ઇન્ડેક્સની વૃદ્ધિ, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર જાળવી રાખવાનું સ્ટૅન્ડ અને નેગેટિવ સંકેતો, મોંઘવારી દરની ચિંતા અને એચડીએફસી બૅન્કના ચૅરમૅનના રાજિનામા બાદના ચોક્કસ નકારાત્મક નિવેદનથી તેના સ્ટૉક્સમાં પડેલું ગાબડું પણ ભારતીય માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સને ડાઉન કરવામાં કારણ બન્યું હતું.

માત્ર ભારતીય બજાર નહીં, અન્ય પણ...

એક હકીકત એ પણ સમજવી જોઈશે કે ભારતીય માર્કેટ એકલું તૂટતું નથી. યુએસ, ચીન, જપાન, કોરિયા, તાઇવાન, હૉન્ગકૉન્ગ વગેરે માર્કેટમાં પણ કરેક્શન સતત ચાલુ છે. પૉલિટિક્સના વિવાદ ઇકૉનૉમિકનો કેટલી હદ સુધી વિનાશ કરી શકે છે તેનો અત્યારે જબરદસ્ત પુરાવો સૌની નજર સામે છે. માર્ચના પ્રથમ હાફમાં એફઆઇઆઇ દ્વારા ૫૩,૦૦૦ કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું હોવાનું નોંધાયું છે. આમાંથી તેમનું ૩૧ હજાર કરોડ રૂપિયાનું વેચાણ બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સ્ટૉક્સનું હતું. આ જ સેક્ટરના ૮૪૦૦ કરોડ રૂપિયાના સ્ટૉક્સ તેમણે ફેબ્રુઆરીમાં ખરીદ્યા હતા. એફઆઇઆઇનું મુખ્ય ધ્યાન રૂપિયા પર તેમ જ ક્રૂડ-એનર્જી સપ્લાયના પર તેમ જ બૉન્ડ્સ યિલ્ડ પર છે.

એક નિવેદનની ભયંકર અસર

એક બૅન્કના ચૅરમૅનનું રાજીનામું આપતી વખતે કરાતું નિવેદન કેટલી હદ સુધી તે બૅન્કના સ્ટૉક પર અને ઓવર‍ઑલ બૅન્કિંગ સ્ટૉક્સ તેમ જ માર્કેટ પર પણ બૂરી અસર કરી શકે છે તેનો પુરાવો એટલે એચડીએફસી બૅન્કના પાર્ટ-ટાઇમ ચૅરમૅન અતાનુ ચક્રવર્તીએ પોતાનું રાજીનામું આપતી વખતે બૅન્કનાં મૂલ્યો અને નીતિઓ વિશે કરેલી ટિપ્પણી બજારને અને બૅન્કના સ્ટૉક્સને ભારે પડી ગઈ. આ એક જ ઘટના બજારના અને રોકાણકારોના માનસને પ્રતિબિંબિત કરે છે. આનો એક અર્થ એ પણ થાય કે સેન્ટિમેન્ટ સતત નબળું પડતું ગયું છે, જે એક નકારાત્મક નિવેદનને પણ સહન કરી શકતું નથી. હાલ માર્કેટમાં ફંડામેન્ટલ્સ અને પ્રવાહિતા (લિક્વિડિટી) કંઈ ચાલતું નથી, માત્ર સેન્ટિમેન્ટ જ અસર કરી રહ્યું છે. અલબત્ત, માહોલ એવો છે કે સેન્ટિમેન્ટ કથળે નહીં એવું બની શકે નહીં, આનો બીજો આશાસ્પદ અર્થ કરવો હોય તો બજારમાં સેન્ટિમેન્ટ બદલાતાં કે સુધરતાં રિકવરી પણ ઝડપ પકડી શકે છે. યાદ રહે, સેન્ટિમેન્ટ બજારની ચાલમાં મોટું પરિબળ ગણાય છે.

રશિયન ઇન્વેસ્ટર્સનો ભારતમાં રસ

વર્તમાન સંજોગોમાં એક નોંધપાત્ર ઘટના એવી આકાર પામી રહી છે કે વિશ્વ ભારત પ્રત્યે અલગ અને વધુ સકારાત્મક દૃષ્ટિએ જોવા લાગ્યું છે. રશિયન લિન્ક્ડ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ભારતમાં પોતાનો રસ વધારી રહ્યા છે, તેઓ હવે વૈકલ્પિક  ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ભારત પર વધુ ધ્યાન આપતા થયા છે. સેબીના એક અધિકારીની માહિતી મુજબ અમુક રશિયન કંપનીઓ ભારતમાં સબસિડિયરીઝ પણ સ્થાપી શકે છે. એટલું જ નહીં, આ સબસિડિયરીઝ ભારતીય માર્કેટ મારફત મૂડી સર્જન પણ કરી શકે અને ભારતીય સ્કિલ્ડ લેબર્સને રોજગાર પણ આપી શકે. સેબી વિદેશી રોકાણકારો માટે ભારતીય માર્કેટને વધુ આકર્ષક બનાવવા પણ પ્રયાસ કરી રહ્યું છે, જે માટે એફપીઆઇ રજિસ્ટ્રેશન માટેના નિયમો હળવા કરાશે તેમ જ ડિજિટલ સુવિધા વધારાશે. આ સાથે રૂપિયામાં ટ્રેડ થઈ શકે એવી વ્યવસ્થા કરાઈ રહી છે.

છેલ્લે અત્યારે તો ઓવરઑલ તાલ જોઈને યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત નજરે ચડતા નથી, ઉપરથી યુદ્ધ વિસ્તરવાની શકયતા વધતી જણાય છે. પરિણામે રોકાણકારો માટે હજી પરીક્ષાનો સમય ચાલુ છે. હાલ તો સ્કૂલો અને કૉલેજોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બજારમાં રોકાણકારોની પરીક્ષા ચાલી રહી છે.

મહત્ત્વના આર્થિક સમાચાર અને સંકેત

રિલાયન્સ ઇન્ડ.ની ટેલિકૉમ સબસિડિયરી જિયો પ્લૅટફૉર્મના આઇપીઓના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ એપ્રિલમાં ફાઇલ કરવાનો પ્લાન ધરાવે છે.

વર્તમાન વેસ્ટ એસિયા ક્રાઇસિસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે નિકાસકારો માટે રિલીફ સ્કિમ જાહેર કરી છે.

મિડલ ઈસ્ટના યુદ્ધના પરિણામે ગ્લોબલ એનર્જી સપ્લાય પર થયેલી અસરે ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે, આની અસર ભારતના ગ્રોથ અને ઇન્ફ્લેશન પર થવાની શક્યતા વધી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સની સતત નેટ વેચવાલીનું એક મોટું પરિબળ છે.

ઑઇલ પ્રાઇસ વધીને બેરલદીઠ ૧૨૦ ડૉલર થઈ છે, જે કોઈ પણ દેશ માટે મોંઘી બાબત છે.

જાન્યુઆરી-૨૦૨૫થી માર્ચના અત્યાર સુધીના સમયમાં એફઆઇઆઇએ ભારતીય માર્કેટમાંથી આઠ અબજ ડૉલર પાછા ખેંચી લીધા છે.

વિશેષ ટિપ - અનિશ્ચિતતા એ લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સની મિત્ર હોય છે, જે વાજબી ભાવે ખરીદવાની તક ઑફર કરે છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange middle east crisis indian rupee crude oil jayesh chitalia